સામાન્ય રીતે એવું કહેવાય કે અપેક્ષા અને હકીકત વચ્ચેનું અંતર એટલે નિરાશા, પરંતુ કેટલાક લોકો તેનો હંમેશાં અનુભવ કરતા હોય છે, એટલી હદ સુધી કે તેની સારવાર કરાવવી પડે. આજકાલની જીવનશૈલી દરેક ઉંમરની વ્યક્તિઓની માનસિકતા પર અસર કરે છે. નિરાશા એ માનસિક સ્થિતિ છે. આમ તો ઘણા બધા ગ્રહસંજોગો નિરાશા માટે કારણભૂત છે, પરંતુ એમાંની કેટલીક બાબતો આપણે જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મનનો કારક ચંદ્ર છે. વ્યક્તિની લાગણીઓ, કોઈ પણ વસ્તુની પ્રતિક્રિયા આપવી તે ચંદ્ર પર આધારિત છે. તે સિવાય બુધ નર્વ સિસ્ટમનો કારક છે. કુંડળીમાં ચંદ્ર જ્યારે નિર્બળ બને છે ત્યારે વ્યક્તિ નબળી માનસિકતાથી પીડાય છે. કેટલીક વાર ગ્રહોના ગોચર ભ્રમણના કારણે અમુક સમય માટે વ્યક્તિ નિરાશા અનુભવે છે. જ્યારે કેટલીક વાર કુંડળીના મૂળ ગ્રહો જ નિર્બળ હોવાથી હંમેશાં વ્યક્તિ માનસિક ચિંતા અને નિરાશામાં રહે છે અને માનસિક ચિંતા શરીરના અન્ય રોગોને પણ આમંત્રણ આપે છે.
મનનો કારક ચંદ્ર જ્યારે કુંડળીના 6, 8 કે 12મા સ્થાનમાં હોય, તેમાં પણ શનિ, રાહુ, કેતુ તેની સાથે હોય તેવા સંજોગોમાં વ્યક્તિ ચિંતાખોર સ્વભાવની કે તાણમાં રહે છે. 6, 8 અને 12મું સ્થાન દુસ્થાન છે. તે ચંદ્ર માટે સારું સ્થાન નથી. તેમાં પણ ચંદ્ર જો મકર, વૃશ્ચિક રાશિમાં હોય તો તે નિર્બળ બને છે.
શનિ એટલે જવાબદારી, મર્યાદા, નિયંત્રણ, પરિશ્રમ. રાહુ એટલે ભ્રમ, જીદ અને કેતુ એટલે એકલવાયાપણું, ગૂઢ, અલિપ્તતા કે કોઈ પણ વસ્તુ માટેનો અભાવ. ચંદ્ર આ ગ્રહો સાથે આવતી વ્યક્તિનું મન આ બધી બાબતોને અપનાવી લે છે.
ચંદ્ર 6, 8 કે 12મા સ્થાનમાં હોય અને તેની આસપાસના સ્થાનમાં ક્રૂર ગ્રહો હોય તો પણ ચંદ્ર નિર્બળ બનતાં વ્યક્તિને માનસિક પીડા આપે છે.
કુંડળીનું ચોથું સ્થાન સુખ સ્થાન છે. તેમાં ક્રૂર ગ્રહોની હાજરી હોય અને કુંડળીમાં ચંદ્ર પણ નિર્બળ હોય તો તેવી વ્યક્તિ હંમેશાં અસુખનો અનુભવ કરે છે. ચોથા સ્થાનનો અધિપતિ ખરાબ સ્થિતિમાં હોય તો પણ આ સંજોગો બની શકે છે.
બુધ નર્વ સિસ્ટમનો કારક છે. તે જ્યારે નીચ રાશિ કે અસ્ત રાશિમાં હોય તેની સાથે સાથે કુંડળીમાં ચંદ્રની સ્થિતિ પણ બરાબર ન હોય તેવા લોકો માનસિક પીડાનો અનુભવ કરે છે.
ગોચર ભ્રમણ દરમિયાન ચંદ્ર પરથી જ્યારે કેતુનું ગોચર ભ્રમણ હોય ત્યારે પણ વ્યક્તિ હતાશા અનુભવે છે. ખાસ કરીને ચંદ્ર નિર્બળ હોય કે ખરાબ સ્થાનમાં હોય.
તે જ રીતે પનોતી એટલે કે ચંદ્ર પરથી શનિના ભ્રમણ દરમિયાન વ્યક્તિ માનસિક પરિતાપનો અનુભવ કરે છે.
ચંદ્ર 6, 8, 12 સ્થાનમાં અને કેતુ સાથે હોય અને જ્યારે તે ગ્રહોની મહાદશા આવે ત્યારે પણ વ્યક્તિનાં તેટલાં વર્ષો હતાશામા પસાર થાય છે.
ઉપાયો
કેટલાક જ્યોતિષીય ઉપાયો છે, જે હતાશામાંથી બહાર આવવા માટે મદદરૂપ થઇ શકે તેમ છે.
સહુથી ઉત્તમ છે, ધ્યાન-મેડિટેશન, અનુલોમ-વિલોમ, મંત્રજાપ કે ફક્ત `ઓમ’નું ઉચ્ચારણ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ ચંદ્ર સાથે શિવનું જોડાણ છે. આથી `ઓમ નમઃ શિવાય’ મંત્ર અગર તો ચંદ્રના મંત્રના જાપ પણ માનસિક સંતુલન મેળવવામાં મદદરૂપ થાય છે.
મન એટલે ચંદ્ર અને ચંદ્રની ધાતુ છે ચાંદી. ચંદ્ર એ જળતત્ત્વનો ગ્રહ છે. આથી ચાંદીના ગ્લાસમાં પાણી કે દૂધ નિયમિત પીવાથી પણ લાભ થાય છે.
શિવજીને નિયમિત જળ અભિષેક કરવો.
ચંદ્રનું રીઅલ મોતી, બસરા મોતી ચાંદીમાં ધારણ કરી શકાય છે.
સંબંધોમાં ચંદ્ર એટલે માતા. પોતાની માતાના હંમેશાં આશીર્વાદ લેવા, તેમના ચરણસ્પર્શ કરવા જોઈએ.
ચાંદીનાં ઘરેણાં પહેરવાં, સોમવારનો ઉપવાસ કરવો વગેરે ઉપાયો પણ કરી શકાય છે.
કેટલાક સંજોગોમાં `અશ્વગંધાનું મૂળ’ ધારણ કરી શકાય છે. જોકે, તે વ્યક્તિગત કુંડળીના અભ્યાસ બાદ નક્કી કરી શકાય છે.
કુંડળીમાં જ્યારે બુધની નિર્બળ સ્થિતિ નિરાશા માટે કારણભૂત હોય તેવા સંજોગોમાં બુધનું રત્ન પણ ધારણ કરવાથી ફાયદો થાય છે.
નિરાશા એટલે લાચારી કે અસમર્થ હોવાનો અનુભવ. આવા સંજોગોમાં વ્યક્તિને માનસિક બળ પૂરું પાડવામાં આવે, સારું કાઉન્સેલિંગ આપવામાં આવે તો તે ઘણું મદદરૂપ થાય છે.