- ભાજપે જાહેર કર્યો મધ્ય પ્રદેશ ચૂંટણી માટે પોતાનો સંકલ્પ પત્ર
- સંકલ્પ પત્રમાં ભાજપે એમપીના વિકાસ માટે કરી અનેક જાહેરાતો
- મધ્ય પ્રદેશને ભાજપ સરકાર નવી ઊંચાઈએ લઈ જશે: સિંધિયા
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 17 નવેમ્બરે મતદાન થવાનું છે. જેને હવે માત્ર 6 દિવસ બાકી છે. આ દરમિયાન ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે જેમાં શિક્ષણ, આરોગ્ય, રાશન અને ટ્રાન્સપોર્ટ સહિતના વિવિધ મુદ્દાઓ પર ઘણી જાહેરાતો કરી છે. તો, હવે ભાજપના સંકલ્પપત્રને લઈને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પ્રતિક્રિયા આપી છે.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપના સંકલ્પ પત્ર પર, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે, “અમે મધ્યપ્રદેશમાં શરૂ થયેલી પ્રગતિ અને વિકાસની યાત્રા ચાલુ રાખીશું. આરોગ્ય ક્ષેત્રમાં રૂ. 20,000 કરોડનું રોકાણ, આદિવાસી સમાજ માટે રૂ. 3 લાખ કરોડનું રોકાણ, દરેક જિલ્લાઓમાં IIT, AIIMS… મધ્યપ્રદેશને નવી ઊંચાઈઓ પર ભાજપ સરકાર લઈ જઈ રહી છે.
સિંધિયાએ કહ્યું કે ભાજપના નેતૃત્વમાં મધ્યપ્રદેશ એક બીમાર રાજ્યમાંથી બેમિસાલ રાજ્યમાં પરિવર્તિત થયું છે અને અમે એ જ યાત્રા ચાલુ રાખીશું. ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભોપાલમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું, “અમે આરોગ્ય ક્ષેત્રમાં 20,000 કરોડ રૂપિયા, આદિવાસી વિસ્તારો માટે 3,000 કરોડ રૂપિયા, IIT અને AIIMS દરેક વિભાગમાં રોકાણ કર્યું છે. ભાજપ મધ્યપ્રદેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે.” સિંધિયા મધ્ય પ્રદેશના જ છે. મધ્યપ્રદેશ અને ચૂંટણીને લઈને તેઓ સતત પોતાના માતૃ રાજ્યનો પ્રવાસ કરતાં રહે છે. તેમણે અહીં ઘણી જાહેર સભાઓ પણ કરી છે.
રાજ્યમાં બનશે 6 નવા એક્સપ્રેસ વે
શનિવારે જાહેર કરવામાં આવેલ સંકલ્પ પત્રમાં ભાજપે આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય વિદ્યાલય ખોલવાની જાહેરાત કરી છે. ગરીબ પરિવારના બાળકોને ધોરણ 12 સુધી મફત શિક્ષણ આપવાનું વચન આપવામાં આવ્યું છે. સંકલ્પ પત્રમાં 6 નવા એક્સપ્રેસ વેના નિર્માણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગરીબ પરિવારોને ઓછા દરે મફત રાશન તેમજ સરસવનું તેલ મળશે. ગ્વાલિયર અને જબલપુરમાં નવી મેટ્રો શરૂ કરવાનું વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશમાં 13 નવા સાંસ્કૃતિક લોક બનાવવામાં આવશે.