- એમપીની 230 વિધાનસભા બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો જાહેર
- બળવાખોર નેતાઓ ભાજપ કોંગ્રેસ માટે બની શકે જીત સામેનો પથ્થર
- કોંગ્રેસ પોતાના 4 અને ભાજપ પોતાના 5 નેતાઓને મનાવવામાં નિષ્ફળ
વિધાનસભા ચૂંટણીને લઈને હવે મધ્યપ્રદેશની તમામ 230 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ પુરી થવા છતાં ભાજપ અને કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછી થઈ નથી. બંને પક્ષોના બળવાખોર નેતાઓ પોતાના જૂના પક્ષોની જીતના માર્ગમાં પથ્થર બનીને ઊભા છે.
દિગ્વિજય-કમલનાથ 15 બળવાખોર નેતાઓને મળ્યા
કોંગ્રેસમાં દિગ્વિજય સિંહ અને કમલનાથ બંને દિગ્ગજ નેતાઓએ છેલ્લી ઘડી સુધી બળવાખોરનેતાઓને મનાવવાના પ્રયાસો ચાલુ રાખ્યા. તેમાંથી કેટલાંકને મનાવવામાં તેઓ સફળ પણ થયા. દિગ્વિજય સિંહ અને કમલનાથની જોડીએ છેલ્લા 24 કલાકમાં 15 બળવાખોર નેતાઓ સાથે મુલાકાત કરીને તેમને નામ પરત ખેંચવા માટે મનાવવા માટે સફળ રહ્યા, જોકે, પક્ષના 4 પૂર્વ ધારાસભ્યો નથી માન્યા અને તેઓ ચૂંટણી લડી રહ્યા છે. બીજી બાજુ ભાજપ હાઇકમાન્ડ પણ પોતાના પાંચ બળવાખોર નેતાઓને મનાવવામાં નિષ્ફળ ગઈ છે.
ભાજપના 4 નેતાઓએ મનાવવામાં નિષ્ફળ
સૌથી પહેલા કોંગ્રેસની વાત કરીએ. પાર્ટીના 4 પૂર્વ ધારાસભ્યો ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ ભોપાલ નોર્થ સીટ પર કોંગ્રેસ અલગ પ્રકારના મુદ્દાનો સામનો કરી રહી છે. અહીં ધારાસભ્ય આરીફ અકીલના ભાઈ અમીર અકીલે પણ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમનું ચૂંટણી ચિન્હ હોકી બોલ છે. આમિર અકીલ પોતાના ભત્રીજા આતિફ અકીલ સામે ચૂંટણી લડી રહ્યા છે. તાજેતરમાં ધારાસભ્ય આરીફ અકીલે જાહેરમાં આતિફને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો હતો. આનાથી અમીર અકીલ નારાજ છે.
અમિત શાહે રાજ્યના મોટા નેતાઓને કામે લગાડ્યા
હવે વાત કરીએ ભાજપની તો ભાજપે બળવાખોર નેતાઓને ફોર્મ પાછા ખેંચવાની મુદત પૂરી થાય તે પહેલા શાંત પાડવાનો સખત પ્રયાસ કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુદ રાજ્યના મોટા નેતાઓને નારાજ નેતાઓને માનવવાના કામમાં લગાવી દીધા હતા. પ્રદેશ પ્રમુખ બી.ડી.શર્માએ દરેક બળવાખોર નેતા સાથે ફોન કરીને કે રૂબરૂ મળીને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો, પરંતુ પાંચ બેઠકોમાં બળવાખોર નેતાઓનો મામલો અટવાયેલો જ રહ્યો.
આમ તો દર વખતની ચૂંટણીઓમાં આમ થતું જ આવે છે કે ચૂંટણીમાં ટિકિટ ન મળવાને કારણે નારાજ થયેલા નેતાઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરતા હોય છે તેમાંથી ઘણા જીતી પણ જાય છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે તેઓ પોતાની પૂર્વ રાજકીય પાર્ટીઓને ચોક્કસપણે નુકસાન પહોંચાડે છે. હવે 3 ડિસેમ્બરે જ ખબર પડશે કે બળવાખોર નેતાઓના ચૂંટણી મેદાનમાં આવવાથી કયા પક્ષને કેટલું નુકસાન થયું?