ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ મનપાની ચાલુ બેઠકે આવી સાગઠીયાને ઉઠાવી ગયા : ક્રાઇમ બ્રાંચમાં તપાસનો ધમધમાટ
ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા આગકાંડમાં 3૦થી વધુ લોકોના મોતના સમગ્ર રાજયમાં ઘેરા પડઘા પડયા છે. સરકાર ઉપર ચોમેરથી ભીંસ આવી છે. આવા સંજોગોમાં સરકારે રાજકોટમાં કાયદો હાથમાં લઇ આડેધડ પરમીશન આપનાર તમામ એજન્સીઓના ટોચના અધિકારીઓ સામે તપાસના આદેશ આપી દીધા છે. જે અન્વયે રાજકોટ મનપાના ચીફ ટાઉન પ્લાનર એમ.ડી.સાગઠીયાને આજે રાજકોટ મહાનગરપાલિકાના મુખ્ય બિલ્ડીંગમાં બેઠક ચાલુ હતી ત્યારે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ બેઠક પૂરી થવાની રાહ જોયા વગર ઉઠાવી લીધા હતા. એટલું જ નહી તેમની અટકાયત કરી ક્રાઇમ બ્રાંચે લઇ જઇ તેમની પુછપરછનો દૌર શરૂ કર્યો હતો.
આજે એક તરફ સીટના વડા સુભાષ ત્રિવેદી ગાંધીનગરમાં તપાસની પ્રાથમિક વિગતો જાહેર કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે આ ઘટના ખૂબ વ્યાપક છે અને ગુનેગારો સુધી પહોંચવા માટે વધુ સમય જોઇશે. મતલબ કે બનાવની સાથે સંકળાયેલા જેટલા અધિકારીઓ હશે તેમની તપાસ થશે. આ સ્થળને કોર્પોરેશનના ચોપડે પાર્ટી પ્લોટ બતાવી ગેમઝોન ચલાવવામાં આવતું હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા હતાં. આ બાબતે તપાસ ચાલતી હતી. ત્યારે ચીફ ટાઉન પ્લાનર એમ.ડી.સાગઠીયા સહિતના સંબંધીત અધિકારીઓની અટકાયત આ પગલાના ભાગરૂપ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાજકોટ મનપામાં ચીફ ટાઉન પ્લાનર એમ.ડી.સાગઠીયા સૌથી સિનિયર હોવા ઉપરાંત તેઓ ટીપીઓનો ઇન્ચાર્જ ચાર્જ ભોગવતા હતા. છેલ્લા એક વર્ષથી તેમને ટીપીઓ તરીકે સત્તાવાર રીતે નિયુકિત મેળવી હતી. તેમની સામે આ મામલામાં ક્રાઇમ બ્રાંચને ખૂબ જ ચોંકાવનારી વિગતો મળી હોવાનું અને વોર્ડ ઓફિસર સહિતના અધિકારીઓએ વટાણા વેરી દીધાનું માનવામાં આવી રહ્યું છે.


