ચોમેર મોલ, શાળાઓ, હોસ્પિટલો બંધ કરાવવા લાગ્યા : જો આમ કરશે તો પોણું ગુજરાત બંધ થઇ જશે
વેપાર, ધંધાર્થી, શિક્ષણકારો, ડોકટરોમાં ભયંકર રોષ : પહેલા જાગ્યા નહી અને હવે પ્રજાને નિશાન બનાવે છે
રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના કારણે અધિકારીઓની સ્થિતી કફોડી થઇ છે. તેમાં પણ ભ્રષ્ટ અધિકારીઓને તો મોઢું કયાં છુપાવવું તેની ખબર પડતી નથી. રાજય સરકારે ઉપરથી હવે આવી કોઇપણ ઘટના બનશે તો ગમે તે, આઇએએસ, આઇપીએસના તપેલાં ચડી જશે. જે વિસ્તારમાં ઘટના બની હશે તે તમામ અધિકારીઓને ઘરભેગા કરી દેવાશે તેવી તાકીદ કરતા બેફામ બનેલા અધિકારીઓએ આખુ રાજકોટ બંધ કરાવવા માટે જાણે કે વ્રત લીધુ હોય તેમ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંકુલો, તબીબી સંકુલો, હોસ્પિટલો, મોલ અને કિરાણાના મોટા શોપીંગ સેન્ટર સહિત તમામ જગ્યાએ બંધનો કોરડો વિંજતા અડધું રાજકોટ બંધ થઇ ગયું છે. જો આ રીતે સમગ્ર રાજયમાં ભ્રષ્ટ અધિકારીઓને કારણે એનઓસી ન મળ્યાં હોય અને તેની સજા વેપાર, ધંધા, ઉદ્યોગ, તબીબો, શિક્ષણ સંચાલકોને આપવાની થાય તો પોણું ગુજરાત બંધ થઇ જશે. વેપાર-ધંધાર્થીઓમાં ઉઠેલા રોષનો સરકારે બેવડો સામનો કરવો પડશે અને સમગ્ર રાજયમાં ભયંકર અંધાધૂંધી સર્જાઇ છે. શાળાઓમાં શૈક્ષણિક કાર્ય અને નવી ટર્મનો પ્રવેશ કાર્ય ઠપ્પ થઇ ગયો છે. હોસ્પિટલો અને મોલ અચાનક બંધ થઇ જતાં દર્દીઓ અને સામાન્ય લોકોની મુશ્કેલી વધી છે. આ સામે સમગ્ર વેપાર ઉદ્યોગ સંગઠન મુખ્યમંત્રીને રજુઆત કરવા જનાર છે અને કોઇ ચોક્કસ સંકલન સમિતિ નીમી જે લોકો એનઓસી કલીયર કરાવવા માંગતા હોય તેમને ચોક્કસ સમયની નોટીસ આપવા માંગણી મુકી છે. આડેધડ એકમો બંધ કરવાથી અરાજકતા અને વેપાર ધંધાને ફટકો પડશે.
દરમિયાનમાં છેલ્લા દોઢ દિવસમાં જ મનપા તંત્ર દ્વારા ૭૪ એકમોને સીલ મારવામાં આવ્યા છે. તમામના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. શુક્રવારે બે બેંક, ૧૪ સ્કુલ અને પટેલ સમાજનું બિલ્ડીંગ સહિત 3૧ મિલકતો સીલ કરાઇ એટલે દોઢ દિવસમાં ૭૪ મિલકતો સીલ થઇ એટલે લોકોમાં હવે એવી માંગણી થઇ રહી છે કે મનપા દ્વારા બહુ મોડું મોડુ ખુનસ બતાવવામાં આવી રહ્યું છે એ સારી વાત છે પણ કરે કોઇ અને ભરે કોઇ એવું ન થાય એ જોવા માટે લોકો વિનંતી કરી રહ્યા છે. જેથી કરીને ધંધા પણ ચાલુ રહે અને ફાયર એનઓસી પ્રશ્ન હલ થતો રહે.
જયારે કડકાઇના કોરડો વિંઝવાનો હતો અને કડક નિયમોના પાલનનું ધ્યાન રાખવાનું હતું ત્યારે ખોટુ કરવાવાળાનું ધ્યાન રખાયું અને અને હવે અગ્નિકાંડમાં નિર્દોષ માનવીની હત્યાનું રાતો રાત નિયમોના કડક પાલન કરાવવા તંત્ર કામે લાગ્યું છે અને નાની-મોટી ક્ષતિઓ માટે યોગ્ય કરવાના બદલે ફટાફટ સીલ મારવા માટે રીતસરની દોટ મુકવામાં આવી રહી છે. પરંતુ વેપારીઓ, હોસ્પિટલ, સંચાલકો, શાળા સંચાલકો, નાના મોટા ધંધાર્થીઓ ઉપર કડક કામગીરી થઇ રહી છે. ત્યારે લોકોમાં નારાજગી ફેલાઇ છે કેમ કે થોડા સમય આપીને હકારાત્મક વલણ દાખવવાનું વલણ તંત્ર અપનાવે તો કડક નિયમોના પાલન માટે લોકો પણ તંત્રને સહકારી આપી શકે.
છેલ્લા ઘણા વર્ષોથી ગેરરીતિ આચરનારાઓ કે એનઓસી કે લાયસન્સ વિના ધંધા ચાલવા દિધા જ છે. (મફતમાં નહી) પરંતુ પાપ છાપરે ચડીને પોકાર્યુ અને ભ્રષ્ટ તંત્રના પાપે 33 નિર્દોષ માનવ જીંદગી અગ્નિકાંડમાં હોમાઇ અને વિવિધ તંત્રને કલંકની કાલીમાં લાગી અમુકની ધરપકડ થઇ અને જેલમાં જવાનો વખત આવ્યો ત્યારે કયાંય પોતાનું તપેલું પણ ચડી જશે તો? તેવા ડરથી વેપારીઓ, મોલ માલિકો, હોસ્પિટલ સંચાલકો, શાળા સંચાલકો, નાના મોટા વેપારીઓ ઉપર ઓચિંતા નિયમોનો કોરડો વિંઝવા જોરદાર ઝુંબેશ ચલાવાઇ છે. જે વ્યાજબી જ છે. પરંતુ થોડી હકારાત્મકતા અને લાયસન્સ કે એનઓસીની પ્રક્રિયા પણ ઝડપી કરવી જોઇએ.
ઉદાહરણ તરીકે વાત કરીએ તો ગેમઝોનમાં અવ્યવસ્થા હતી નિયમોના હળાહળ ઉલાળ્યો હતો. ઇમરજન્સી એકઝીટ નહતું. જવલનશીલ ઇંધણ વચ્ચે ચાલુ ગેમઝોનમાં ભયજનક વેલ્ડીંગ કરાયું હતું. ત્યારે આગ લાગી અને તંત્રની ભ્રષ્ટતાના પાપે અગ્નિશામક વ્યવસ્થા ન હતી એટલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ અને નિર્દોષો જીવતા ભુંજાયા પરંતુ જયાં એકલ-દોકલ ચકરડી બાળા ટ્રેન કે હીંચકા રાખીને જનરેટરના પાવરથી મનોરંજનના સાધનો ચલાવી પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે તેવા લોકોના ધંધા બંધ કરાવવા એ કોઇ બહાદુરી કે કડક કામગીરી પ્રદર્શન નથી.
આ ઉપરાંત અગ્નિકાંડ જેવી વિકરાળ ઘટનાનું તંત્રનું પાપ છુપાવવા ઓચિંતા પ્રમાણિકતા અને સારી કામગીરીનો ખોટો દેખાડો કરવા ઓચિંતી હોસ્પિટલો, મોલ, શાળા, નાના રમત-ગમતના સાધનો બંધ કરાવવા કરતા તંત્ર એકમો દ્વારા ઘણા સમયથી એનઓસી કે લાયસન્સ માટે કરેલ અરજીઓના ફટાફટ નિકાલ કરે અને જયા ઘણા લોકો સારવાર લઇ રહ્યા છે તેવી હોસ્પિટલો કે લોકો ખરીદી કરી રહ્યા છે તેવા મોલ સંચાલકોની અરજીનો નિકાલ કરી મંજુરીની કામગીરી કરે અને ત્યાં સુધી સાવચેતીની જરૂરી સુચના કે પગલા લેવડાવી સમય આપે તે વહેવારીક રસ્તો કહેવાય જડતા ન હોય ત્યફાં માનવતા જડતી નથી.
ટુંકમાં કહીએ તો બધાને એક જ લાકડીથી હાંકડાના બદલે તંત્ર થોડી ઝડપી વ્યવસ્થા ગોઠવી સહકારભર્યુ વલણ દાખવે તો વેપારીઓ, ઉદ્યોગપતિઓ, શાળા-મોલ સંચાલકો પણ નિયમોના પાલન માટે તૈયાર છે. પરંતુ ઓચિંતી કામગીરીના ભાગરૂપે સીલ મારી એકમો બંધ કરાવવા એ વ્યવહારીક રસ્તો નથી. જો એકમો અત્યંત ખતરારૂપ હોય કે સીલ કરવુ પણ વ્યાજબી છે. પરંતુ શકય હોય ત્યાં થોડો સમય આપી યોગ્ય વ્યવસ્થા થાય તે અત્યંત જરૂરી છે તેવી લોકો-વેપારીઓની લાગણી છે.


