જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાય છે. આ હુમલા પછી, ભારતે વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાન સામે ઘણા કડક નિર્ણયો લીધા.
આમાં સૌથી કઠિન નિર્ણય પાણી અને પાકિસ્તાનીઓના દેશ છોડવા અંગેનો હતો. ઓપરેશન સિંદૂર પછી આ તણાવ વધુ વધ્યો. જોકે, બંને દેશો વચ્ચે 10 મેના રોજ સાંજે 5 વાગ્યે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન, આજે એટલે કે 11 મેના રોજ ચિનાબ નદી પર બનેલા બંધમાંથી પણ પાણી છોડવામાં આવ્યું હતું. પહલગામમાં થયેલા આતંકી હુમલા પછી, ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી રૂપે સિંધુ જળ સંધિ રદ્દ કરી દીધી છે. ભારતે ચિનાબ નદી પર આવેલા બગલીહાર અને સલાલ ડેમના દરવાજા બંધ કરીને પાણી રોકી દીધું હતું. આના કારણે પાકિસ્તાનમાં ચિનાબ નદીનું પાણીનું સ્તર ઘટી ગયું અને સુકાવા લાગ્યું હતું. ભારતે પાણીનો પુરવઠો બંધ કર્યા પછી પાકિસ્તાનને મોટું નુકસાન થયું.
સૂકી જગ્યાએ પાણી દેખાયું
હવે ભારતે ચિનાબ નદી પર બનેલા સલાલ અને બગલીહાર બંધના ઘણા દરવાજા ખોલી નાખ્યા છે. હવે પાકિસ્તાનમાં પૂરની શક્યતા વધશે એવુ લાગી રહ્યુ છે. ભારત બાજુથી દરવાજો ખોલ્યા પછી, હવે સૂકા વિસ્તારમાં બધે પાણી જ પાણી દેખાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો હોવા છતાં, સિંધુ જળ સંધિ હજુ પણ સ્થગિત છે.
ડેમના દરવાજા કેમ ખોલવામાં આવ્યા?
ભારતે ગયા અઠવાડિયે જ ચિનાબ નદીનું પાણી બંધ કરી દીધું હતું. આમાં પહેલા બગલીહાર ડેમ અને પછી સલાલ ડેમ બંધ કરીને પાણી બંધ કરવામાં આવ્યું. તેમજ જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ પછી બંધનું પાણીનું સ્તર વધ્યું હતું. આ કારણે ડેમના દરવાજા ખોલવા પડ્યા. જોકે, ડેમના દરવાજા ખોલવા પાછળનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.


