- હાઇવે પર માથે માતેલા સાંઢની જેમ દિવસે અને રાત્રિના સુમારે દોડતા ઓવરલોડ માટી ભરેલા ડમ્પરથી અકસ્માત સર્જાવાની ભીતિ
- ભૂમાફિયાઓ અને ઓવરલોડ માટી ભરેલા ડમ્પર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં તંત્રના અખાડા
- ઓવરલોડ માટી ભરેલા ડમ્પરથી ધૂળ ઊડવાના કારણે રોડની આજુબાજુનાં ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન
ધોળકાના વેજલકા ગામ નજીક અમદાવાદ ભાવનગર હાઇવે પસાર થઈ રહ્યો છે. ત્યારે વેજલકા અને ભુંભલી ગામે ભૂમાફ્યિા દ્વારા વેજલકા અને ભુંભલી ગામની સરકારી અને બિન સરકારી જમીનમાંથી મોટાપાયે રાત દિવસ માટી ખનન ચાલી રહ્યુ છે અને ઓવરલોડ માટી ભરેલા ડમ્પરો પુરઝડપે દોડી રહ્યા છે. પૂરપાટ ગતિએ માતેલા સાંઢની જેમ રાત-દિવસ દોડતા ડમ્પરોથી અકસ્માત સર્જાવાની ભીતિ છે. માટી ભરેલા ડમ્પરોથી કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ ? નો સવાલ ગ્રામ્ય વિસ્તારની પ્રજા કરી રહી છે. આરટીઓ સહિત સ્થાનિક પોલીસ અને ખાણ-ખનીજ વિભાગને આવા ઓવરલોડ માટી ભરેલા ડમ્પરો કેમ દેખાતા નથી. તેવા અનેક સવાલો ઉભા થયા છે.
આ પ્રશ્ને સ્થાનિક ખેડૂતોએ વધુમાં જણાવ્યું છે કે અમદાવાદ ભાવનગર એકસપ્રેસ હાઇવે બની રહ્યો છે. તેની બંને બાજુ ખેડૂતોની જમીન આવેલી છે. ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે ક્યાંય રસ્તો મૂકવામાં આવ્યો નથી અને ઓવરલોડ માટી ભરેલા ડમ્પરોથી ધૂળ ઉડવાના કારણે અમારા ખેતરમાં ઊભા પાકને ધૂળ લાગવાથી અમારા ઊભા પાકને છેલ્લાં બે વર્ષથી ભારે નુકશાન થઈ રહ્યું છે. અમારા ઊભા પાકને ધૂળ લાગવાના કારણે પાકનો વિકાસ થતો નથી. તેમજ ભારે નુકશાન થાય છે. એનું કંઈ વળતર પણ આપવામાં આવતું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ હાઇવેનું કામ એક ખાનગી કંપની કરી રહી છે. જ્યારે હીમાલીયા નામની કંપની પાસે રજૂઆત કરવા જઈએ ત્યારે ધમકીઓ મળે છે કે પોલીસ બોલાવીશું. આ રીતે ખેડૂતોને ધમકીઓ આપીને દબાવે છે. ખેડૂતોએ વધુમાં જણાવ્યું છે કે અમારા ઊભા પાકમા કપાસ, સવા, ઘઉં, જીરું, ચણા સહિતના ઊભા પાકને બે વર્ષથી ધૂળ લાગવાના કારણે નુકશાન થાય છે. અને બે વર્ષથી અમારા ખેતરમાંથી 100 ટકામાંથી 25 ટકા પણ પાક મળતો નથી કે નથી કોઈ પાક નુકશાનીનું વળતર મળતું. એથી મોટાભાગના ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ઓવરલોડ માટી ભરેલા ડમ્પરો ઉપર ક્યારે સંકજો કરાશે ? તેમજ ખેડૂતોના ઊભા પાકના થયેલી નુકશાનીનું વળતર મળે અને ઓવરલોડ માટી ભરેલા ડમ્પરો ઉપર ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભૂમાફ્યિાઓ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ઓવરલોડ માટી ભરેલા ડમ્પરોની આવનજાવન વહેલી તકે બંધ કરાવવામાં આવે તેવી તાલુકાના ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.


