બિઝનેસ કરવા માટે કોઈપણ ગેરંટી વગર ભારત સરકાર તમને લોન આપી રહી છે
ભારત સરકારની આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના
Updated: Nov 7th, 2023
Image Envato |
તા. 7 નવેમ્બર 2023, મંગળવાર
Diwali 2023 : તહેવારની સિઝન ચાલી રહી છે, ધનતેરસ અને દિવાળી આવવામાં હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી ઘણા લોકો નવો ધંધો શરુ કરવાની યોજના બનાવી રહ્યા છે. એવામા જો તમે પણ કોઈ ધંધાનું વિચારી રહ્યા છો, અને તમારી પાસે પૈસા નથી તો આ સમાચાર ખાસ તમારા માટે છે. કારણ કે હવે ધંધો કરવા માટે કોઈપણ ગેરંટી વગર ભારત સરકાર તમને લોન આપી રહી છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરુઆત 2015માં થઈ હતી
ભારત સરકારની આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. કેન્દ્ર સરકારની આ યોજના અંતર્ગત તમે બિઝનેસ શરુ કરવા માટે કોઈ પણ ગેરંટી વગર 10 લાખની લોન લઈ શકો છો. ભારત સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરુઆત 2015માં થઈ હતી. આ યોજના શરુ થયા પછી કેટલાય લોકોએ લોન લઈને પોતાનો ધંધો શરુ કર્યો છે. આવો તેના વિશે વિગતે જાણીએ.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત મળનારી લોન ત્રણ કેટેગરીમાં વહેચવામાં આવી છે. જેમા શિશુ, કિશોર અને તરુણ એમ ત્રણ કેટેગરી પાડવામાં આવી છે. શિશુ કેટેગરીમાં તમને 50 હજાર સુધીની લોન મળી શકે છે. તો કિશોર કેટેગરીમાં 50 હજારથી 5 લાખ સુધીની લોન મળી શકે છે. આ ઉપરાંત તરુણ કેટેગરીમાં 5 લાખથી 10 લાખ સુધીની લોન માટે અરજી કરી શકો છો.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત તમને એક ખાસ પ્રકારનું કાર્ડ આપવામાં આવે છે
પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં લાભ લેવા માટે તમારે પાસપોર્ટ સાઈઝનો ફોટો, આઈડી કાર્ડ, એડ્રેસ પ્રુફ જેવા દસ્તાવેજ હોવા જરુરી છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત તમને એક ખાસ પ્રકારનું કાર્ડ મળે છે. આ કાર્ડનો ઉપયોગ કરીને તમે ડેબિટ કાર્ડની જેમ તેનો ઉપયોગ કરી શકો છો. આ યોજનાના ખાસ વાત એ છે કે, તેમા તમારે કોઈ પણ પ્રકારની સિક્યુરિટી આપવાની જરુર હોતી નથી.