- દેશના તમામ એરપોટ્ર્સ પર રન-વે સુરક્ષા ટીમની રચના કરાશે
- જાપાનના હનેડા એરપોર્ટ પર વિમાનો ટકરાવાની ઘટનાને પગલે ડીજીસીએનો નિર્ણય
- દિલ્હીમાં રન-વે પર બે વિમાન અથડાતાં બચ્યાં હતાં
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન(DGCA)એ એરપોટ્ર્સ પર રન-વે સાથે જોડાયેલા નિયમોના ઉલ્લંઘનની ઘટનાઓને રોકવા માટે તમામ એરપોર્ટ પર રન-વે સુરક્ષા ટીમ બનાવવા અને આવા કિસ્સાઓમાં બચાવ માટેની ટેકનોલોજીને અપનાવવા જણાવ્યું છે. પાછલા મહિને જાપાનના હનેડા એરપોર્ટ પર રન-વેને લગતી માર્ગરેખાઓના ઉલ્લંઘનના કારણે વિમાનો પરસ્પર ટકરાવાની ઘટના સર્જાઇ હતી તેને ધ્યાનમાં રાખીને ડીજીસીએ દ્વારા પરિપત્ર બહાર પાડીને આ ગાઇડલાઇન ઈશ્યૂ કરવામાં આવી છે. દેશના તમામ એરપોટ્ર્સ પર રન-વે સુરક્ષા ટીમની રચના કરવા અને તેના કામકાજને સુનિશ્ચિત કરવા ઉપરાંત નિયામકે પાઇલટો, એર ટ્રાફિક કન્ટ્રોલર્સ, એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર્સ તથા એરપોટ્ર્સની અંદર કામ કરનારા ડ્રાઇવર્સ માટે વ્યાપક ટ્રેનિંગ પર ભાર આપવામાં આવ્યો છે. DGCAએ જણાવ્યું છે કે એટીસીએ એ બાબત સુનિશ્ચિત કરવી જોઇએ કે સ્ટોપ બારને સ્ટોપ સિગ્નલ માટે સ્વિચ ઓન કરવામાં આવે અને ટ્રાફિકને આગળ વધવાના સંકેત આપવા માટે બંધ કરવામાં આવે. કોઇપણ સંજોગોમાં વિમાન અથવા વાહનને લાલ સ્ટોપ બારને પાર કરવાનો નિર્દેશ આપવો જોઇએ નહીં.
દિલ્હીમાં રન-વે પર બે વિમાન અથડાતાં બચ્યાં હતાં
અન્ય એક ભલામણમાં સ્થિતિજન્ય જાગરુકતામાં સુધારો લાવવા માટે ટેકનિકલ હસ્તક્ષેપને અપનાવવાનો સમાવેશ થાય છે, જેનાથી એટીસી અને અન્ય હિતધારકોને સહાયતા મળે છે. ડીજીસીએ અનુસાર રન-વે સાથે જોડાયેલાં દિશા-નિર્દેશોના ઉલ્લંઘનનો દર ઘટી રહ્યો છે તથા તમામ હિતધારકો વચ્ચે એક સક્રિય દૃષ્ટિકોણ સુનિશ્ચિત કરીને આવી ઘટનાઓના જોખમને વધારે ઘટાડી શકાય છે. નોંધનીય છે કે પાછલા વર્ષે દિલ્હીમાં રન-વે પર બે વિમાન અથડાતાં બચ્યાં હતાં. એર ટ્રાફિક કન્ટ્રોલરની ભૂલના કારણે મોટી દુર્ઘટના સર્જાઇ શકી હોત.


