- ઓલ્ડ પેન્શન સ્કીમ ઉપરાંત ફિક્સ પગાર નાબૂદી સહિતની રજૂઆતો કરાઈ
- પાટનગર ખાતેના કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી 1200થી વધુ શિક્ષકો જોડાયા
- OPS માટે આવેદનપત્ર આપવા જતા શિક્ષકોની અટકાયત
સમગ્ર રાજયના શિક્ષકો સહિત વિવિધ 37 કેડરના સરકારી કર્મચારીઓએ ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે ગાંધીનગરમાં શુક્રવારે વ્યક્તિગત આવેદન આપવાનો કાર્યક્રમ કર્યો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી 1200થી વધુ શિક્ષકો અને આગેવાનો જોડાયા હતા. જેમાં શિક્ષક આગેવાનોની અટકાયત કરી તેઓને કરાઈ લઈ જવાયા હતા. જયારે ચારેક કલાક બાદ તેઓને મુકત કરાયા હતા.
વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ લોકસભાની ચૂંટણી નજીક આવતા શિક્ષકો સહિતના કર્મીઓની ઓપીએસની માંગ પ્રબળ બની છે. નવી પેન્શન સ્કીમની જગ્યાએ ફરી ઓપીએસ અમલમાં લાવવા, ફીકસ પગારની નીતિ નાબુદ કરવા, એનપીએસમાં જમા થતી રકમને શેરબજારના બદલે બેંકમાં ડીપોઝીટ તરીકે મુકવા, સમાન કામ સમાન વેતન સહિતની માંગણીઓને લઈને શિક્ષકોએ બાંયો ચડાવી છે. ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના આહવાનને લઈને સમગ્ર રાજયના અને તાલુકાના પ્રાથમિક શિક્ષકો, અન્ય કેડરના કર્મીઓ ઓપીએસની માંગણીને લઈને ગાંધીનગર શુક્રવારે પહોંચ્યા હતા. ત્યારે સરકારે બળપ્રયોગ કરીને કર્મીઓની ધરપકડ કરી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દેવાભાઈ સભાડ, મહામંત્રી ગંભીરસીંહ બોરાણા, ધ્રાંગધ્રા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ આકાશ પટેલ, દિપ્તીબેન ગુર્જર સહિતનાઓની અટકાયત કરીને કરાઈ ટ્રેનિંગ સેન્ટર લઈ જવાયા હતા. જયાં ચારેક કલાક બેસાડી રાખ્યા બાદ તેઓને મુકત કરાયા હતા. ઓપીએસની માંગણીને લઈને યુધ્ધે ચડેલા કર્મીઓ જો માંગણીઓ ન સ્વીકારાય તો લોકસભા ચૂંટણીમાં નવાજુની કરવાની પણ તૈયારીઓ દાખવી રહ્યા છે.


