Updated: Oct 14th, 2023
– પ્રથમ છ મહિનામાં ઓનલાઈન ગેમિંગ હેઠળ ટેક્સ કલેક્શન રૂ. 600 કરોડ રહ્યું
અમદાવાદ : વર્તમાન નાણાંકીય વર્ષમાં ૯ ઓક્ટોબર સુધી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (રિફંડ એડજસ્ટ કર્યા પછી) ૨૧.૮ ટકા વધીને રૂ. ૯.૫૭ લાખ કરોડ થયું છે. આ સમયગાળા દરમિયાન કરદાતાઓને રૂ. ૧.૫ લાખ કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા છે. ચાલુ નાણાંકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. ૧૮.૨૩ લાખ કરોડના સમગ્ર વર્ષના બજેટરી અંદાજ કરતાં વધી શકે છે તેમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના અધ્યક્ષ નીતિન ગુપ્તાએ જણાવ્યું હતુ.
કોર્પોરેટ ટેક્સ કલેક્શન સુસ્ત હોવા છતાં કુલ આંકડા પર કોઈ અસર જોવા મળી નથી. સીબીડીટીના ચેરમેને જણાવ્યું કે કન્સેશનલ કંપની કોર્પોરેટ ટેક્સ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ આ ટેક્સ કલેક્શન ઓછું થયું છે. ગુપ્તાએ કહ્યું કે ભવિષ્યમાં પણ તે સરેરાશ ગતિએ વધતું રહેશે. આ નવી સિસ્ટમ નાણાકીય વર્ષ ૨૦૨૦માં શરૂ થઈ હતી.
ડેટા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં ઓનલાઈન ગેમિંગ હેઠળ ટેક્સ કલેક્શન રૂ. ૬૦૦ કરોડ રહ્યું છે.