- છાત્રાલય, ઘનશ્યામ ભુવન મોટું ગેસ્ટ હાઉસ અને પ્રાર્થના હોલની મંજૂરી નહોતી
- મલ્ટિ હોસ્પિટલનું કામ બંધ કરાવ્યા બાદ નગરપાલિકાની મોટી કાર્યવાહી
- યોગ્ય પુરાવા રજૂ નહી થાય તો કાયદેસરની કાર્યવાહી કરવા પણ જણાવ્યુ
ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળનું હોસ્પિટલ બાંધકામ બંધ કરાવ્યા બાદ બીજા ત્રણ બિલ્ડિંગો ગેરકાયદેસર સામે આવતા પાલિકાએ નોટિસ આપી વપરાશ બંધ કરવાની નોટિસ આપતા ખળભળાટ મચી ગયેલ છે.ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળને ગેરકાયદેસર બાંધકામનો ખુલ્લો પરવાનો હોય એમ ગ્રીનઝોનમાં શરૂ કરાયેલુ તદ્ન ગેરકાયદેસર મલ્ટી હોસ્પિટલનું બાંધકામ ધ્રાંગધ્રા પાલીકાએ નોટિસ આપી તાત્કાલીક બંધ કરાવી દીધું છે.
જેની સાત મહીનાથી શરતભંગની કાર્યવાહી ચાલતી હોવા છતાય કલેકટર સુરેન્દ્રનગર દ્વારા કાર્યવાહી કરાઇ નથી.એવામાં જે.ટી.પી.ઓ.નિલેશ જાદવની ટીમે ટેકનીકલ તપાસ કરતા સંસ્કારધામ ગુરુકુળમાં છાત્રાલય,ઘનશ્યામ ભુવન મોટુ ગેસ્ટ હાઉસ અને પ્રાર્થનાહોલ ત્રણેય બિલ્ડિંગ વિકાસ પરવાનગી કે કોઇ પણ મંજૂરી વગર ખડકી દીધા હોઇ અને વપરાશ કરતા હોઇ તાત્કાલિક વપરાશ બંધ કરી 14 દિવસમાં વિકાસ પરવાનગી રજૂ કરવા નોટિસ પાઠવાઇ છે.યોગ્ય પુરાવા રજૂ નહી થાય તો કાયદેસરની કાર્યવાહી કરવા પણ જણાવ્યુ છે.અહી હજારો હરિભકતોની અને વિદ્યાર્થીઓની અવર જવર રહેતી હોવાથી ખતરો મંડરાઇ રહયો છે એવામાં રાજકોટ ગેમઝોન વાળી જગ્યા રાજકોટ કલેકટરે તાત્કાલીક શરતભંગ કરી છે ત્યારે એક મલ્ટી હોસ્પીટલ વાળા બિલ્ડિંગની સાત મહીનાથી શરતભંગની કાર્યવાહી કલેકટર કચેરીમાં ચાલે છે તો બીજા સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રાના ત્રણ ગેરકાયદેસર બિલ્ડિંગોને નોટિસ આપ્યા બાદ કલેકટર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરાય છે એની સામે સૌની મીટ મંડાયેલી છે.


