બોર્ડ શરૂ થાય એ પહેલા જ સભાગૃહમાં જવાની સીડી પાસે ગોઠવાઇ ગઇ હતી પોલીસની કડક કિલ્લેબંધી
બોર્ડ પૂર્વે ગઇકાલે વશરામ સાગઠિયા રૂબરૂ ગાંધીનગર જઇને હાઇકોર્ટના આદેશ મુજબનો સરકારી હુકમ લઇ આવવા છતાં ન અપાયો પ્રવેશ
રાજકોટના કોંગી કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઇ સામે પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠેરવાયા બાદ હાઇકોર્ટ સુધી લડત ચલાવીને બન્ને પુર્વ કોર્પોરેટર તરીકે ‘જીવીત’ થયા છે. જો કે સરકારમાંથી બન્ને કોર્પોરેટરોને હાઇકોર્ટના હુકમ મુજબ માન્યતા આપવી તેવુ લેખિતમાંથી મનપાને ન મળે ત્યા સુધી બન્ને નગરસેવકોને તેમનો હક્ક ન આપવો તેવા હઠ્ઠાગ્રહ સાથે આજે મળેલા જનરલ બોર્ડમાં વશરામ સાગઠિયાને પ્રવેશવામા દેવામા આવ્યા ન હતા. સભાગૃહના દાદરા પાસે જ પોલીસની કિલ્લેબંધી ગોઠવાઇ ગઇ હતી. ઉગ્ર ઝપાઝપી બાદ પોલીસે વશરામ સાગઠિયાને ધક્કા મારી ટીંગાટોળી કરીને બહાર કાઢી મુકાતા હવે કોર્પોરેટર તરીકેનો હક્ક મેળવવા માટે બન્ને કોંગી નગરસેવકો દ્વારા ફરી કાનૂની લડત તેજ બને તેવી સ્થિતિ સર્જાઇ છે.
રાજકોટ મનપામાં વશરામભાઇ સાગઠિયા અને કોમલબેન ભારાઇને હાઇકોર્ટે તો ક્વોલિફાઇ ગણાવી દીધા પણ મનપાના રાજકારણમાં કોર્પોરેટરપદના હક્ક માટે લડાઇ ચાલુ રાખવી પડે તેવી નોબત આવી હતી. જનરલ બોર્ડની પ્રશ્નોતરીમાં કોંગ્રેસના આ બન્ને નગરસેવકોના પ્રશ્નનો સમાવેશ કરવામા આવ્યો નથી તેના પરથી એવુ પણ સ્પષ્ટ માનવામા આવતુ હતુ કે, જનરલ બોર્ડમાં પણ વશરામભાઇ અને કોમલબેનને પ્રવેશ આપવામા નહીં જ આવે. અને એ મુજબ જ થયુ. આજે સવારે જનરલ બોર્ડ શરૂ થાય એ પહેલાં જ સભાગૃહમાં જવા માટેની સીડી પાસે પોલીસની કિલ્લેબંધી ગોઠવી દેવામા આવી હતી. વશરામ આવતા જ પોલીસે અટકાવ્યા હતા. તમે ક્યા આધારે મને રોકી શકો છો? મારી પાસે હાઇકોર્ટનો અને સરકારમાંથી લઇ આવેલો હુકમ છે. હુકમની નકલ પણ દેખાડવામા આવી હતી. આમછતા જનરલ બોર્ડના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢિયાના આદેશથી વશરામ સાગઠિયાને જનરલ બોર્ડમાં પ્રવેશ આપવામા આવ્યો ન હતો. વશરામ સાગઠિયાને અટકાવનાર વીજીલન્સ અને પોલીસ અધિકારીઓએ એવુ કારણ આપ્યુ હતુ કે, તમે કોર્પોરેટરપદે ફરી ક્વોલિફાઇ થયા છો તેવી લેખિતમાં જાણ સરકારમાંથી મહાનગરપાલિકાને મળી નથી. એટલા માટે સેક્રેટરીનો હુકમ છે કે તમને જનરલ બોર્ડમાં પ્રવેશ આપવામા દેવો નહીં. વશરામ સાગઠિયા અને પોલીસ વચ્ચે લાંબી માથાકૂટ ચાલ્યા બાદ પોલીસે વશરામ સાગઠિયાને ધક્કા મારી, ટીંગાટોળી કરીને કાઢી મુક્યા હતા.
ગઇકાલે સાગઠિયા રૂબરૂ જઇને સરકારનો હુકમ લઇ આવ્યા’તા, છતા ન મળ્યો પ્રવેશ
આજે જનરલ બોર્ડ મળે એ પૂર્વે ગઇકાલે કોંગી વશરામ સાગઠિયા ગાંધીનગર રૂબરૂ ગયા હતા અને ત્યાથી હાઇકોર્ટના હુકમ મુજબ કોંગ્રેસના કોર્પોરેટર પદે યથાવત રાખવાનો સરકારી હુકમ પોતે જાતે જ લઇ આવ્યા હતા. હુકમની આ નકલ પણ દેખાડવામા આવી હતી. આમછતા તેને જનરલ બોર્ડમાં પ્રવેશ આપવામા આવ્યો ન હતો.
કોર્ટની માનહાની અંગે સાગઠિયાએ આપી એ-ડીવીઝનમાં ફરિયાદ
જનરલ બોર્ડમાં પ્રવેશ અપવામા ન આવતા વશરામ સાગઠિયા એ-ડીવીઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. હાઇકોર્ટનો હુકમ હોવા છતા કોર્પોરેટર તરીકેની માન્યતા ન આપી જનરલ બોર્ડમાં પ્રવેશ આપવામા આવ્યો ન હોય આ બાબત કન્ટેમ્ટ ઓફ ધી કોર્ટ એટલે કે હાઇકોર્ટના હુકમનો અનાદર થયો છે અને સાથે એક નગરસેવક તરીકે મારી ફરજમાં પણ રૂકાવટ થઇ છે. તે બદલ જનરલ બોર્ડના અધ્યક્ષ મેયર અને સેક્રેટરી સહિત જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા ગયા હતા. જો કે પોલીસે માત્ર અરજી જ લીધી હતી. પોલીસે એફઆઇઆર ન નોંધતા હવે સીધી કોર્ટમાં જ ફરિયાદ દાખલ કરવામા આવશે તેમ વશરામ સાગઠિયાએ જણાવ્યું છે.
સરકારમાંથી મનપાને લેખીત જાણ નથી : સ્ટે.ચેરમેન
સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે મીડિયા સમક્ષ કહ્યુ હતુ કે, નામદાર હાઇકોર્ટના હુકમનું પાલન કરવુ એ સૌ કોઇની ફરજ છે. પછી તે કોઇપણ પક્ષનો સભ્ય હોય. વહીવટી પ્રક્રિયા પણ સાથે જોવાની હોય છે. હાઇકોર્ટના હુકમ અનુસાર સરકારના શહેરી વિકાસ મંત્રાલયમાંથી વશરામ સાગઠિયા અને કોમલબેનને કોંગ્રેસના નગરસેવક તરીકે ક્વોલિફાઇ ગણવામા આવ્યા છે તેવી કોઇ લેખિત જાણ મનપાને થઇ ન હોવાથી પ્રવેશ અપાયો નથી.