- મંથરગતિએ ચાલતા રોડના કામથી મ્યુનિ. કમિશનરે ઈજનેર અધિકારીઓને ઝાટક્યા
- કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમ પહેલાં રસ્તા બનાવવા દક્ષિણ ઝોનના અધિકારીને તાકીદ
- રોડ પર લાગેલા દિશાસૂચક બોર્ડ બાબતે પણ કમિશનરે અસંતોષ વ્યક્ત કર્યો
આગામી મહિને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજનાર છે અને તા. 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમ શરૂ થનાર છે ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ બનાવાયા નથી. ખાસ કરીને શહેરના દક્ષિણ ઝોનમાં રોડ બનાવવાની કામગીરી મંથરગતિએ ચાલી રહી હોવાની બાબતને ગંભીર ગણીને AMC કમિશનર એમ. થેન્નારસને એન્જિનિયર વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો. રોડ પર લાગેલા દિશાસૂચક બોર્ડ બાબતે પણ તેમણે ભારે નારાજગી દર્શાવી હતી. આગામી સોમવારથી શહેરના દરેક વિસ્તારોમાં રોડ- રસ્તાની કામગીરી વિશે જાતમાહિતી મેળવવા માટે રાઉન્ડ લેવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે.
AMC કમિશનર એમ. થેન્નારસને વીકલી રિવ્યૂ મિટિંગ શહેરમાં રોડના કામોના મુદ્દે વ્યાપક નારાજગી દર્શાવી હતી. રોડની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કરીને તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં વાઇબ્રન્ટ અને કાંકરિયા કાર્નિવલ આવી રહ્યો છે ત્યારે શહેરના રોડ રસ્તાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે. ખાસ કરીને દક્ષિણ ઝોનના વિસ્તારોમાં રોડ રસ્તા સરખા કરો. ગત વિકલી રિવ્યૂ મિટિંગમાં પણ શહેરમાં રોડ રસ્તામાં વપરાતું મટિરિયલ યોગ્ય ગુણવત્તાનું ન હોવા મામલે પણ તેઓએ તાકીદ કરી હતી. રોડના કેટલા પેવર ચાલે છે અને દિવસ દરમિયાન પણ રોડની કામગીરી કરવા માટેની સૂચના આપી હતી. ત્રણ દિવસ પહેલા પણ શાહીબાગ વોર્ડમાં તેમના રાઉન્ડમાં ડફ્નાળા સર્કલથી ગિરધરનગર બ્રિજ સુધીના રોડના માઇક્રો રીસરફેસની કામગીરી બાબતે પણ બેદરકારી જણાતા કોન્ટ્રાક્ટરને સૂચના આપવી પડી હતી. રોડ પર લાગેલા દિશાસૂચક બોર્ડ બાબતે પણ કમિશનરે અસંતોષ વ્યક્ત કર્યો હતો. કયા વિસ્તારનો, કયો રોડ છે, કયું સર્કલ આવેલું છે વગેરે અંગેની ઓળખ થાય તે મુજબના દિશા સૂચક બોર્ડ કરવા માટેની પણ સૂચના આપી હતી.


