- બિલ્ડિંગ જર્જરીત હોવાનું સ્કૂલે રજૂ કરેલ પ્રમાણપત્રનું ક્રોસ વેરિફિકેશન કરાશે
- R&Bની ટીમ દ્વારા બિલ્ડિંગની હકીકત જાણવા DEOએ COS કચેરીને પત્ર પાઠવ્યો
- અચાનક સંચાલકોની સુચના મળતાં વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલની બિલ્ડીંગ જર્જરીત હોવાથી વિદ્યાર્થીઓને અન્ય સ્થળે ટ્રાન્સફર કરવાની બાબતમાં શહેર DEO દ્વારા સ્કૂલને નોટીસ તેમજ સ્કૂલ ઓફ કમિશનર કચેરીમાં તપાસ અર્થે એક પત્ર પાઠવ્યો છે. DEOએ COS કચેરીને પત્ર દ્વારા કહ્યુ છે કે, સ્કૂલે બિલ્ડીંગ જર્જરીત હોવાના જે પ્રમાણપત્ર રજૂ કર્યાં છે તેનું ક્રોસ વેરિફિકેશન થાય અને બિલ્ડીંગની સાચી હકિકત જાણી શકાય એ માટે R&Bની ટીમ દ્વારા સ્થળ તપાસ થાય તે અંગેની જાણ કરી છે. બીજી તરફ સ્કૂલને સ્પષ્ટ તાકીદ કરી છે કે જ્યાં સુધી DEO કચેરી દ્વારા કોઈ સુચના ન મળે ત્યાં સુધી વાલીઓને સ્કૂલ ટ્રાન્સફર અંગેની સુચના આપવી નહી. આ સિવાય જે શાળામાં વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરવાની વાત કરી રહ્યાં છો તેની તમામ વિગતો રજૂ કરવામાં આવે.
શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી અંગ્રેજી માધ્યમની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં ધોરણ.6થી 8 અંગ્રેજી માધ્યમમાં 1,600થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સ્કૂલનું બિલ્ડીંગ જર્જરીત હોવાનું કારણ આપી વિદ્યાર્થીઓને નારણપુરા તેમજ નવરંગપુરાની સ્કૂલમાં ટ્રાન્સફર કરવાની સંચાલકો દ્વારા વાલીઓને સુચના આપવામાં આવી હતી. અચાનક સંચાલકોની સુચના મળતાં વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો અને આ અંગેની DEO કચેરીમાં પણ રજૂઆત પહોચી હતી.


