એક જૂથ થઇને લડવાના બદલે તાંતણા તૂટ્યા, અનેક ગ્રુપ મહાસભા, રેલીમાં ન જોડાયા
કલેકટર તંત્રે દાખલ કરેલી કેવીએટ સામે ૧૭૨થી વધુ અસામીઓએ અલગ અલગ ૬ પીટીશન હાઇકોર્ટમાં દાખલ કરતા કાનૂની જંગ જામ્યો
રાજકોટમાં હાલ તો ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલિશન જંગલેશ્વરમાં એકસાથે ૧૪૦૦થી વધુ વર્ષો જૂના મકાનના તોળાતા ડિમોલિશનનું પ્રકરણ સળગી રહ્યુ છે. મનપાની ચૂંટણી ગણતરીના દિવસોમાં જ છે ત્યારે આ સળગતા ઇશ્યુને લઇને જંગલેશ્વરમાં ધામાસાણ શરૂ થઇ ગયુ છે. ડિમોલિશન માટે કલેકટર તંત્રે તો તખ્તો તૈયાર કરી નાંખ્યો છે. સંભવિત અસરગ્રસ્તો ડિમોલિશનને રોક લગાવતો સ્ટે લઇ ન આવે એ માટે રેવન્યુ વિભાગે કોર્ટમાં કેવીએટ પણ દાખલ કરી નાંખી છે. સંભવિત અસરગ્રસ્તોને સ્ટે આપતા પૂર્વે સરકાર પક્ષે રેવન્યૂ વિભાગને સાંભળવુ એ મતલબની કેવીએટ દાખલ થઇ છે તો સામે અત્યાર સુધીમાં જંગલેશ્વરના ૧૭૨ આસામીઓએ હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી છે. આ કાનૂની લડત વચ્ચે હવે રાજકારણ વચ્ચે પડ્યુ છે. ડિમોલિશન ન થાય એ માટે કોંગ્રેસ મેદાનમાં આવી છે. આજે કોંગ્રેસે ‘જંગલેશ્વર બચાવો આંદોલન’ હેઠળ કોઠારિયા પોલીસ ચોકી પાસેના ક્રિષ્ના ચોકમાં મહાસભા, ત્યાથી સોરઠિયાવાડી ચોક સુધી મહારેલી અને એ પૂર્વે સંભવિત અસરગ્રસ્તોને સાથે રાખીને કલેકટર કચેરીએ આવેદન આપવામા આવ્યુ હતુ. જો કે આ તમામ આંદોલાત્મક કાર્યક્રમમાં અનેક સંભવિત અસરગ્રસ્તો જોડાયા ન હતા. ડિમોલિશનના આ સળગતા પ્રકરણમાં ભાગલા પાડો અને રાજ કરો તેવી એક નીતિ સાથે શાસકપક્ષ ભાજપે પડદા પાછળ રાજકીય દાવપેચ અજમાવ્યો હોવાનું જાણવા મળ્યુ છે. જંગલેશ્વરમાં આગેવાન એટલા જૂથ બની ગયા. આ અલગ અલગ જૂથ પોત પોતાનો અલગ ચોકો જમાવીને બેઠા છે. એક જૂથ થઇને લડવાના બદલે વિખેરાયેલા તાંતણા વચ્ચે શાસક પક્ષ ફાવી ગયુ હોવાની ચર્ચા છે.
રાજકોટના જંગલેશ્વરમાં સરકારી જગ્યામાં વર્ષોથી ઉભેલા મકાનના સંભવિત ડિમોલિશનને લઇને ભારે ગરમાગરમીભર્યો માહોલ સર્જાયો છે. આ જગ્યા મનપાની માલિકીની નથી. સરકાર એટલે કે કલેકટરને ફાળવેલી છે. અંદાજે ૮૦ હજાર ચો.મી.થી પણ વધુ વિશાળ જગ્યામાં આશરે ૧૪૦૦થી વધુ મકાન છે. આ તમામના ડિમોલિશનનો તખ્તો ઘડાઇ ચુક્યો છે. રાજકોટ(પૂર્વ) મામલતદારની ટીમે પોલીસને સાથે રાખીને નોટિસની બજવણી કરી દીધી છે. આ અગાઉ જંગલેશ્વરના આજી નદી કાંઠા અને ટીપી રોડ પરના ૯૯૨ બાંધકામને તોડી પાડવા માટે મહાનગરપાલિકાએ તો તખ્તો તૈયાર પણ કરી નાંખ્યો હતો. દબાણકારોને રૂબરૂ બોલાવીને હીયરીંગ સહિતની તમામ કાયદેસરની કાર્યવાહી પણ પૂર્ણ કરી નાખવામા આવી છે. કોઇપણ ભોગે ડિમોલિશન થશે જ તેવો નિર્ણય પણ કરી નખાયો છે. ડિમોલિશનની ફાઇનલ ફાઇલ પણ તૈયાર થઇ ચુકી છે. એ ઉહાપોહ સમ્યો નથી ત્યાં કલેકટરે એકસાથે ૧૪૦૦થી વધુ બાંધકામનો કડૂસલો બોલાવવા તૈયારી કરતા સમગ્ર જંગલેશ્વર જબરો દેકારો બોલી ગયો છે.
રાજકોટ(પૂર્વ)ના મામલતદાર નિલેષ અજમેરાએ ‘અગ્ર ગુજરાત’ સાથે થયેલી વાતચીતમાં જણાવ્યુ હતુ કે, જંગલેશ્વરમાં આવેલી ટીપી સ્કીમ નં.૬ ફાઇનલ થઇ ચુકી છે. તેમા ફાઇનલ પ્લોટ નં.૧33, ૧3૪, ૧3૭ અને ૧૫૯ના અંદાજે ૮૦ હજાર ચો.મી.થી વધુ જગ્યામાં અંદાજે ૧૪૦૦થી વધુ મકાન ઉભા છે. આ તમામના બાંધકામ તોડી પાડવાનો હુકમ થયેલો છે.
અમુક પાસે ૧૯૬૨થી રહેતા હોવાના રાશકાર્ડ સહિતના પુરાવા
૧૪૦૦થી વધુ પરિવારને ડિમોલિશનની નોટિસ આપવામા આવી છે તેમાથી અમુક આસામીઓ એવો છે કે, છેલ્લા ૬3 વર્ષથી અહીં રહે છે તેવા રાશનકાર્ડ, લાઇટબીલ સહિતના પુરાવાઓ પણ છે. આમછતા ઘર ખાલી કરવા નોટિસ મળતા ઉહાપોહ મચી ગયો છે. અમુક આસામીએ તો રાજકોટ સુધરાઇ એટલે કે નગરપાલિકા હતી ત્યારના પુરાવા કાઢ્યા છે. અગાઉ તંત્રએ એવુ કહ્યુ હતુ કે, જે પરિવાર ૨૦૧૦ પહેલાથી રહેતો હશે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામા આવશે. આમછતા આવા પરિવારને નોટિસ આપવામા આવી હોવાનું સ્થાનિક આગેવાનોનું કહેવુ છે.
૨૯મીએ હીયરીંગમાં હાજર રહેવા છેલ્લુ અલ્ટીમેટમ, બાદમાં ગમે ત્યારે ડિમોલિશન
૭૦૦થી વધુ પરિવારને કલમ ૬૧ મુજબ ડિમોલિશનની જે નોટીસ આપવામા આવી રહી છે તેમા એવી તાકીદ કરવામા આવી છે કે, ‘આપના દ્વારા ગેરકાયદેસર કબજો કરીને સરકારી જમીનમાં દબાણ કરવામા આવ્યુ છે. આ દબાણવાળી જમીન નિયમોનુસર દંડ વસુલ કરી અથવા તો ખુલ્લી શા માટે ન કરવી, અન્ય કાયદાકીય પગલાં શા માટે ન લેવા?’ તે અંગે તા.૨૯ ડિસેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યે જૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી મામલતદાર(પૂર્વ) કચેરી ખાતે હીયરીંગમાં હાજર રહેવુ. સાથે જ હોય તો જમીનના માલિકી અંગેના આધાર-પુરાવા રજૂ હોય તો કરવા. મુદતે તમે જાતે અગર કુ.મુ. અગર વકિલ મારફતે હાજર રહી આધાર પુરાવા સાથે જે કંઇ રજૂઆત કરવાની હોય તો કરશો. મુદતે ગેરહાજર રહેશો તો તમે સરકારી જમીન પર બિનઅધિકૃત રીતે કબજો/બાંધકામ કરી દબાણ કર્યાનુ માની દબાણ દૂર કરવા જમીન મહેસુલ કાયદા તળે દબાણ દૂર કરવાની આગળની કાર્યવાહી કરવામા આવશે. જેની નોંધ લેવી.
વૈકલ્પિક જગ્યા આપો, પીટીશનરોની માગણી
જંગલેશ્વરના જે ૧૭૨ જેટલા આસામીઓને અલગ અલગ ૬ જેટલી પીટીશન હાઇકોર્ટમાં દાખલ કરવામા આવી છે તેમા મુખ્ય માગણી એ છે કે, ડિમોલિશન કરતા પૂર્વે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. કાં તો જગ્યા આપો કાં તો સરકારી આવાસમાં ફ્લેટ આપો. પીટીશનરોની આ માગણીને લઇને રેવન્યુ વિભાગ અને સંભવિત અસરગ્રસ્તો વચ્ચે કાનુની જંગ જામ્યો છે. રેવન્યુ વિભાગે જંગલેશ્વરવાસીઓને સ્ટે આપતા પૂર્વે અમને સાંભળો એવી કેવીએટ દાખલ કરી દીધી છે.
કોઇ પક્ષાપક્ષી નહીં, અમે ભાજપના MLA, નગરસેવકો અને ‘આપ’ પાર્ટીને પણ આંદોલનમાં જોડાવા આહવાન કર્યુ
સંભવિત ડિમોલિશનને અટકાવવા માટે કોંગ્રેસે ‘જંગલેશ્વર બચાવો આંદોલન’ સમિતિ બનાવીને લડત ચાલુ કરી છે. ગઇકાલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ પત્રકાર પરિષદ બોલાવીને આંદોલનની વિગતો જાહેર કરી હતી. એ પૂર્વે પણ કોંગ્રેસે એવી ચીમકી આપી હતી કે, જંગલેશ્વરમાં જો ડિમોલિશન થશે તો આંદોલન રાજ્યવ્યાપી બનાવવામા આવશે. જો ડિમોલિશન થશે તો રાજકોટના ઇતિહાસનું આ સૌથી મેગા ડિમોલિશની વિરુધ્ધમાં કોંગ્રેસે ઝંપલાવતા આ સમગ્ર ઇશ્યુ હવે રાજકીય બની ગયો હોવાની હવા વહેતી થતા આ મુદ્દે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખે એવુ કહ્યુ હતુ કે, આ આંદોલન કોઇ પક્ષાપક્ષીનું નથી. લોકો બેઘર ન થાય એ માટેનું છે. આજે રખાયેલી મહાસભા, રેલીમાં હાજર રહી સંભવિત અસરગ્રસ્તોની સાથે રહેવા માટે અમે ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ તેમજ આ વિસ્તારના ભાજપના કોર્પોરેટરોને પણ હાજર રહેવા આમંત્રણ મોકલાવ્યુ હતુ.
મનપાની માલિકીની જગ્યાના અસરગ્રસ્તોને વિકલ્પ મળે તો વચ્ચે આવતી કલેકટરની જગ્યામાં કેમ નહીં?
જેમને નોટિસ આપવામા આવી છે એ સંભવિત અસરગ્રસ્તોનું કહેવુ એ છે કે, જંગલેશ્વરમાં આજી નદી કાંઠે અગાઉ મનપાએ જગ્યા ખાલી કરાવી હતી અને એ વખતે અસરગ્રસ્તોને વૈકલ્પિક સવલત માટે આવાસ યોજનામાં ક્વાર્ટર આપવામા આવ્યા હતા. જ્યારે બીજીબાજુ ટીપીના રોડ પર કપાતમાં આવતા અસરગ્રસ્તોને પણ વિકલ્પનો લાભ આપવામા આવ્યો હતો. આ બે જગ્યા વચ્ચે કલેકટરની એફ.પી.(ફાઇનલ પ્લોટ) આવેલા છે અને તેમા ઉભેલા બાંધકામ તોડવામા આવે તો તેના અસરગ્રસ્તોને વૈકલ્પિક સવલત શા માટે આપવામા ન આવે? આવો સવાલ ઉઠાવવામા આવ્યો છે.
‘અમે કોંગ્રેસના આંદોલન સાથે નથી’, પીટીશનની આગેવાની આપ પાર્ટીએ અલગથી લીધી
‘જંગલેશ્વર બચાવો આંદોલન’થી આમ આદમી પાર્ટી કોંગ્રેસની લડતથી અળગી રહી છે. આ વાત ખુદ આમ આદમી પાર્ટીના જંગલેશ્વર વિસ્તારના કાર્યકર આગેવાન અફઝલભાઇ રાઉમાએ કરી હતી. આજે તેઓ હાઇકોર્ટ ગયા છે. તેમના કહેવા મુજબ અમે કોંગ્રેસની લડત સાથે નથી. અમે પાર્ટી લેવલે અલગથી લડત ચલાવીએ છીએ. જંગલેશ્વરમાંથી અત્યાર સુધી જેટલી પીટીશન દાખલ થઇ છે તે આમ આદમી પાર્ટીના જ પ્રયાસથી થઇ છે. આજે પીટીશનના કામ માટે જ હું અમદાવાદ હાઇકોર્ટ આવ્યો છું.


