ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ રોજર બિન્નીએ દેવજીત સૈકિયાને બોર્ડના કાર્યકારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. હવે તેઓ BCCIની બાબતો સંભાળશે. તમને જણાવી દઈએ કે 1 ડિસેમ્બરના રોજ જય શાહે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નવા પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો.
બિન્નીએ પોતાના સંવેધાનિક પાવરનો કર્યો ઉપયોગ
BCCIના પ્રમુખ રોજર બિન્નીએ પોતાની બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને દેવજીત સૈકિયાને કાર્યકારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. BCCIના નિયમો અનુસાર કાયમી સચિવની નિમણૂક ન થાય ત્યાં સુધી કાર્યકારી સચિવ બોર્ડનો ચાર્જ સંભાળી શકે છે. આ એક કામચલાઉ વ્યવસ્થા છે.
આવતા વર્ષે સપ્ટેમ્બર સુધી જવાબદારી નિભાવશે
આસામના રહેવાસી દેવજીત સૈકિયા ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે. હાલમાં તેઓ BCCIના જોઈન્ટ સેક્રેટરી છે. સૈકિયા આવતા વર્ષે સપ્ટેમ્બર સુધી આ પદ પર રહેશે અને ત્યારબાદ સચિવની કાયમી નિમણૂક કરવામાં આવશે.
કોણ છે દેવજીત સૈકિયા?
દેવજીત ભારત તરફથી ક્રિકેટ રમ્યો નથી, પરંતુ તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રહ્યા છે. તેમણે આસામ માટે રણજી ટ્રોફી ક્રિકેટ રમી, જ્યાં તેમણે વિકેટકીપર-બેટ્સમેનની ભૂમિકા ભજવી હતી. તેઓ મિડલ ઓર્ડરમાં બેટિંગ માટે જાણીતા હતા. આસામના રહેવાસી દેવજીત હાલમાં BCCIમાં જોઈન્ટ સેક્રેટરી છે. ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર હોવા ઉપરાંત દેવજીત વ્યવસાયે વકીલ પણ છે. BCCIમાં જોડાતા પહેલા તેઓ આસામ ક્રિકેટ એસોસિએશનમાં સેક્રેટરી તરીકે પણ નિયુક્ત હતા.
શાહ ICCના સૌથી યુવા પ્રમુખ બન્યા
BCCIના પૂર્વ સચિવ જય શાહ હવે ICCના પ્રમુખ બની ગયા છે. તેમણે 1 ડિસેમ્બરે ચાર્જ સંભાળ્યો હતો. જય શાહ આ વર્ષે ઓગસ્ટમાં ICC પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. આ પદ સંભાળનાર તેઓ સૌથી યુવા પ્રમુખ છે. શાહ નવેમ્બર 2020થી ICC પ્રમુખ તરીકે સેવા આપતા ગ્રેગ બાર્કલેનું સ્થાન લઈ રહ્યા છે.


