- કોકોનટ બરફી પણ ટ્રેડિશનલની સાથે ટેસ્ટમાં રહેશે બેસ્ટ
- કાજુ બરફી હેલ્થ માટે રહેશે સારી, બનશે ફટાફટ
- ચોકલેટની બરફી નાના બાળકોને ખુશ કરવા માટે પરફેક્ટ ચોઈસ
કહેવાય છે ને કે દિવાળીનો તહેવાર મિઠાઈ વગર અધૂરો છે. આજના મોંઘવારીના સમયમાં બહારની મિઠાઈ ખાવી ખિસ્સાને પોસાય તેવી તો હોતી જ નથી. સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ તે ઘણી વખત નુકસાનકારક સાબિત થાય છે. બસ એટલે જ તહેવારોમાં ઘરે મિઠાઈ બનાવવી યોગ્ય રહે છે. હવે તમને થશે કે તમારી પાસે એટલો બધો સમય પણ ક્યાં છે…તો અમે તમારા માટે ઓછા સમયમાં સરળતાથી ઓછા બજેટમાં તૈયાર થઈ જાય તેવી સ્વાદિષ્ટ મિઠાઈની રેસિપિ લાવ્યા છીએ. તેને તમે તમારા રસોડામાં ટ્રાય કરી શકો છો તો કરી લો તૈયારી અને તમારા રસોડે મહેંકાવો બરફીની સોડમ.
માવા બરફી
સામગ્રી
– દોઢ કપ મોળો માવો
– અડધો કપ ખાંડ
– બે ટીસ્પૂન ઘી
– થોડા પિસ્તા
રીત
સૌપ્રથમ માવાને રૂમ ટેમ્પરેચર પર લાવી દો. હવે એ માવાને હાથેથી મસળીને ભૂક્કો કરી લો. ત્યાર બાદ તેમાંથી દોઢ કપ જેટલો માપીને લઈ લો. પિસ્તાની પણ કતરણ કરી લો. તમે ઈચ્છો તો તેને ખાંડી પણ શકો છો. હા મિક્સરમાં ક્રશ ના કરતા નહીં તો વધારે ઝીણા થઈ જશે. હવે એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં માવો ઉમેરીને શેકો. ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકો. શેકાયા બાદ માવો પ્રમાણમાં ઓછો થઈ જશે. આ દરમિયાન ખાંડમાં ત્રણ ટીસ્પૂન જેટલું પાણી ઉમેરીને તેને ચારથી પાંચ મિનિટ માટે ઉકાળો. ત્યાર બાદ આ ચાસણી શેકેલા માવામાં ઉમેરી દો. ધીમા તાપે આ બરફીને હલાવતા રહો. પાણી ઓગળતા ત્રણથી ચાર મિનિટ લાગશે. બસ ત્યાર બાદ આ મિશ્રણને ઘી લગાવેલી ડિશમાં પાથરી દો. અને એના પર પિસ્તા પાથરીને દબાવી દો. થોડું ઠંડું થાય એટલે તેને કટ કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ બરફી. દિવાળીના તહેવારમાં આવી ઘરે બનાવેલી સ્વાદિષ્ટ અને હેલ્ધી મિઠાઈ પરિવાર અને મિત્રોને સર્વ કરો.
કોકોનેટ બરફી
સામગ્રી
– બસો ગ્રામ નાળિયેરનું છીણ
– બસો ગ્રામ મોળો માવો
– બસો ગ્રામ ખાંડ
– અડધી ચમચી કેવડાનું એસન્સ
રીત
સૌપ્રથમ ખાંડમાં અડધો કપ પાણી ઉમેરી ધીમા તાપે ગરમ કરવા માટે મૂકો. ત્રણ તારની ચાસણી ત્યાં સુધી ગરમ કરો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. નીચે ઊતારીને માવો મસળીને આ ચાસણીમાં ઉમેરો. ત્યાર બાદ નાળિયેરનું છીણ તેમજ એસન્સ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને ચીકાશ લગાવેલી થાળીમાં પાથરી દો. થોડીવાર પછી ચપ્પુથી કાપીને બરફીના ટુકડા કરી છૂટી પાડો. તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બરફી.
કાજુ બરફી
સામગ્રી
– એક કપ કાજુ
– એક કપ નાળિયેર
– અડધો કપ દૂધ
– દોઢ ટીસ્પૂન ચણાનો લોટ
– બે ટીસ્પૂન ઘી
– બે કપ ખાંડ
રીત
સૌપ્રથમ દૂધને ગરમ કરી લો. ત્યાર બાદ તેમાં કાજુને અડધો કલાક માટે પલાળી દો. હવે મિક્સરમાં નાળિયેર અને થોડું દૂધ ઉમેરીને તેને ગ્રાઈન્ડ કરી લો. એવી જ રીતે કાજુને પણ ગ્રાઈન્ડ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ ઉમેરીને લાઈટ બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી સાંતળો. ચણાના લોટની સુગંધ આવે ત્યાં સુધી સાંતળો. હા પણ એ વાતનું ધ્યાન રાખવું કે લોટ ચોંટીને દાજે નહી. હવે એક બીજી જાડા તળિયાવાળી મોટી કડાઈ લો. તેમાં કાજુની પેસ્ટ, નાળિયેરની પેસ્ટ, દૂધ અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરીને શેકો. બધી જ સામગ્રી બરાબર મિક્સ થઈ જાય એ રીતે હલાવો. ગેસ ધીમો રાખવો. જેથી બધી સામગ્રી બળવા લાગે નહી. બધી જ સામગ્રી એકરસ થઈ જાય અને તાવેતામાં ચોંટતી બંધ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. ત્યાર બાદ બરફીને ઘી લગાવેલી થાળીમાં પાથરી દો. એકાદ કલાક ઠરવા દો, ત્યાર બાદ તેને કટ કરી લો.
ચોકલેટ બરફી
સામગ્રી
– એક કપ મિલ્ક પાવડર
– પોણો કપ ખાંડ
– બે ટીસ્પૂન કોકો પાવડર
– બે ટીસ્પૂન કાજુ સમારેલા
– બે ટીસ્પૂન બદામ સમારેલા
– અડધો ટીસ્પૂન સૂકા નાળિયેરનું છીણ
– એક ટીસ્પૂન બટર
રીત
સૌપ્રથમ એક સોસ પેનમાં ખાંડ અને થોડુંક પાણી ઉમેરીને તેને મધ્યમ તાપે ચઢવા દો. ખાંડ બરાબર ઓગળી જાય અને એક તારની ચાસણી થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. હવે આ ચાસણીમાં દૂધ પાવડર, કોકો પાવડર અને બટર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. મિશ્રણ ઈડલીના ખીરા જેવું ઘટ્ટ રાખવું. હવે આ મિશ્રણને એક ઘી લગાવેલી થાળીમાં પાથરી દો. ત્યાર બાદ તેના પર ડ્રાયફ્રુટ્સના ટુકડા પાથરી દો. હવે આ બરફીને ઠંડી થવા દો. ત્યાર બાદ તેને કટ કરીને એર ટાઈટ ડબ્બામાં ભરી લો. લાંબો સમય માટે સારી રાખવી હોય તો તેને ફ્રિજમાં મૂકી દો.