- હોલસેલ માર્કેટમાં તેજી જોવા મળી અને બાળકોના ફટાકડાની માગમાં વધારો જોવા મળ્યો
- ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ફટાકડાની ખરીદીમાં 25થી 30 ટકા જેટલી અસર જોવા મળી
- છેલ્લા સમયે બજારમાં ધરાકી નીકળશે તેવી વેપારીઓને આશા
દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હોલસેલમાં મોટાપાયે ઘરાકી નીકળી છે. જ્યારે રીટેઇલમાં હજુ ધરાકી નીકળી નથી. દારૂખાનુંનો ભાવ વધતા આ વર્ષે ફટાકડામાં આઠથી દસ ટકાનો વધારો થયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં 200થી વધુ વેપારીઓએ લાઇસન્સ મેળવીને ફટાકડાનો ધંધો ચાલુ કર્યો છે. જ્યારે માણેકચોક, પાનકોર નાકાથી ગાંધીરોડ, દિલ્હી ચકલા, નારણપુરા સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર નાનાં બાળકો માટેના તારામંડળ, સાપોલિયા, ચકરડી, ટીકડીઓનું વેચાણ કરી રહ્યા છે. વેપારીઓ ધારણા સેવી રહ્યા છે છેલ્લા સમયે ફટાકડામાં ધરાકી નીકળશે, પરંતુ છેલ્લા વર્ષની ગણતરીમાં આ વખતે ફટાકડાની ખરીદીમાં ખાસ્સી 25થી 30 ટકા અસર થવા પામી છે. હાલ બજારમાં રૂા.10થી લઈ રૂા.15,000 સુધીના ફ્ટાકડા ઉપલબ્ધ છે. સૌથી વધુ નાનાં બાળકોના જમીની ફ્ટાકડા અને યુવાનો માટે આકાશી ફ્ટાકડા શોટ્સનો ક્રેઝ વધુ છે. બાળકોની ફુલઝરમાં સ્પાર્કલ, પીકોક, જમ્પર જેવા ફ્ટાકડાની માગ વધુ છે.
શહેરના જાણીતા ફટાકડા બજારો પૈકી રાયપુર દરવાજા ફટાકડા બજાર, દિલ્હી દરવાજા ફટાકડા બજાર, મણિનગર ફટાકડા બજાર, બાપુનગર-સરસપુર ફટાકડા બજાર, પાલડી, વાસણા અને એસ.જી. હાઇવે પરના બજાર ઉપરાંત નારણપુરા અંકુર ફટાકડા બજાર સાથે વસ્ત્રાપુરના ફટાકડા બજારમાં છેલ્લા ચારેક દિવસથી ઠીક ઠીક પ્રમાણમાં ઘરાકી ઊઘડી હોવાથી નાનાં બાળકો માટેના તારામંડળ, સાપોલિયા, ચકરડી, ટીકડી અને કૃષ્ણછાપ લક્ષ્મી છાપ નાના ફટાકડાની મોટી લૂમના માલનું વેચાણ થયું છે. નાના બાળકોના ફટાકડાના ભાવમાં સરેરાશ 8થી 10 ટકાનો વધારો થયો છે, જેના લીધે ફટાકડાની ધરાકી દર વર્ષ કરતાં ઓછી જોવા મળી રહી છે. સ્ટોલ કે મોટી દુકાનના બદલે લારીમાં છૂટક ફટાકડા વેચતા લારીવાળાઓ નાનાં બાળકોના ફટાકડાના વેચાણ ચાલુ થયું છે.
ફેન્સી આઇટમની સાથે ડ્રોન ફટાકડા આકર્ષણ જમાવશે
ફ્ટાકડા બજારમાં નવી ફેન્સી આઇટમની સાથે સાથે ડ્રોન ફટાકડાનું આકર્ષણ વધુ જોવા મળે છે. ડ્રોન ફટાકડો 15થી 20 ફૂટની ઊંચાઈએ જઈ આકાશમાં ફૂટશે. આમ જોઈએ તો પ્રતિબંધિત ઊંદરડીનું ડ્રોન ફટાકડો નવું વર્ઝન છે, એટલે દિવાળી સમયે ડ્રોન ફ્ટાકડાની માંગમાં વધારો થાય તેવા અણસાર છે. દિવાળીના તહેવારમાં નાનાં બાળકો માટે ચાંદલિયો ફેવરિટ આઇટમ છે, ચાર-પાચ દાયકા બાદ હવે ચાંદલિયાનો યુગ સમાપ્ત થયો છે. આ વખતે ચાંદલિયા બંધ થઈ ગયા છે તેના બદલે રિંગકેપ અને રોલનું ચલણ વધ્યું છે. આ ઉપરાંત શૂટરગન, ફ્લેશ લાઈટ, કેમેરા લાઇટ, મ્યુઝિકલ રોલ, પીકોક, પ્લેગન નામના ફટાકડા નવા જોવા મળશે.
બજારમાં બે હજાર જેટલાં અલગ અલગ ફટાકડાની આઇટમો આકાશી ફ્ટાકડા 450થી વધુ અને જમીની ફ્ટાકડા 250થી વધુ છે. અંદાજે 2,000થી વધુ અલગ અલગ ફ્ટાકડા માર્કેટમાં મળી રહ્યા છે. નાના બાળકોને ફુલઝર, ફુવારા, જમીન ચકરી વધુ પસંદ હોય છે. ફુવારાના રૂ. 40-350, જમીન ચકરી રૂ. 40-450 ઉપલબ્ધ છે. સૌથી વધુ યુવાનો આકાશી ફટાકડા શોટ્સ ખરીદવાનું પસંદ કરે છે. જેમાં પચ્ચીસથી એક હજાર શોટ્સના ફ્ટાકડા ઉપલબ્ધ છે. જે જમીન પરથી સીધા આકાશમાં જઇ ફૂટે છે અને આકાશને રંગીન બનાવી દે છે.


