- સોશિયલ મીડિયામાં નશાકારક દ્રવ્યો વેચવા માટેની લિંકનો રાફડો ફાટયો
- ગાંજો રૂ.5,500નો 5 ગ્રામ અને દસ હજારનો દસ ગ્રામ સહેલાઈથી ઘરે મળી જાય છે
- ડ્રગ્સ સામેની લડતની વાતો માત્ર કાગળ પર જ
લોકસભાની ચૂંટણીઓને લઈને વ્યસ્ત સુરક્ષા એજન્સીઓની સોશિયલ મીડિયા પર ચાંપતી નજર છતાં પણ આયુર્વેદિક દવાની આડમાં યુવા પેઢીને બરબાદ કરતા નશાનો ખુલ્લેઆમ વેપલો થઈ રહ્યો છે. ઓનલાઇન હાઈબ્રીડ ગાંજાનું વેચાણ કરતી સોશિયલ મીડિયા લિંકોનો રાફડો ફાટી નીકળ્યો હોવા છતાં પણ ડ્રગ્સ સામે કાર્યવાહી કરતી એજન્સીઓ દ્વારા કોઈ કાર્યવાહી થતી ન હોવાનો સૂર ઊઠયો છે. ડ્રગ્સની બદી દૂર કરવાની વાતો હવામાં થઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. દરિયાઈ માર્ગ સિવાય એજન્સીઓએ બીજા માર્ગો પર પણ વોચ રાખવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાઈબ્રીડ ગાંજો રૂ.5,500માં પાંચ ગ્રામ અને દસ હજારમાં દસ લોકોના ઘર સુધી પહોંચી જાય છે. આ સમગ્ર રેકેટથી પોલીસ અજાણ હોય તે માની શકય તેમ નથી.
વિદેશોમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓએ ભારતમાં યેનકેન પ્રકારે નશાખોરો સુધી ડ્રગ્સ પહોંચાડવાના નીતનવા રસ્તા અપનાવી લીધા છે. હાઈબ્રીડ ગાંજા સહિતના નશાકારક પર્દાથો તેમજ નશો કરવા માટેના ઈલેકટ્રોનીક્સ ડિવાઈસો પર ગુજરાત તેમજ દેશમાં પ્રતિબંધ છે. આ પ્રતિબંધ હોવા છતાં પણ આરોપીઓ નિતનવા રસ્તા અપનાવી લોકોના ઘર સુધી આ પ્રકારના નશાકારક ડ્રગ્સ અને ડિવાઇસો પહોંચાડી રહ્યા છે. દવાની આડમાં નશાનો વેપલો કરતી જુદી જુદી 20 જેટલી સોશિયલ મીડિયા લિંકો ઓનલાઇન જોવા મળી રહી છે. વેપ, કેનાબીસ, હેપ્પી, ઈન ઈન્ડિયા વેપ સહિતના જુદા જુદા નામો હેઠળ લિંક બનાવીને ડ્રગ માફિયા લોકોને ગાંજો પહોંચાડી રહ્યા છે. આ લિંક પરથી ગાંજાનું પુષ્કળ ખરીદી થતી હોવાનું સૂત્રો જણાવી રહ્યો છે. માથાનો દુખાવો, તણાવ દૂર કરવા, મનની શાંતિ માટે કે આનંદ મેળવવા માટેની દવાની જાહેરાતો સો।.મિડીયા પર કરી લોકો સુધી ડ્રગ્સ પહોંચાડવામાં આવી રહ્યું છે. આ પ્રકારની લિંક પર તમે બાય પર કલીક કરો એટલે સીધો તમારા મોબાઈલ ફોન પર વોટસએપ મેસેજ આવી જશે જેમાં જૂદી જૂદી દવાના નામે સામે ભાવ લખેલા હોય છે. ડ્રોપ્સ, પેસ્ટ, ઓઈલ અને ક્રીમના નામે નશાનું વેચાણ આરોપીઓ કરી રહ્યા છે. હાઈબ્રીડ ગાંજાનો પ્રમાણ વધુ તેમ પ્રોડક્ટસના ભાવ વધુ હોય છે. રૂ.800 થી લઈને રૂ.15 હજાર સુધીની નશાકારક દવાઓ ઓનલાઈન મળી જાય છે.
ડ્રગ માફિયાઓ દ્વારા લિંકમાં ખાસ કરી ઈન ઈન્ડિયા ફ્રી હોમ ડિલીવરી તેવા મથાળા સાથે જાહેરાત કરવામાં આવે છે. જેના મતલબ ભારતમાં ડ્રગ્સ પર પ્રતિબંધ છતાં પણ અમે તમારા ઘર સુધી હાઈબ્રીડ ગાંજો પહોંચાડીશું અને જે લોકો મંગાવે છે તેના ઘર સુધી પહોંચી પણ જાય છે. આમ, ઓનલાઈન હાઈબ્રીડ ગાંજાનું વેચાણ ફુલ્યું ફાલ્યું હોવા છતાં પણ સો.મિડીયા પર નજર રાખતી સુરક્ષા એજન્સીઓના હાથ બંધાયેલા છે. દવાની આડમાં ગાંજાનું વેચાણ કરતી અમુક કંપનીઓ આયુષ લાઈસંસ ધરાવતી હોવનો દાવો પણ કરે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ ઓનલાઈન ચાલતા ડ્રગ્સના વેપલાને રોકવામાં નહી આવે તો દેશની યુવા પેઢીને નશાની ચપેટમાં આવી બરબાદ થઈ શકે છે. પંજાબમાં ડ્રગ્સનું દુષણ એ હદે વધી ગયું કે, બોલીવુડમાં ઉડતા પંજાબ ફિલ્મ બની હતી. જો કે, આ મામલે કડક કાર્યવાહી નહી થાય સમગ્ર દેશના જૂદા જૂદા રાજ્યોના યુવાનો નશાની ચપેટમાં આવી જાય તો નવાઈ નહી.
ગુજરાતમાંથી બે વર્ષમાં 5,600 કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું છે
ગુજરાતમાં 2022-23માં એટીએસ, ક્રાઈમબ્રાંચ તેમજ પોલીસ દ્વારા જુદા જુદા શહેરોમાં રેડ કરીને 5,600 કરોડથી પણ વધુ હેરોઇન, કોકેન, એમડી, અફીણ, ગાંજો સહિતના જુદા જુદા ડ્રગ્સ ઝડપી લેવાયા છે. ખાસ કરીને રાજ્યના દરિયાઈ માર્ગેથી સુરક્ષા એજન્સીઓેએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું હતું. ગુજરાત પોલીસ પર ડ્રગ્સની બદી મામલે કાયમ સવાલો ઊભા થયા છે કે, તેઓ છૂટક ડ્રગ્સનું વેચાણ કરતા પેડલરોને પકડતા નથી. ખાસ કરી મોટો જથ્થો પકડીને ડ્રગ્સનું વેચાણ અટકાવી દેવાની પોલીસની ગણતરીઓ ખોટી પડી હતી. બીજી તરફ ઓનલાઈન ડ્રગ્સનું વેચાણ કરતી લિંકો પણ મોટા પાયે ફરતી થઈ ગઈ છે.


