- મોક્ષની ઇચ્છા રાખનાર મનુષ્યએ, શ્રીહરિને પ્રસન્ન કરવા દેવશયન વ્રત કરવું અને ચાતુર્માસના પાળવાના નિયમો તથા વ્રતના સંકલ્પો કરવા
અષાઢ સુદ-11 એટલે દેવશયની એકાદશી. આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે. આ પવિત્ર દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. શ્રદ્ધાળુઓ, ભક્તો આ ચાતુર્માસ દરમિયાન અનેક પ્રકારનાં નિયમો અને બંધનો રાખે છે. સમગ્ર ચાતુર્માસ દરમિયાન વધુ ને વધુ પ્રભુનું નામસ્મરણ કરે છે.
આ ચાતુર્માસનું માહાત્મ્ય અનેક ધર્મોમાં જોવા મળે છે. જૈન ધર્મના અનુયાયીઓ દેરાસર જઈને મંત્રજાપ, અનુષ્ઠાન કરે છે. ધર્મગુરુના આશ્રયમાં રહીને જ્ઞાન સંપાદન કરે છે. બૌદ્ધ ધર્મના ભિક્ષુકો કોઈ એક જ સ્થાનમાં રહીને આરાધના કરે છે. વિચરણ સંપૂર્ણપણે ટાળે છે. હિંદુ ધર્મમાં પણ ચાતુર્માસનું માહાત્મ્ય અકબંધ છે. પૌરાણિક કથા અનુસાર આ દિવસે શંખાસુર અસુર મૃત્યુ પામ્યો હતો. આ પવિત્ર દિવસે એકાદશીનું માહાત્મ્ય સહુ પ્રથમ બ્રહ્માજીએ નારદજીને બતાવ્યું હતું. એ જ માહાત્મ્ય ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહી સંભળાવીને તેઓનું કલ્યાણ કર્યું હતું.
કહેવાય છે કે, સૂર્ય વંશના માંધાતા રાજા ખૂબ સુખી હતા. પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં લાગલગાટ ત્રણ વર્ષ સુધી દારૂણ દુષ્કાળ પડ્યો. રાજા તો ખૂબ ચિંતિત થયા. પ્રજા ત્રાહિમામ્ પોકારી રહી હતી. અંગીરા ઋષિના માર્ગદર્શનથી આ દેવશયની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના ફળસ્વરૂપે ફરીથી રાજ્ય હર્યુંભર્યું થઈ ગયું. શ્રીકૃષ્ણના માર્ગદર્શનથી પાંડવોએ પણ આ વ્રત કર્યું અને પીડામુક્ત તથા પાપમુક્ત થયા. સુખી થયા. દેવપોઢી એકાદશી તથા પદ્મનાભા એકાદશી પણ કહેવાય છે.
દેવશયન પર્વનો પ્રારંભ
ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે, `મોક્ષની ઇચ્છા રાખનાર મનુષ્યએ, શ્રીહરિને પ્રસન્ન કરવા હેતુ દેવશયન વ્રત કરવું અને ચાતુર્માસના પાળવાના નિયમો તથા વ્રતના સંકલ્પો પણ કરવા.’
કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ-11એ શ્રીહરિને પોઢાડવામાં આવે છે અર્થાત્ શ્રીહરિ વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં જઈને બલિરાજા પાસે નિવાસ કરે છે. ક્ષીરસાગરમાં યોગનિદ્રા કરે છે. આ દિવસે શ્રીહરિને પંચામૃતથી સ્નાન કરાવી શ્વેત વસ્ત્રથી આચ્છાદિત પલંગશય્યા ઉપર સુવાડવામાં આવે છે. ધૂપ-દીપ-ચંદન વસ્ત્ર પ્રસાદ પુષ્પ અર્પણ કરીને તે દિવસે ઉપવાસ કરવાનું માહાત્મ્ય છે.
પ્રભુ ક્ષીરસાગરમાં યોગનિદ્રા શું કામ કરે છે?
આ બાબતે બલિરાજાની કથા ખૂબ પ્રચલિત છે. શ્રી હરિવિષ્ણુ વામન સ્વરૂપ ધારણ કરી બલિના યજ્ઞકાર્યમાં પધાર્યા. બલિ પાસે ત્રણ ડગલાં જમીન માગી ત્યારે વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરીને પ્રથમ ડગલામાં સંપૂર્ણ પૃથ્વીલોક, બીજા ડગલામાં તમામે તમામ લોક માપી લીધા ત્રીજા ડગલા માટે જગ્યા બચી ન હતી.
બલિના કહેવા મુજબ ત્રીજું ડગલું બલિરાજાના મસ્તક ઉપર મૂક્યું અને બલિરાજાને પાતાળલોકના અધિપતિ બનાવી દીધા. બલિએ વરદાનમાં કાયમ માટે શ્રીહરિને પાતાળમાં રહેવાનું વચન માગી લીધું. લક્ષ્મીજી મૂંઝાયાં. સૃષ્ટિની, સ્વર્ગની, વૈકુંઠની શોભા અને નિયમન માટે શ્રીહરિ બંધનમુક્ત હોવા જરૂરી હતા. લક્ષ્મીજીએ બલિને ભાઈ બનાવ્યા. રાખડી બાંધી અને ભેટના સ્વરૂપમાં શ્રીહરિને બંધનમુક્ત કરાવ્યા. તેમ છતાં શ્રીહરિએ આપેલા વચન અનુસાર ચાતુર્માસમાં પાતાળમાં રહેવા નિર્ણય કર્યો. માટે શ્રી હરિ ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં યોગનિદ્રા કરે છે.
ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં નિવાસ કરવાનું બીજું કારણ
સૃષ્ટિનું નિર્માણ કર્યું ત્યારે સહુ પ્રથમ અતિ શુદ્ધ જળ ઉત્પન્ન થયું. અતિ શુદ્ધ સાત્ત્વિક જળ દૂધસમાન હતું તે જગ્યા ક્ષીરસાગર કહેવાય. શાસ્ત્રકારની કલ્પના મુજબ સૃષ્ટિના નિર્માણ બાદ થાક ઉતારવા, પરિશ્રમથી મુક્ત થવા પ્રભુએ ક્ષીરસાગર તરફ `અયન’ કર્યું, ગતિ કરી અને ત્યાં શેષશય્યા ઉપર યોગનિદ્રામાં રહ્યા. નાર એટલે જળ અને અયન એટલે ગતિ, પ્રભુએ પરિશ્રમમુક્ત થવા જળ તરફ ગતિ કરી એટલે નાર+અયન= નારાયણ તરીકે ઓળખાયા.
ચાતુર્માસ માહાત્મ્ય
અષાઢ સુદ-11થી કારતક શુક્લ 11 સુધી વચન અનુસાર શ્રીહરિ ક્ષીરસાગરમાં નિવાસ કરે છે. કાર્તિક શુક્લ-11એ પુન: વૈકુંઠમાં પધારે છે. શાસ્ત્રના વચન પ્રમાણે ચાતુર્માસમાં યજ્ઞોપવીત, વિવાહ, દીક્ષાગ્રહણ, ગૃહપ્રવેશ, વિવાહ જેવાં શુભ કર્મો વર્જ્ય ગણ્યાં છે, કારણ કે પૃથ્વીલોક ઉપર શ્રીહરિની કમી જણાય છે, જેના કારણે સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર તમામ તેજહીન બને છે. માટે શુભ કાર્ય વર્જ્ય ગણ્યાં છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ શરીરમાં પિત્ત-કફની બીમારી જોર કરે છે. આ સમયમાં સર્વત્ર ચોમાસું હોવાથી કીટક જીવજંતુનો ઉપદ્રવ ખૂબ હોય છે. જેના કારણે તન-મન બંને બીમાર પડે છે. તન-મન બંનેને સ્વસ્થ રાખવા માટે ઋષિમુનિઓએ અનેક પ્રયોગો બતાવ્યા છે. શરીર સ્વસ્થ રાખવા માટે ઉપવાસ, એકટાણાં કરવાં ઉપર ભાર મૂક્યો. આ સમયમાં ઘણીબધી વસ્તુ ત્યજવા માટે ભાર મૂક્યો. ખાસ ઓછામાં ઓછું ભોજન ને વધુમાં વધુ ભજન કરવું. મનને તંદુરસ્ત રાખવા નિત્ય પ્રભુનું નામસ્મરણ, ભાગવત કથા, રામાયણ, શ્રીમદ્ ભગવદ ગીતા, સુંદરકાંડ, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનું પઠન ચાતુર્માસ દરમિયાન કરવું.
શ્રીકૃષ્ણએ ચાતુર્માસ દરમિયાન આ કર્મો કરવાની આજ્ઞા કરી છે
ચાતુર્માસ દરમિયાન ભાવિકે, નિત્ય મંદિર પરિસરમાં સાફસફાઈ, કચરાં-પોતાંની સેવા કરવી, શ્રીહરિને નિત્ય પંચામૃત સ્નાન કરાવવું, પીપળાની પરિક્રમા કરી જળ અર્પણ કરવું. ત્રણ ટાઇમ ગાયત્રી મંત્ર, ગણેશવંદના, સૂર્યવંદના, અષ્ટાક્ષર મંત્ર કરવા. નિત્ય શ્રી હરિની તુલસીદલથી અર્ચના કરવી, આ શુભ કર્મો કરવાથી ભક્ત મોક્ષગતિ પ્રાપ્ત કરે છે. સમાજમાં પદ-પ્રતિષ્ઠા પામે છે. આરોગ્ય, ઐશ્વર્ય અને ઉન્નતિ પામે છે. અક્ષય અને અનંત ફળ પ્રાપ્ત કરે છે.
સુપ્તે ત્વત્ય જગન્નાથે જગત્સુપ્તં ચરાચરમ્ ।
વિબુદ્ધે ત્વયિ બુધ્યેત જગત્સર્વ ચરાચરમ્॥
જયશ્રી કૃષ્ણ…
ચાતુર્માસનાં વ્રતો અને ફળપ્રાપ્તિ
(1) ચાતુર્માસ વ્રત
નિત્ય એકટાણું અથવા ઉપવાસ કરવો. બ્રહ્મભોજન કરાવવું. શ્રાવણમાં શાકભાજી, ભાદરવે દહીં, આસોમાં દૂધ અને કારતકમાં દ્વિદળનો ત્યાગ, નિત્ય વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ અક્ષય સુખ આપે છે.
(2) કુચ્છપાદ વ્રત
ત્રણ દિવસના વ્રતમાં પ્રથમ દિવસે એકટાણું, બીજા દિવસે ફળાહાર રૂપમાં એકટાણું, ત્રીજા દિવસે અહોરાત્ર ઉપવાસ કરવા.
(3) ચાંદ્રાયણ વ્રત
ત્રણ સમય સ્નાન કરવું. પૂનમથી વ્રત કરવું. પૂનમે પંદર ઘટાડતાં એકમે એક મૂઠી અનાજ ખાવું. અમાસે પૂર્ણ ઉપવાસ. એકમે એક મૂઠી એ પ્રકારે આગળ વધતા પૂનમે પંદર મૂઠી અન્ન જમવું. એક માસ સુધી વ્રત કરવું.
(4) પ્રાજાપત્ય વ્રત
બાર દિવસનું વ્રત, પ્રથમ ત્રણ દિવસ એકટાણું, પછીના ત્રણ દિવસ રાત્રે એકટાણું, પછીના ત્રણ દિવસ થાળીમાં પીરસાય એટલું જ, પછીના ત્રણ દિવસ પૂર્ણ ઉપવાસ કરવો.
(5) પરાક વ્રત
બાર દિવસનું વ્રત. બાર દિવસ સુધી માત્ર પાણી જ પીને વ્રત કરવું. દૂધ, ફળ પણ વર્જ્ય છે.
(6) અખંડ અગિયારસ
ચાતુર્માસની તમામ એકાદશીએ દિવસે પૂર્ણ ઉપવાસ, સંધ્યા સમયે મીઠા વગરનું ફરાળ, આખી રાત જાગરણ, પ્રભુ નામસ્મરણ કરવું.
ઉપરોક્ત તમામ વ્રતો મુક્તિ પ્રદાન કરે છે. અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે.