- LCB ટીમે બાતમીને આધારે નગરપાલિકા પાસેથી દબોચ્યો
- ચોરીના બાઈક સાથે આરોપીને ધ્રાંગધ્રા સિટી પોલીસના હવાલે કરાયો
- શખ્સને હાલ ધ્રાંગધ્રા સિટી પોલીસના હવાલે કરી વધુ તપાસ હાથ ધરાઈ
સુરેન્દ્રનગર એલસીબી ટીમને ધ્રાંગધ્રા નગરપાલિકા પાસેથી એક શખ્સ ચોરીના બાઈક સાથે પસાર થવાનો હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં ધ્રાંગધ્રાના યુવાનને સાણંદ વિસ્તારમાંથી ચોરેલા બાઈક સાથે ઝડપી લેવાયો હતો. આ શખ્સને હાલ ધ્રાંગધ્રા સિટી પોલીસના હવાલે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં બાઈક ચોરીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે આવા બનાવના આરોપીઓને ઝબ્બે કરવા જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડયાએ કડક આદેશો કર્યા છે. આ દરમિયાન ધ્રાંગધ્રા શહેરમાં પેટ્રોલિંગ કરી રહેલ એલસીબી ટીમના વિજયસીંહ પરમાર, પી.એન.ઝાલા સહિતનાઓને ધ્રાંગધ્રા નગરપાલિકા પાસેથી એક શખ્સ ચોરીના બાઈક સાથે પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે વોચ રાખી હતી. જેમાં આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું શંકાસ્પદ બાઈક નીકળતા તેને અટકાવી તપાસ કરતા આરોપી 35 વર્ષીય જગદીશ ભુપતભાઈ દંતાલી ભાંગી પડયો હતો અને આ બાઈક તેણે બે માસ પહેલા સાણંદ બસ સ્ટેશન પાસેથી ચોર્યુ હોવાનું પોલીસને જણાવ્યુ હતુ. આથી રૂપિયા 20 હજારની કિંમતના ચોરીના બાઈક સાથે આરોપીને ધ્રાંગધ્રા સિટી પોલીસના હવાલે કરાયો છે.


