કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આમ આદમી પાર્ટીનો આરોપ
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજીથી પોરબંદર નેશનલ હાઈવે પર આવેલ ધોરાજીના ભૂખી ચોકડી નજીક સર્વિસ રોડ પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તાજેતરમાં ડામર કામ કરવામાં આવ્યું. જે ડામર નું કામ ગુણવત્તા વગરનું હોય અને ડામર કામમાં લોટ પાણીને લાકડા જેવું કામ લોકોને પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ આવે છે. જેને લઇને ધોરાજી આમ આદમી પાર્ટીના અરવિંદભાઈ કાપડિયા સલીમભાઈ મોગલ સહિત પક્ષના હોદ્દેદારોએ નેશનલ હાઈવે પર રૂબરૂ બની ચૂકેલા સર્વિસ રોડના કામનું નિરીક્ષણ કર્યું હતું જેમાં તેઓએ બની ગયેલો ડામર રોડ હાથ વડે ઉખેડી અને નબળી કામગીરીને ઉજાગર કરી હતી.
ધોરાજી આમ આદમી પાર્ટીના પ્રભારી અને એડવોકેટ અરવિંદભાઈ કાપડિયાએ જણાવ્યું હતું કે સર્વિસ રોડ પર ડામરની કામગીરી અત્યંત નબળી કરવામાં આવી છે અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલો છે બે ચાર દિવસ પહેલા થયેલ ડામરની કામગીરી બાદ હાથ વડે ડામર ઉખાડી શકાય છે તે સ્પષ્ટ જણાવે છે કે અત્યંત નબળું કામ થયું છે.
આ ઉપરાંત અગ્રણી સલીમ મુગલ એ જણાવેલ કે આ કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોય તેવું ફલિત થાય છે માત્ર એક ઇંચ જેટલો જ જાડાઈ નો ડામર પાથરવામાં આવ્યો છે.


