– હમાસ-ઇઝરાયેલના યુદ્ધથી અમેરિકન બોન્ડ પર માઠી અસર
– ચાર દિવસમાં સેન્સેક્સ 1857, નિફ્ટી 530 પોઈન્ટ ઘટયા રોકાણકારોની સંપત્તિમાં રૂ.12.5 લાખ કરોડનો સફાયો
અમદાવાદ : દિવાળીના તહેવારના ઉજાસ સમયે જ શેરબજારમાં વેચવાલીનો અંધકાર છવાયો છે. ઇઝરાયેલ અને હામાસ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ, અમેરિકામાં ધારણા કરતા વ્યાજનો દર વધશે એવી આગાહી વચ્ચે વેચવાલી જોવા મળી રહી છે. તા ૧૭ ઓક્ટોબર પછી સેન્સેક્સ ૧૮૫૭ પોઈન્ટ ઘટી ગયો છે. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૫૩૦ પોઈન્ટ ઘટી ગયો છે.
આ દિવસોમાં રોકાણકારોની સંપત્તિમાં કુલ રૂ.૧૨.૫૨ લાખ કરોડનો સફાયો થઇ ગયો છે. સોમવારે શેરબજારમાં ભારે વેચવાલી વચ્ચે સેન્સેક્સ ૮૨૬ પોઈન્ટ અને નીફટી ૨૬૧ પોઈન્ટ ઘટતા એક જ દિવસમાં રૂ.૭.૫૯ લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો છે. શેરબજારમાં કડાકા અને અમેરિકન બોન્ડના યીલ્ડમાં વધારાના કારણે ભારતીય ચલણ રૂપિયો પણ ડોલર સામે સાત પૈસા નબળો પડી ૮૩.૧૯ની સપાટીએ બંધ આવ્યો હતો. રશિયા અને યુક્રેન યુદ્ધ બાદ ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે મધ્ય-પૂર્વ અખાતના દેશોમાં અસર પડશે તેવી ચિતાએ પણ અમેરિકન બોન્ડ અને ડોલર તરફ દોટ જોવા મળેલી છે. યુદ્ધ અને ફુગાવાની અનિશ્ચિત સ્થિતિમાં અમેરિકન બોન્ડ અને ડોલર સૌથી સલામત રોકાણ ગણવામાં આવે છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ગત વર્ષે શરુ થયેલા યુદ્ધ બાદ વૈશ્વિક અર્થતંત્ર સામે મોંઘવારી અને ફુગાવો ડામવાનો પડકાર હતો. આ પડકારના કારણે અમેરિકન ફેડરલ રિઝર્વની આગેવાની હેઠળ વિશ્વભરમાં વ્યાજનો દર વધવા શરુ થયા હતા. વ્યાજના દર વધારી, માંગ ઘટાડી ફુગાવો નાથવાનો પ્રયાસ હજી સુધી સફળ થયો નથી. અમેરિકામાં જોબ માર્કેટ અને આર્થિક વૃદ્ધિના આંકડાઓ મજબૂતી દર્શાવે છે એટલે ફેડરલ રિઝર્વ હજી વ્યાજનો દર વધારે એવી શક્યતા છે. આ શક્યતા વચ્ચે અમેરિકાના ૧૦ વર્ષના બોન્ડના યીલ્ડ ૧૬ વર્ષમાં પ્રથમ વખત પાંચ ટકાને પાર થઇ જતા તેની અસર પણ પ્રમાણમાં જોખમી ગણાતા શેરબજાર ઉપર જોવા મળી છે. આ શક્યતાએ શેરબજારમાં વેચવાલી વધારે તીવ્ર બને એવી શક્યતા છે.
વૈશ્વિક બજારના નબળા વલણો વચ્ચે, નવા સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસ સોમવારે સતત ચોથા દિવસે સ્થાનિક બજારમાં વેચવાલીનું દબાણ ચાલુ રહેતા સેન્સેક્સમાં સેન્સેક્સ ૮૨૬ પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું. જ્યારે નિફ્ટીમાં પણ ૨૬૧ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.
વિશ્લેષકોના મતે, ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ દીઠ ૯૦ ડોલરને વટાવી જવાથી ટ્રેડિંગ સેન્ટિમેન્ટને અસર થઈ હતી. ઇઝરાયેલ હમાસ યુદ્ધ વકરવાની ભીતિ, યુએસ બોન્ડ યીલ્ડ પ્રથમ વાર પાંચ ટકા પાર થયાના અહેવાલોની બજાર પર પ્રતિકૂળ અસર જોવાઈ હતી.
આ અહેવાલો પાછળ વેચવાલીના ભારે દબાણ પાછળ સેન્સેક્સ ૮૨૫.૭૪ પોઈન્ટ તૂટી ૬૪,૫૭૧.૮૮ ઉતરી આવ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ ૨૬૦.૯૦ પોઈન્ટ તૂટી ૧૯,૨૮૧.૭૫ બંધ રહ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સ ૨.૫ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૪.૧૮ ટકા તૂટયો હતો.
એશિયાના અન્ય બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. યુરોપિયન બજારો બપોરના સત્રમાં નુકસાન સાથે કારોબાર કરી રહ્યા હતા. ગત શુક્રવારે અમેરિકન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. દરમિયાન, પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્ડ વધીને ૯૨.૧૮ ડોલર પ્રતિ બેરલ થયું હતું.
એકધારી વેચવાલીના દબાણે આજે રોકાણકારોની સંપત્તિ રૂ.૭.૫૯ લાખ કરોડ ઘટીને રૂ.૩૧૧.૩૦ લાખ કરોડ રહી હતી.
અમેરિકન બોન્ડના યીલ્ડ 16 વર્ષની ઉંચી સપાટીએ પહોચતા નાણા બજારમાં ફફડાટ
વર્ષો સુધી શૂન્ય કે લગબગ નહિવત વ્યાજ ચુકવવા માટે ટેવાયેલા વિશ્વની નાણા બજાર માટે એક ખતરાની ઘંટડી વાગી છે. વિશ્વના બોન્ડ માર્કેટ, કોર્પોરેટમાં નાણાકીય લેવડ-દેવડ અને અમેરિકન નાગરીકોના મકાનની લોન જેની સાથે જોડાયેલી છે તેવા અમેરિકાના ૧૦ વર્ષના બોન્ડના યીલ્ડ ૧૬ વર્ષમાં પ્રથમ વખત પાંચ ટકાને પાર જોવા મળ્યા હતા. શુકવારે ૫.૦૧ ટકા થયા પછી આજે ફરી તે વધી ૫.૦૦૪ થયા હતા. અમેરિકામાં ધારણા કરતા વધારે લાંબો સમય વ્યાજના દર ઊંચા રહે, જરૂર પડે ફેડરલ રિઝર્વ હજુ પણ વ્યાજનો દર વધારશે એવી ગણતરીએ બોન્ડના યીલ્ડ વધી રહ્યા છે. ઇઝરાયેલ – પેલેસ્ટાઇનના યુદ્ધના કારણે પણ રોકાણકારો શેરબજારનું જોખમ છોડી બોન્ડની સલામતી તરફ વળી રહ્યા છે.
અમેરિકાના બે વર્ષના ટ્રેઝરી પેપર ઉપર વ્યાજનો દર ૫.૧૨૫ ટકા અને ૩૦ વર્ષના બોન્ડના યીલ્ડ વધી ૫.૧૬૪ જોવા મળ્યા હતા. મે મહિના પછી અમેરિકાના ૧૦ વર્ષના બોન્ડના યીલ્ડમાં ૧.૬૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. અમેરિકન બોન્ડના યીલ્ડ વધતા શેરબજારમાં વેચવાલી જોવા મળી રહી છે અને સલામતીનું સ્વર્ગ ગણાતા પણ વ્યાજ સાથે નહિ જોડાયેલા સોનાના ભાવ પણ ઘટયા છે.
શુકવારે અમેરિકન સરકારે પોતાની બજેટ ખાધના આંકડા જાહેર કર્યા હતા. આ આંકડા અનુસાર સરકારની આવક સામે ખર્ચમાં ૧.૭ ટ્રીલીયન ડોલરની ખાધ નોંધાવી છે જે આગલા વર્ષ કરતા ૨૩ ટકા વધારે હતી. સરકાર નાણા ઉભા કરવા માટે ફાંફા મારી રહી છે, શટ ડાઉનનો ખતરો છે ત્યારે આટલી ઉંચી ખાધની અસર પણ બોન્ડના યીલ્ડ ઉપર જોવા મળી હતી. બીજી તરફ, ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજનો દર હજી વધારવો પડે એવો સંકેત આપ્યો હતો. પોવેલે જણાવ્યું હતું કે અમેરિકન અર્થતંત્રની મજબૂતી અને રોજગારીના આંકડા દર્શાવે છે કે હજી નાણાકીય સ્થિતિ તંગ કરવાની (એટલે કે વ્યાજ દર વધારવાની) જરૂરિયાત ઉભી થઇ શકે છે.