-
કાળમુખા કોરોનાએ 21 દિવસમાં પતિ, સાસુ અને સસરા ત્રણેની જિંદગી છીનવી લીધી છતાં હિંમત એકઠી કરી એકરંગ સંસ્થા ફરી શરૂ કરી
-
દીપિકાબેન પરમારનો સંકલ્પ રાજકોટને મનોદિવ્યાંગ મુક્ત કરવાનો છે અને તેઓને તાલીમ અને વિવિધ થેરાપી દ્વારા આત્મનિર્ભર બનાવવાનો છે
રાજકોટ શહેરની ભાગોળે ભાવનગર રોડ પર અમુલ સર્કલ પાસે દિપીકાબેન પ્રજાપતિએ એકરંગ સંસ્થાના નામે મનોદિવ્યાંગ દિકરીઓ માટે એકપણ રૂપિયો ફી લીધા વિના નિઃશુલ્ક આવાસ અને તાલીમ સંકુલ બનાવ્યું છે.આશરે 100 થી પણ વધારે ગરીબ પરિવારની અતિગંભીર દિવ્યાંગ બાળાઓને વિનામૂલ્યે થેરાપી તાલીમ, શૈક્ષણીક તાલીમ, મેડીકલ સારવાર, ભોજન અને જીવન જરૂરિયાતી તમામ પ્રકારની સગવડો વિનામૂલ્યે આ દિવ્યાંગ બાળાઓને આપી દિવ્યાંગ પરિવાર માટે આશીર્વાદ સમાન કાર્ય કરી રહ્યા છે.જે દીકરીઓ પોતાનું રોજિંદું કામ પણ યોગ્ય રીતે નથી કરી શકતી તેને આત્મનિર્ભર બનાવી સમાજમાં સ્થાન આપવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું છે.આમ છતાં તેઓ આ દીકરીઓને આત્મનિર્ભર બનાવવા મક્કમ છે.
રાજકોટના કમલેશભાઈ પ્રજાપતિ સાથે લગ્ન થયા બાદ એક વખત તેઓ આદિવાસી વિસ્તારના બાળકોના વિકાસ માટે સેમીનાર કરતા હતા.આ સમય દરમિયાન તેઓએ મંદબુદ્ધિના બાળકોને જોયા. એ સમયે સમાજમાં દિવ્યાંગ બાળકોને લઇને અવેરનેસ નહોતી.તેમની સ્થિતિ બહુ જ ખરાબ હતી. જેમાં દીકરીઓની સ્થિતિ વધુ ખરાબ હતી.ગામડાઓમાં દોરા ધાગાથી લઈને શારીરિક માનસિક ત્રાસ,શોષણ વગેરે જોઈને હૃદય દ્રવી ગયું પરિણામે 2012માં ‘એક રંગ’ સંસ્થાની સ્થાપના કરી.દીપિકાબેન બે દીકરા અને પરિવારની જવાબદારી ઉપરાંત પતિ સાથે ખભે ખભા મિલાવીને સાથ આપતા હતા.એ સમયે ક્યાં ખબર હતી કે પતિ પત્ની બંનેના લાગણી અને સ્નેહના સિંચન થી શરૂ કરેલ એક રંગ સંસ્થા એકલે હાથે સંભાળવી પડશે? કાળમુખા કોરોનાએ 21 દિવસમાં પતિ કમલેશ ભાઈ પ્રજાપતિ, સાસુ અને સસરા ત્રણેની જિંદગી છીનવી લીધી.જાણે જીવનમાં અંધકાર છવાઈ ગયો,પોતાના બે દીકરા સાથે અનેક દિવ્યાંગ દીકરીઓની જવાબદારી સામે હતી.અંતે બંને દીકરા અને હિતેચ્છુઓ સાથે ચર્ચા કરીને ‘એક રંગ’ની પ્રવૃત્તિ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો.
એક દીકરીથી શરૂ કરેલ સંસ્થામાં આજે 100 થી વધુ દિકરીઓ છે.નવરાત્રીમાં આ દિકરીઓ ગરબે રમે છે,દિવડા અને દાંડિયા બનાવ્યા છે અને આત્મનિર્ભર બની છે. આ બધી દીકરીઓની સવાઈ માતા એવા “એક રંગ” ચિલ્ડ્રન્સ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ ના પ્રમુખ દીપિકાબેન પરમારનો સંકલ્પ રાજકોટને મનો દિવ્યાંગ મુક્ત કરવાનો છે અને
મનોદિવ્યાંગ દીકરીઓ તથા બાળકોને યોગ્ય શિક્ષણ તાલીમ સામાજિક વર્તન વ્યવહારિક તાલીમ અને વિવિધ થેરાપી તાલીમ આપીને આત્મ નિર્ભર બનાવવાનો છે.તેમના સ્વપ્નના રંગમાં જો તમારી મદદનો રંગ ઉમેરવા માંગતા હો તો ૯૧૩૭૬૯૦૦૬૪ /૬૫ પર સંપર્ક કરી શકો છો. તેમજ વધુ વિગતો www.aekrang.org પરથી મેળવી શકો છો.
તાલીમ અને સંભાળનો સમન્વય
જે દીકરીનું કોઈ ન હોય,સિંગલ પેરન્ટમાં પિતા હોય કે બીમાર માતા પિતા હોય તેમને અહી એડમિશન આપવામાં આવે છે.અહી મનોદિવ્યાંગ, અપંગ, ઓટીઝમ, સેરેબ્રલ પાલ્સી, અટેન્શન ડેફિસીટ હાયપર એકટીવિટી ડીસ ઓર્ડર સહિતની વિકલાંગતા ધરાવતી દિકરીઓને નિશુલ્ક થેરાપી અને ડે કેર તાલીમ આપવામાં આવે છે.સંસ્થા મનોદિવ્યાંગ બહેનોની ડિસેબિલીટી ઘટાડવા માટે ખાનગી ડોકટરો અને તજજ્ઞો દ્વારા ફિઝિયોથેરાપી,ઓક્યુપેશનલ થેરાપી, સેન્સરી ઇન્ટીગ્રેશન થેરાપી સ્પીચ એન્ડ લર્નિંગ, આર્ટ એન્ડ ક્રાફટ, મ્યુઝિક એન્ડ ડાન્સ, સાઉન્ડ હીલિંગ, હાઇડ્રો અને પ્લે થેરાપી આપવામાં આવે છે. દીકરીઓને પ્રવાસમાં પણ લઈ જવામાં આવે છે.રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટ્સમાં પણ દીકરીઓ નામ રોશન કર્યું છે.