મુંબઈ : સમાપ્ત થઈ રહેલું સંવત ૨૦૭૯નું વર્ષ દલાલ સ્ટ્રીટ માટે ભારે વોલેટિલિટી વાળું રહ્યું છે એટલું જ નહીં આ વર્ષમાં ભારતીય શેબજારના મુખ્ય ઈન્ડાઈસિસે ઓલટાઈમ હાઈ સપાટી પણ દર્શાવી છે. સંવત ૨૦૮૦માં વિદેશી રોકાણકારોનો ફલોઝ ધીમો પડી શકે પરંતુ ઘરેલું રોકાણકારોની ખરીદી જળવાઈ રહેવાની અપેક્ષા છે.
ગયા વર્ષની દિવાળીથી વર્તમાન દિવાળી વચ્ચે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ) તથા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) ભારતીય બજારમાં નેટ ખરીદદાર રહ્યા છે.
ગઈ દિવાળી બાદ ડિસેમ્બર ૨૦૨૨માં સેન્સેકસે ઓલટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી પરંતુ માર્ચમાં તે ગબડી બાવન સપ્તાહની નીચી સપાટીએ સરકી ગયો હતો. ત્યારબાદ સપ્ટેમ્બરમાં ફરી ઉછાળો જોવાયો હતો.
એફઆઈઆઈ તથા ડીઆઈઆઈ બન્ને નેટ ખરીદદાર રહ્યા છે, પરંતુ એફઆઈઆઈની સરખામણીએ ડીઆઈઆઈની ખરીદી ઘણી જ વધુ રહ્યાનું પ્રાપ્ત આંકડા પરથી કહી શકાય એમ છે.
એફઆઈઆઈ દ્વારા ભારતીય ઈક્વિટીઝમાં દિવાળીથી દિવાળી રૂપિયા ૧.૪૫ લાખ કરોડ (૧૭.૫૦ અબજ ડોલર)નું નેટ ઈન્વેસ્ટમેન્ટ કરાયું છે જ્યારે ડીઆઈઆઈનો રોકાણ આંક અંદાજે રૂપિયા ૧.૮૦ લાખ કરોડ (૨૨ અબજ ડોલર) રહ્યો હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.
ગઈ દિવાળીથી અત્યારસુધીમાં છેલ્લા એક વર્ષમાં ત્રણ મહિનાને બાદ કરતા ઘરેલું સંસ્થાકીય રોકાણકારો અન્ય મહિનાઓમાં ઈક્વિટીઝના નેટ ખરીદદાર રહ્યા છે. રિટેલ રોકાણકારો દ્વારા સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) મારફત મજબૂત સહભાગને પરિણામે ડીઆઈઆઈના ઈન્ફલોઝમાં વધારો જોવા મળ્યો હોવાનું રિપોર્ટમાં ઉલ્લેખાયું છે.
વિદેશી રોકાણકારોનું ઈન્વેસ્ટમેન્ટ એકદમ રોલરકોસ્ટર જેવું રહ્યું છે. ગયા વર્ષના ઓકટોબરથી ડિસેમ્બર દરમિયાન નેટ ખરીદદાર રહ્યા બાદ એફઆઈઆઈ ૨૦૨૩ના પ્રારંભિક મહિનામાં નેટ વેચાણકાર રહ્યા હતા અને માર્ચથી ફરી ખરીદી શરૂ કરી હતી.
જો કે અમેરિકામાં બોન્ડ યીલ્ડ વધી જતા સપ્ટેમ્બરના મધ્યથી વિદેશી રોકાણકારો ફરી વેચવાલ રહ્યા છે. ભૌગોલિક રાજકીય જોખમોને કારણે વિદેશી રોકાણકારોનો ઈન્ફલોઝ નબળો પડી શકે છે, પરંતુ નવા સંવતમાં ડીઆઈઆઈની ખરીદી જળવાઈ રહેવાની રિપોર્ટમાં અપેક્ષા વ્યકત કરવામાં આવી છે.
–