લાઈનમાં ખામી સર્જાઈ હોવાના કારણે વિસ્તારવાસીઓ પાણી વિના પરેશાન
પાંચથી સાત દિવસે પાણી વિતરણ
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી ખાતે પાણીની સમસ્યા ક્યારેય દૂર થવા પામતી નથી ત્યારે આવી કાળજાળ ગરમી અને ઉનાળાના સમયમાં પાણીની સપ્લાય છ થી સાત દિવસે થઈ જતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ધોરાજી કૈલાશ નગર બાજુમાં આવેલ ખોડીયાર નગર વિસ્તારમાં પાણીની લાઈનમાં ફોલ્ટ સર્જાતા આ વિસ્તારના લોકોને 22 દિવસથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી મળવા પામ્યું નથી જેને લઇ આ વિસ્તારના રહીશોમાં ભારે આક્રોશ છવાયો છે. ત્યારે બીજી તરફ નગરપાલિકાના વોટર વર્ક વિભાગ દ્વારા પાણીની લાઈનમાં ફોલ્ટ શોધવાની કામગીરી ચાલી રહી છે પરંતુ તેમ છતાં 22 દિવસે હજુ પાણીની લાઈનનો ફોલ્ટ મળવા પામ્યો નથી.
ધોરાજીમાં પાણીને લઈ હમેશા પ્રજાના પ્રશ્નો ઉઠતા રહેશે સામાન્ય રીતે દર ચાર દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે પરંતુ સપ્લાય ખોરવાઈ જાય ત્યારે એ પાણી છ થી આઠ દિવસે વિતરણ કરવામાં આવે છે ત્યારે આવા ઉનાળામાં ધોમ ધખતી ગરમીમાં છતાં પાણીએ લોકોએ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.
ધોરાજી શહેરને પાણી પૂરું પાડતાં ફોફળ ડેમમાં પાણીનો પર્યાપ્ત જથ્થો હોય પરંતુ પાલિકાના આયોજન ના અભાવે લોકોએ પાણી માટે તરસવું પડી રહ્યું છે.
આ મામલે વિપક્ષના નેતા દિનેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે નગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપાના અગ્રણીઓ દ્વારા ધોરાજીમાં એકાતરા પાણી વિતરણ થશે ના વચનો આપ્યા અને પ્રજાને છેતરી હતી એકાતરા પાણી વિતરણ થવાની વાત તો દૂર રહી આઠ આઠ દિવસે લોકોને પીવાનું પાણી મળે છે એ પણ ગંદુ અને ડહોળું પાણી મળી રહ્યું છે.
ડહોળા પાણી ના વિતરણ ની સમસ્યા તમામ વિસ્તારોમાં છે થોડા દિવસો પૂર્વે પણ ગટરના પાણી પીવાના પાણીની લાઈન સાથે ભળી જતા આખો વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કરવો પડ્યો હતો અને જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પાણી પ્રશ્નને લઈ નગરપાલિકાને અને નગરપાલિકાના શાસકોને પ્રજાની ચિંતા રહી નથી. તેઓ આક્ષેપ કર્યો હતો
હાલ ધોરાજીમાં ચાર દિવસને બદલે છ થી આઠ દિવસે પાણી સપ્લાય થતા લોકોમાં નગરપાલિકા અને શાસકો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.


