પાર્ટીમાં જૂના કાર્યકરોએ નવા નેતાઓને જીતાડવા માટે મહેનત કરવી પડશે : અંદરખાને અણગમો
માણાવદર બેઠક પર પડકારના ચિન્હો : અનેક જગ્યાએ છુપો અસંતોષ વ્યકત થવાની શકયતા
ભારતીય જનતા પાર્ટીએ પક્ષને જડમૂળથી બદલાવવાનો હોય તે રીતે ચૂંટણીમાં વિજેતા થાય તેવા ઉમેદવારોને મુકવાની નવી થીયરી અમલી બનાવી છે. લોકસભાની બેઠક બાદ હવે ગુજરાતમાં વિધાનસભાની પાંચ બેઠક પર ચૂંટણીમાં પાંચમાંથી ભાજપના મૂળના એક પણ મૂળના ઉમેદવાર પસંદ થયા નથી. ચાર ઉમેદવાર કોંગ્રેસમાંથી અને એક અપક્ષમાંથી ભાજપમાં તાજેતરમાં જોડાયા છે. તેમને વિધાનસભાની સીધી ટિકિટ આપી દેવાતા પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. જો કે હાલ વિરોધ પક્ષ નબળો હોવાથી ભાજપમાં રહેલા લોકોનો કોઇ વિકલ્પ ન હોવાથી હાઇકમાન્ડ સામે પડકાર ઉભો કરવા કોઇ કેતન ઇનામદાર બનવા તૈયાર નથી.
થોડાક દિવસો પહેલા જ કોંગ્રેસ પક્ષની વંડી ઠેકીને કેસરીયો ખેસ પહેરનારા અર્જુન મોઢવાડીયા સહિત પાંચેય ધારાસભ્યોને ભાજપે ટિકિટ આપીને ઉમેદવાર બનાવ્યા છે. વર્તમાન રાજકારણની બદલાતી તાસીર જુઓ કે જેમણે ભાજપને ભરપુર ગાળો ભાંડી તે જ પક્ષપલ્ટુઓને પેટાચૂંટણીમાં ભાજપના કાર્યકરો ખભે બેસાડીને પ્રચાર કરશે. ટૂકમાં ભાજપે આયાતીઓના સહારે પેટાચૂંટણી જીતવી પડશે.
લોકસભાની ચૂંટણી નજીક આવતાં કોંગ્રેસના કેટલાક દિગ્ગજોએ કમલમ તરફ દોટ માંડીને કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. જેમાં વર્તમાન ધારાસભ્યો પણ બાકાત રહી શકયા નથી. અર્જુન મોઢવાડીયા, અરવિંદ લાડાણી, સી.જે.ચાવડા, ચિરાગ પટેલ ઉપરાંત અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામુ આપી દેતા પાંચ બેઠકો ખાલી પડી હતી. ભાજપ હાઇકમાન્ડે વિધાનસભાની પાંચેય બેઠકો પર ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી.
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ-પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ છેલ્લી ઘડી સુધી વિધાનસભામાં ભાજપને ભાંડવામાં કોઇ કસર છોડી ન હતી. એટલુ જ નહીં રામમંદિરના નિર્માણમાં વડાપ્રધાન મોદીનો કોઇ હાથ નથી, બલ્કે સુપ્રિમ કોર્ટની ભુમિકા છે. તેવુ વિધાનસભા ગૃહમાં કહેનારા અર્જુન મોઢવાડીયાને ભાજપ હાઇકમાન્ડે પોરબંદર બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. ખંભાત બેઠક પર ચિરાગ પટેલને ટિકિપ અપાઇ છે. થોડાક સમય પહેલા જ ચિરાગ પટેલે પક્ષપલ્ટો કર્યો હતો કેમ કે રાજસ્થાનમાં ચિરાગ પટેલના કોન્ટ્રાકટ હોવાને કારણે વ્યવસાયિક લાભો લખાટવા આ નિર્ણય કર્યો હતો. જો કે પક્ષ માટે પરસેવો પાડનારાને બદલે પક્ષ પલ્ટુને ટિકિટ અપાતા ભાજપના સ્થાનિક નેતાઓ નારાજ થયા છે.
માણાવદર બેઠક પર ધારાસભ્ય પદે રાજીનામુ આપનારા અરવિંદ લાડાણીને ભાજપે ટિકિટ આપી છે. આ બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા નારાજ ચાલી રહ્યા છે.
પેટા ચૂંટણીમાં કોને કઇ બેઠક પર ટિકિટ અપાઇ
બેઠક ઉમેદવાર
પોરબંદર અર્જુન મોઢવાડીયા
માણાવદર અરવિંદ લાડાણી
વિજાપુર સી.જે.ચાવડા
ખંભાત ચિરાગ પટેલ
વાઘોડિયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા


