ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં આપણે ત્યાં ચાંદ્ર માસ, સૌર માસ, સાવન માસ, નક્ષત્ર માસ, અધિક માસ તથા સંક્રાંતિ માસ એમ વિવિધ પ્રકારના મહિનાઓનો ઉલ્લેખ જોવા મળે છે.
આ વિવિધ પ્રકારના મહિનાનો યથાયોગ્ય ઉપયોગ આયુર્વેદ, આરોગ્યશાસ્ત્ર, મુહૂર્ત શાસ્ત્ર, ફળ જ્યોતિષ, હવામાન શાસ્ત્ર, મેદનીય જ્યોતિષ, બજારોની તેજી મંદીના અભ્યાસ અને પૂર્વાનુમાન વગેરેમાં થાય છે.
સૂર્યના રાશિ ભ્રમણને ધ્યાનમાં રાખીને આપણે ત્યાં ખાસ કરીને ધનુર્માસ (ધનાર્ક) અને મીન માસ (મીનાર્ક)નો વિશેષ મહિમા છે. પંચાંગ ગણિતમાં દિવસ, માસ, વર્ષ વગેરે સમયમાપનના એકમોની વ્યાખ્યા સમજપૂર્વક કરવામાં આવી છે. તેનો સાચો અર્થ જાણવાથી ખગોળશાસ્ત્ર તથા આકાશીય પરિસ્થિતિનું ચોક્કસ પ્રકારનું માનચિત્ર (મેપ-નકશો) આપણા માનસપટલ ઉપર તરત ઊપસી આવે છે.
ધનુર્માસ એટલે ધનાર્ક ક્યારે આવે?
સૂર્ય એક રાશિમાં લગભગ ત્રીસ દિવસ (એક મહિનો) રહે છે. રાશિચક્રમાં મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન એ બાર રાશિમાં સૂર્ય એક એક મહિનો ભ્રમણ કરે છે. આ કારણે એક વર્ષમાં ક્રમશ: બારેય રાશિમાં સૂર્ય પોતાનું ભ્રમણ પૂર્ણ કરે છે. (વાસ્તવમાં આપણી પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે). આ રાશિચક્રની બાર રાશિ પૈકી નવમી રાશિ એટલે કે ધનુ રાશિમાં સૂર્યનારાયણ ભ્રમણ કરે છે, તે એક માસના સમયગાળાને ધનુર્માસ કહે છે. લોકભાષામાં તે ધનાર્ક કે ધનારક તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે દર વર્ષે તા. 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી હોય છે. ધનુ રાશિમાં એક માસના ભ્રમણ પછી સૂર્યનારાયણ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે તે મકરસંક્રાંતિના દિવસે ધનુર્માસની સમાપ્તિ થાય છે.
ધનુર્માસ અને માગશર માસનો સંયોગ
કારતકની અમાસે તથા માગશરના આરંભે સૂર્ય વૃશ્ચિક રાશિમાં હોય છે, તેથી માગશર માસના દિવસોમાં સૂર્યની ધનુ સંક્રાંતિ આવે છે, એટલે કે ધનુર્માસ શરૂ થાય છે. આમ, ધનુર્માસ હંમેશાં ગુજરાતી માગશર અને પોષ માસ દરમિયાન જ આવે છે. અનુભવી ખેડૂતો ગંજબજારના વેપારીઓ તથા મુહૂર્તશાસ્ત્રના અભ્યાસીઓમાં પ્રબળ માન્યતા છે કે માગશર માસમાં ધનુર્માસના વધુમાં વધુ દિવસો આવે તે જમાપાસું (સારી વાત) ગણાય. આમ હોય ત્યારે જ મકરસંક્રાંતિ પોષ માસમાં વહેલી આવે. પોષ માસમાં મકરસંક્રાંતિ વધુ દિવસ ભોગવાય તેટલું વર્ષ સારું તેવી સાદી સમજ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના અનુભવી લોકોમાં જોવા મળે છે. આમ, ધનુર્માસ અને માગશર માસના સંયોગ પાછળ ગૂઢ રહસ્ય અને ખગોળીય સ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન સમાયેલું છે.
આ વર્ષે ધનુર્માસ ક્યારે છે?
આ વર્ષે સૂર્યનો ધનુ રાશિમાં પ્રવેશ તા. 15-12-2024ને રવિવાર, માગશર સુદ પૂનમની રાત્રે ક. 22-11 સમયે થાય છે. આથી તા. 16-12-2024થી તા. 14-01-2025 સુધી ધનુર્માસ (ધનાર્ક) રહેશે. મકરસંક્રાંતિ તા. 14 જાન્યુઆરીને મંગળવાર, પોષ વદ-1ના દિવસે આવે છે. આમ, કૃષિ જ્યોતિષની દૃષ્ટિએ જોઇએ તો આ વર્ષે માગશર માસમાં ધનાર્કના પંદર (15) દિવસોનો સંયોગ મળે છે. રાશિચક્રની બાર રાશિઓને નૈસર્ગિક રીતે કુંડળીનાં બાર સ્થાનોમાં ગોઠવીએ તો ધનુ રાશિ નવમા ભાગ્ય ભુવનમાં આવે છે અને મકર રાશિ દસમા કર્મ ભુવનમાં સમાય છે. કૃષિ ઊપજ, ગંજબજારની ગતિવિધિ અને બજારની તેજી મંદીમાં આ વાત ખાસ ધ્યાને લેવામાં આવે છે.
સંવત્સર ચક્રમાં માગશર, ચૈત્ર અને શ્રાવણ માસનો ત્રિકોણ રચાય છે. આ ત્રિકોણમાં બનતા વિવિધ ખગોળીય યોગો હવામાન, કૃષિ બજાર, તેજી-મંદી, આરોગ્યશાસ્ત્ર તથા ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ વધુ મહત્ત્વના ગણાય છે.
જ્યોતિષશાસ્ત્રમાં અમુક ગૂઢ બાબતોનો અભ્યાસ કરવા માટે માત્ર પોથીપંડિત બનવાને બદલે ખુલ્લા આકાશ નીચે મનન અને ચિંતન દ્વારા મહાવરો કરવો જોઇએ.
ધનુર્માસ દરમિયાન શું કરવું?
(1) ધનુર્માસના દિવસોમાં વહેલી સવારે ઊઠીને સ્નાન વગેરેથી પરવારીને ઇષ્ટદેવ, કુળદેવી માતાજી કે લક્ષ્મી નારાયણ તથા સૂર્યનારાયણની ભક્તિ કરવી. તાળી પાડીને ધૂન તથા કીર્તનનું વિશેષ મહત્ત્વ છે.
(2) ધનુર્માસમાં પોતાની ચંદ્રરાશિના સ્વામી ગ્રહના મંત્રજાપ નિશ્ચિત સંખ્યામાં કરવાથી સફળતા મળે છે. આર્થિક ભીડમાં તથા આરોગ્ય બાબતે રાહત રહે છે. વ્યવસાય નોકરીમાં આવતા અવરોધ હળવા બને છે. અન્યાય થયો હોય તો યોગ્ય ન્યાય મળે છે. માન કીર્તિ વધે છે.
(3) બારેય રાશિના સ્વામી જોઇએ તો મેષ-વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. વૃષભ-તુલા રાશિનો સ્વામી શુક્ર છે. મિથુન-કન્યા રાશિનો સ્વામી બુધ છે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. ધનુ-મીન રાશિનો સ્વામી ગુરુ છે. મકર-કુંભ રાશિનો સ્વામી શનિ છે.
(4) આ વર્ષે માગશર માસનું રખેવાળ નક્ષત્ર મૃગશીર્ષ વદ પક્ષના દિવસોમાં ધનાર્ક દરમિયાન સારી રીતે જોવા મળે. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ પણ હાલમાં મૃગશીર્ષ નક્ષત્રની તદ્દન બાજુમાં રોહિણી નક્ષત્રમાં હોવાથી રાત્રિ દરમિયાન સારી રીતે જોવા મળે છે. આ ગુરુ મહારાજનાં દર્શન કરવાની સલાહ છે. એક પ્રકારની માનસિક શાંતિનો અનુભવ કરાવે છે.