- ગાયોના નામે મત માંગનાર સત્તાધીશોને ચિંતા નહીં હોવાનો વિપક્ષનો આક્ષેપ
- એક જ ઢોરવાડામાં 6,100 ઢોર રાખી ગાય સુરક્ષિત હોવાના દાવા થાય છે
- લીલા ઘાસચારાથી આંફરો ચઢે એટલે ગાયોના મોત થાય છે
ચાલુ ડિસેમ્બર મહિનામાં જ 10 ગાયોના મોત થયા છે, મહિને સરેરાશન 30 ગાયોનાં મોત થઇ રહ્યા છે. વર્ષેદહાડે 500 ગાયોના મોત થાય છે. જેમાં ઘણી ગાયોનું કારણ છેલ્લા પાંચ વર્ષથી પ્રતિબંધિત પ્લાસ્ટીક છે. આમ છતાં મ્યુનિ.સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. ગાયોના નામે મતમાંગનાર સત્તાધીશોને ચિંતા નહીં હોવાનો આક્ષેપ કરતાં વિપક્ષે કહ્યું કે, એક ઢોરવાડામાં 6100થી વધુ ઢોર રાખીને નિયમનું ઉલ્લંઘન કરાય છે. મ્યુનિ.નું 9 હજાર કરોડનું બજેટ છતાં પૂરતા ઢોરવાડા નથી. વિપક્ષના આક્ષેપને ફગાવતા મ્યુનિ.સત્તાધીશોએ ગાયો સુરક્ષિત હોવાનો દાવો કર્યો હતો.
શુક્રવારે મ્યુનિ.બોર્ડની શરુઆતમાં જ વિપક્ષે ગાયોનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિપક્ષે કહ્યું કે, હાઇકોર્ટના આદેશ પૂર્વે મ્યુનિ.એ કાર્યવાહી કરી હોત તો ગાયોના મોત થવાની શક્યતા ઘટી ગઇ હોત. મ્યુનિ.ની લાપરવાહીના લીધે અગાઉ 30 અને ડિસેમ્બરમાં 10 ગાયોના મોત થયા છે. 20 ડિસે. સુધીમાં 14,800 પશુઓ પકડવામાં આવે છે. તમામને ઢોરવાડામાં ગોંધી રખાયા છે. ગાયોને કીચડમાં રખાય છે. પશુઓ માટે એનિમલ રેસ્કયૂ સેન્ટરની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મંજૂર થઇ પણ હજી બન્યુ નથી. વાઈરસ બંધ નહીં કરો તો વધુ ગાયો મરશે. સત્તાપક્ષ જાહેરમાં માહિતી આપે કે, છેલ્લા બે વર્ષમાં સ્વચ્છ વાછરડાંનો જન્મ થયો છે. 218 સ્થળોએ જાહેરમાં કચરો નંખાય છે. જેને ખાતા વખતે ગાયોના પેટમાં પ્રતિબંધિક પ્લાસ્ટીક જાય છે અને મોતનું કારણ બને છે. મ્યુનિ.તંત્ર અને સંસ્થાઓની સાંઠગાંઠથી પશુઓ વેચવાનું કામ ચાલે છે. પશુઓ માટે પૂરતા ડોક્ટરો નથી. આમ છતાં મ્યુનિ.સત્તાધીશો પગલાં ભરતા નથી. ફતેહવાડી-મકતપુરામાં બ્રિજ માટે 3 કરોડ મંજૂર પણ કામ આગળ ચાલતું નથી. વિપક્ષના આક્ષેપને નકારતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું કે, કોર્ટના સૂચનનું સંપૂર્ણ પાલન કરાય છે. લીલા ઘાસચારાથી આંફરો ચઢે એટલે મોત થાય છે. હાર્ટકેશ્વર બ્રિજ અંગે ઝડપથી નિર્ણય કરાશે.
કોર્પોરેટરોના બાંકડા માટે એક જ કંપની છતાં હલકી ગુણવત્તા
બોર્ડ બેઠકમાં વિપક્ષના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો હતો કે, કોર્પોરેટરોના બજેટમાંથી ફાળવવામાં આવતા બાંકડા માટે અલગ અલગ પોલીસી લાવવામાં આવી છે. હાલની પોલીસીમાં એક જ કોન્ટ્રાક્ટર દ્વારા બાંકડા ફાળવવામાં આવે છે. આમ છતાં બાંકડા હલકી ગુણવત્તાના હોય છે. જેના લીધે ગણતરીના સમયમાં જ બાંકડા તુટી જાય છે. બાંકડાની કિંમત અલગ અલગ રાકીને કોન્ટ્રાક્ટર ગેરમાર્ગે દોરે છે. ડેમોસ્ટેશનમાં મુકાયેલા બાંકડાની ગુણવત્તા જળવાતી નથી. જેથી તપાસ કરીને કોન્ટ્રાક્ટરને દૂર કરવા વિપક્ષે માંગને માન્ય રાખી અધ્યક્ષે તપાસ કરાવવાની ખાતરી આપી હતી.


