- દામોદરરાયજીને પહેરાવેલો હાર ભગવાન તમને કેદખાનામાં આવીને પહેરાવે તો જ તમે ભગત સાચા
ભક્ત શિરોમણી નરસૈયાનું સ્થાન શ્રીહરિના હ્રદયમાં છે. ભક્ત નરસૈયો એટલે દાસત્વ ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. નરસૈયાને વેદ, પુરાણ, શાસ્ત્રનું કોઈ જ જ્ઞાન નહોતું. તેઓ કર્મકાંડની વિધિ પણ નહોતા જાણતા. છતાં પણ તેમણે આધ્યાત્મિક ક્ષેત્રે જે પરમગતિની પ્રાપ્તિ કરી તે અદ્વિતીય હતી. જપ, તપ અને સાધના વગર માત્ર હૃદયની તન્મયતાથી તેમણે શ્રીહરિના હૃદયમાં સ્થાન મેળવ્યું. નરસૈયાએ તેમની સહજ અને સરળ ભક્તિથી સાબિત કરી દીધું કે જ્યારે ભગવાનની ભક્તિમાં મન એટલું ઓતપ્રોત થઈ જાય કે મશાલ સાથે આખેઆખો હાથ બળી જાય ત્યાં સુધી પ્રભુ પ્રત્યેની દીવાનગી ન છૂટે. એ જ ભક્તિ અને દીવાનગી પ્રભુની સમીપ લઈ જાય છે. ભક્ત નરસૈયાને શ્રીહરિ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવ હતો. તેઓ સાંસારિક દરેક ચિંતા શ્રીહરિનાં ચરણોમાં ધરીને ચિંતામુક્ત થઈ જતાં અને શ્રીહરિ પણ ભોળા ભક્તની લાજ રાખવા ક્યારેક કુંવરબાઈનું મામેરું ભરીને, તો ક્યારેક હૂંડી સ્વીકારીને લાજ રાખતા.
સામાન્ય જનમાનસમાં ભક્ત નરસૈયાનું સ્થાન અવિચળ છે. આવા કૃષ્ણસખાના જીવનમાં આજથી સાડા પાંચસો વર્ષ પહેલાં `હારમાળાનો પ્રસંગ’ માગશર માસમાં બન્યો હતો અને આ હારમાળાની અગ્નિપરીક્ષામાંથી ભક્ત નરસૈયાને શ્રીહરિએ પાર ઉતારેલા.
હારમાળા પ્રસંગની ટૂંકમાં છણાવટ કરતાં ભક્ત નરસૈયો અન્યનાં દુઃખે દુઃખી થનારામાંનો એક હતો અને તેથી જ બીજાને માટે તેમણે શામળશા શેઠ પાસે પોતાનો કેદાર રાગ (તંબૂર) ગીરવે મૂક્યો હતો અને જ્યાં સુધી નરસૈયો શામળશા શેઠને નાણાં ન ચૂકવે ત્યાં સુધી પોતે `કેદાર રાગ’માં એકેય ભજન નહીં ગાય એવું ‘સોગંદનામું’ લખી આપેલું. દરમિયાન કેટલાક વિઘ્નસંતોષીઓએ એ વખતના રાજા રા’માંડલિકને એવી કાન ભંભેરણી કરી કે ભગત નરસૈયો અયોગ્ય લોકો સાથે બેસીને ભોજન લે છે અને તેમની વચ્ચે બેસીને ભજન ગાય છે. આ વૈષ્ણવ ધર્મની વિરુદ્ધ છે. તેનો કોઈ શેઠ દ્વારકામાં ન હોવા છતાં પણ ખોટેખોટી હૂંડી લખે છે અને યાત્રાળુઓને છેતરે છે. આથી નરસૈયાની કસોટી કરવા રા’માંડલિકે તેમને કેદખાનામાં નાખ્યા અને શરત મૂકી કે સવાર સુધીમાં જો દામોદરરાયજીને પહેરાવેલો હાર ભગવાન તમને કેદખાનામાં આવીને પહેરાવે તો જ તમે ભગત સાચા. અન્યથા તમને આકરામાં આકરી સજા ફટકારવામાં આવશે. આથી ભક્ત નરસૈયો મૂંઝાયો. જો પોતે કેદાર રાગ ગાય તો જ ભગવાન તેમને હાર પહેરાવે અને જો પોતે કેદાર રાગ ગાય તો પોતાના સોગંદનામાનો ભંગ થાય, પરંતુ શ્રીહરિ ભક્ત નરસૈયાની વહારે આવ્યા.
કહેવાય છે કે સ્વયં દામોદરરાયે ભક્ત નરસૈયાનું રૂપ ધારણ કરીને અડધી રાત્રે શામળશા શેઠની ડેલી ખખડાવી અને તેમને નાણાં આપી ગીરવે રાખેલો કેદાર રાગ છોડાવી લાવ્યા અને તેમનું સોગંદનામું કેદખાનામાં નરસૈયા પાસે આવીને પડયું. બાદમાં ભક્ત નરસૈયાએ `પત રાખો પત રાખો’ ભજન કેદાર રાગમાં ગાઈ ભગવાન દામોદરરાયને પ્રસન્ન કર્યા અને ભગવાને તેમને હાર પહેરાવ્યો. રાજા રા’માંડલિકે ભક્ત નરસૈયાની માફી માગી અને માનભેર કેદખાનામાંથી મુક્ત કર્યો. રાજા રા’માંડલિકે કહ્યું, `હે, ભક્તરાજ આપની ભક્તિને હું ઓળખી ન શક્યો. આપ તો જૂનાગઢ નગરીનું ગૌરવ છો.’ જૂનાગઢના નગરજનોની હાજરીમાં વાજતેગાજતે હર્ષોલ્લાસ સાથે ભક્ત નરસૈયાનો વરઘોડો કાઢીને સન્માન આપ્યું. બસ, ત્યારથી જ પરંપરાગત રીતે માગસર માસમાં ભક્ત નરસૈયાની હારમાળાનો પ્રસંગની ઊજવણી નાગરજ્ઞાતિ વર્ષોથી કરે છે. નરસૈયાની જીવન ઝાંખીના કાર્યક્રમોનું પણ સુંદર આયોજન થાય છે. આમ, નરસૈયાની ભક્તિએ બસ, એક જ સંદેશ આપ્યો કે જો, પ્રભુ પ્રત્યે અતૂટ આસ્થા હોય તો ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં આવીને આપનાં કામ પાર પાડે છે. `અખિલ બ્રહમાંડમાં એક તું શ્રીહરિ…’ આટલી સરળ શૈલીમાં પણ ગૂઢ આધ્યાત્મિક ફિલસૂફી રચીને તેમણે ગુજરાતી સાહિત્યને ભક્તિરસથી તરબોળ કરી દીધું છે.