બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી કટ્ટરવાદીઓના હાથમાં સત્તા આવી ગઈ છે. કાર્યકારી સલાહકાર મોહમ્મદ યુનુસના વડપણ હેઠળની બાંગ્લાદેશ સરકારે પાકિસ્તાન સાથેના સંબંધો સુધાર્યા છે.
ભારત સાથેના સંબંધોમાં હાલ તંગદિલી ચાલી રહી છે. બાંગ્લાદેશ ભારતને બદલે હવે પાકિસ્તાનની વધુ નજીક સરકી રહ્યું છે. તેણે પાકિસ્તાનથી આવી રહેલી માલસામગ્રી અને કાર્ગોનું ચેકિંગ નહીં કરવાનો નિર્ણય લીધો છે. બંને દેશો વચ્ચે 54 વર્ષ પછી સીધો વેપાર થઈ રહ્યો છે. 1971માં પાકિસ્તાન અને બાંગ્લાદેશના ભાગલા પડયા પછી પહેલીવાર પાક. સરકારની મંજૂરીથી બાંગ્લાદેશમાં કાર્ગો શિપ કરાચીના કાસિમ પોર્ટથી રવાના થયું છે. ફેબ્રુઆરીમાં બંને દેશોએ સીધો વેપાર કરવાના કરાર કર્યા હતા. આ પછી પાકિસ્તાનમાંથી 50,000 ટન ચોખા લઈને જહાજ બાંગ્લાદેશ જવા રવાના થયું છે. બાંગ્લાદેશમાં જમાત-એ-ઇસ્લામી વધુ મજબૂત થયું છે જેણે પાક. સાથેના સંબંધો સુધારવા અને મૈત્રીપૂર્ણ બનાવવા પર ભાર મૂક્યો છે. મોહમ્મદ યુનુસની સરકાર ઇસ્લામિક કટ્ટરપંથીઓના પ્રભાવ હેઠળ છે. પાકિસ્તાનમાંથી પહેલા તબક્કામાં 25,000 ટન ચોખા મોકલાયા છે અને માર્ચમાં બીજા 25,000 ટન ચોખા રવાના કરાશે. હવે ભારતમાંથી નિકાસ ઘટશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
હસીનાને હટાવનારા વિદ્યાર્થી નેતાઓ નવો રાજકીય પક્ષ રચશે
ઢાકા : બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ કે જેમણે પાછલા વર્ષે તત્કાલીન વડાંપ્રધાન શેખ હસીનાને સત્તા પરથી ઊથલાવનારા વિરોધ પ્રદર્શનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો તેઓ આ સપ્તાહે નવો રાજકીય પક્ષ શરૂ કરવાની તૈયારીમાં છે. સ્ટુડન્ટ્સ અગેન્સ્ટ ડિસ્ક્રિમિનેશન જૂથે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું કે જે જાહેર ક્ષેત્રની નોકરીઓમાં ક્વોટાની વિરુદ્ધ વિદ્યાર્થીઓના આંદોલનના રૂપમાં શરૂ થયું હતું. જોકે ટૂંક સમયમાં રાષ્ટ્રવ્યાપી વિદ્રોહમાં બદલાયું હતું.


