કોઠારીયા રોડના રણુજાનગરનો બનાવ, પુત્ર માતા વિહોણો થતાં પરિવાર પર શોક
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલા રણુજાનગરમાં રહેતી 25 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કર્યાનો કરુણ બનાવ સામે આવ્યો છે. છૂટાછેડા બાદ મૈત્રી કરાર હેઠળ રહેતી યુવતીના અચાનક અવસાનથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે, ખાસ કરીને એક નાનકડો પુત્ર માતા વિહોણો બનતા હૃદયદ્રાવક પરિસ્થિતિ સર્જાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, નયના (ઉં. 25), રહે. રણુજાનગર શેરી નં. 2, કોઠારીયા રોડ, રાજકોટ, એ ગત 26 ડિસેમ્બરે પોતાના પતિ રાજેશ ઢેઢી સાથે કાયદેસર છૂટાછેડા લીધા હતા. બાદમાં તેણી વિશાલ વલ્લભભાઈ કુબાવત સાથે મૈત્રી કરાર હેઠળ રહેતી હતી. ગઈકાલે સાંજે અંદાજે 5.30 વાગ્યે નયનાએ પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈ લીધો હતો.
ઘટનાની જાણ થતાં વિશાલ કુબાવતે તાત્કાલિક નયનાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી. નયનાને પૂર્વ લગ્નજીવનમાંથી એક પુત્ર છે.
ઘટનાની માહિતી મળતા સ્થાનિક પોલીસ દ્વારા મરણ નોંધની કાર્યવાહી કરવામાં આવી છે અને આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે.


