– ધનતેરસ પૂર્વે સોનાના ભાવ તૂટતા તહેવારોની મોસમી માગ વધવાની બતાવાતી આશા
– વૈશ્વિક સોનું ગબડી ઔંશના ૧૯૫૦ ડોલરની અંદર
Updated: Nov 10th, 2023
મુંબઇ : મુંબઇ ઝવેરી બજારમાં ધનતેરસ પૂર્વે સોનાના ભાવમાં મંદી આગળ વધી રહી જ્યારે ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ગબડી ઔંશના ૧૯૫૦ ડોલરની અંદર ઉતરી ગયાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વ બજાર ગબડતાં ઘર આંગણે સોનાની ઇમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી છે તથા તેના પગલે ધનતેરસ ટાંણે દેશના ઝવેરી બજારોમાં સોનાના ભાવ નીચા આવતાં તહેવારોની મોસમી માગમાં વૃદ્ધી થવાની આશા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ધનતેરસ-ટુ- ધનતેરસ એટલે કે છેલ્લાં એક વર્ષમાં કિંમતી ધાતુઓમાં ૨૫ ટકા સુધીની વૃદ્ધી નોંધાઇ છે.
અમદાવાદ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂા. ૫૦૦ તૂટી ૯૯.૫૦ના રૂા. ૬૧૮૦૦ તથા ૯૯.૯૦ના રૂા. ૬૨૦૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂા. ૫૦૦ વધી રૂા. ૭૮૦૦૦ બોલાતા થયા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ૧૯૬૨થી ૧૯૬૩ વાળા નીચામાં ૧૯૪૪ થઇ ૧૯૪૫થી ૧૯૪૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યું હતું. જો કે વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૨૨.૪૦ વાળા વધી ૨૨.૬૪ થઇ ૨૨.૫૧થી ૨૨.૫૨ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઇ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂા. ૬૦૨૯૮ વાળા રૂા. ૫૯૮૫૬ રહ્યા હતા.
જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂા. ૬૦૫૪૦ વાળા રૂા. ૬૦૦૯૭ બોલાયા હતા. મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૭૦૨૦૯ વાળા રૂા. ૭૦૧૦૦ થઇ રૂા. ૭૦૩૦૦ રહ્યા હતા. દરમિયાન, મુંબઇ બજારમાં ગયા વર્ષે ધનતેરસ ટાંણે સોનાના ભાવ રૂા. ૫૦૬૨૫ રહ્યા હતા જ્યારે આ વખતે ધનતેરસ ટાંણે ભાવ રૂા. ૫૯૮૫૬ રહ્યા છે.
આમ ધનતેરસ-ટુ- ધનતેરસ સોનાના ભાવમાં વાર્ષિક રૂા. ૯૨૦૦થી ૯૩૦૦ જેટલી વૃદ્ધી જોવા મળી છે. મુંબઇ ઝવેરી બજારના સૂત્રોના જણાવ્યા મુજબ વાર્ષિક ધોરણે દિવાળી- ટુ- દિવાળી ગણતાં સોનામાં ૨૦થી ૨૧ ટકાની જ્યારે ચાંદીમાં ૨૪થી ૨૫ ટકાની વૃદ્ધી નોંધાઇ છે. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ આજે ઔંશના ૮૮૨ વાળા નીચામાં ૮૬૪ થઇ ૮૬૮થી ૮૬૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ગબડી પાંચ વર્ષના તળીયે ઉતર્યા પછી ફરી ઉંચકાયા હતા.
પેલેડીયમના ભાવ ઔંશના નીચામાં ૧૦૨૦થી ૧૦૨૧ ડોલર થયા હતા તે આજે વધી ૧૦૫૮ થઇ ૧૦૪૭થી ૧૦૪૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૪ ટકા નરમ હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રુડ તેલના ભાવ તૂટયા પછી સુધારા પર રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૦.૫૦ ડોલરથી ઘટી નીચામાં ૭૯.૪૪ થયા પછી ભાવ ફરી વધી ૮૦.૨૦થી ૮૦.૨૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૭૬.૨૦ વાળા નીચામાં ૭૫.૨૧ થઇ ૭૫.૯૬ ડોલર રહ્યા હતા.