- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ જામ્યો
- દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘમહેર
- ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ સવા 2 ઈંચ વરસાદ વરસ્યો
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ જામ્યો છે. એમાંય દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. એવામાં આજે જિલ્લાના 4 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.
જો આજે દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં વરસેલા વરસાદના આંકડા જોઈએ તો, ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ સવા 2 ઈંચ વરસાદ વરસ્યો છે. ખાસ વાત એ છે કે, સવા ઈંચ વરસાદ તો માત્ર સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીના બે કલાક દરમિયાન જ વરસ્યો છે.
ખંભાળિયામાં ભારે વરસાદના પગલે નગરગેટ, રામનાથ સોસાયટી, જોધપુર ગેટ, આશાપુરા ચોક અને સોની બજાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
ખંભાળિયા ઉપરાંત દ્વારકા તાલુકામાં સવા ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય યાત્રાધામ બેટ દ્વારકામાં પણ સતત ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.


