- 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ
- દેશભરમાંથી આવતા રામભક્તોની અયોધ્યામાં ભારે ભીડ
- દિવસમાં ત્રણ વખત કરાય છે ભગવાન રામલલાની આરતી
અયોધ્યાના નવા ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રામ મંદિરને લઇ દેશભરમાંથી અયોધ્યામાં રામભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. સમારોહમાં PM મોદી સહિત દેશ-દુનિયાના અતિથિઓ ભગવાન શ્રી રામના દર્શનાર્થે આવશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિર સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે.
દેશભરમાંથી આવતા રામભક્તોમાં હરખની હેલી…
અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થશે અને ત્યાર બાદ બીજા દિવસે એટલે કે 23મી જાન્યુઆરીથી રામભક્તો રામલલાના દર્શન કરી શકશે. 22 જાન્યુઆરીએ સામાન્ય ભક્તોના દર્શન માટે કોઈ વ્યવસ્થા નથી. તેમના માટે બીજા દિવસથી દરવાજા ખોલવામાં આવશે. આ રીતે સામાન્ય લોકો સરળતાથી રામજીના દર્શન કરી શકશે. આ સમયગાળા દરમિયાન એક-બે બાબતો પર વિશેષ ધ્યાન આપવું પડશે.
રામ મંદિરમાં પ્રવેશનો સમય
- સવારે 7:00 થી 11:30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
- બપોરે 2:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
- ભગવાનની પૂજા અને વિશ્રામ માટે બપોરે લગભગ અઢી કલાક સુધી મંદિરના દરવાજા બંધ રહેશે
રામલલાની આરતી દિવસમાં ત્રણ વખત કરવામાં આવે છે
- સવારે 6:30 કલાકે – પ્રથમ જાગરણ અથવા શ્રૃંગાર આરતી
- બપોરે 12:00 – બીજો ભોગ આરતી
- સાંજે 7:30 કલાકે – ત્રીજી સાંજની આરતી
અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની આરતીના દર્શનાર્થે આવતા ભક્તો એક પાસ લઈ શકે છે. જે શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી ઉપલબ્ધ હશે. આ માટે, માન્ય ઓળખ કાર્ડ (આઈડી પ્રૂફ) ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક સમયે માત્ર 30 લોકો જ આરતીમાં ભાગ લઈ શકે છે. અયોધ્યાના રામ મંદિરમાં ભક્તો રામલલાના નિ:શુલ્ક દર્શન કરી શકશે. આ માટે કોઈ ફી ચૂકવવાની નથી.


