- ટોચના છ મેન્સ ટેનિસ ખેલાડીઓ રિયાદમાં રમાનારી ટૂર્નામેન્ટમાં રમશે
- સાઉદી ટેનિસ ફેડરેશને તાજેતરમાં જ નાદાલને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે
- બ્રાન્ડ એમ્બેસેડર બનવાના કારણે નાદાલને છ કિંગ્સ સ્લેમ રમવી પડે તેમ છે
દિગ્ગજ ટેનિસ ખેલાડી રફેલ નાદાલ, નોવાક જોકોવિચ, કાર્લોસ અલ્કારાઝ તથા ઓસ્ટ્રેલિયન ઓપન 2024નો ચેમ્પિયન યાનિસ સિનર ચાલુ વર્ષના ઓક્ટોબરમાં સાઉદી અરબના રિયાદ ખાતે રમાનારી એક ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. આ ઇવેન્ટનું નામ ‘6 કિંગ્સ સ્લેમ’ છે જેમાં ડેનિયલ મેડવેડેવ તથા હોલ્ગર રુને પણ ભાગ લેશે. આ તમામ ખેલાડીઓમાં માત્ર રુનેને ગ્રાન્ડસ્લેમ જીતવાનો અનુભવ નથી. સાઉદી ટેનિસ ફેડરેશને તાજેતરમાં જ નાદાલને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. નાદાલ અને જોકોવિચે સંયુક્ત રીતે 46 ગ્રાન્ડસ્લેમ જીત્યા છે. નોંધનીય છે કે તાજેતરમાં ક્રિસ એવર્ટ અને માર્ટિના નવરાતિલોવાએ વિમેન્સ ટેનિસ પાછળ સાઉદીમાં અઢળક નાણાં ખર્ચવામાં આવે છે તેવી કોમેન્ટ કર્યા બાદ આયોજકો ચાલુ વર્ષના અંતે ડબ્લ્યૂટીએ ફાઇનલ પણ રમાડવા અંગેની યોજના તૈયાર કરી રહ્યા છે.
ક્લે કોર્ટના બાદશાહ ગણાતા રફેલ નાદાલે સંકેત આપી દીધો છે કે આ તેની સંભવિત છેલ્લી સિઝન છે. સાઉદી અરબના ટેનિસ બ્રાન્ડ એમ્બેસેડર બનવાના કારણે નાદાલને છ કિંગ્સ સ્લેમ રમવી પડે તેમ છે. થાપાની સર્જરીમાંથી મુક્ત થઈ રહેલા નાદાલે જણાવ્યું હતું કે રિયાદમાં પાછા ફરવાનો મને આનંદ થયો છે અને હું મારા સાઉદી સમર્થકો સામે રમવા માટે ઉત્સાહિત થયો છું. છેલ્લા કેટલાક સમયથી આરબ દેશોમાં એફ-1 રેસિંગ ઉપરાંત ઉચ્ચ સ્તરની બોક્સિંગ ઇવેન્ટ યોજાય છે. આ ઉપરાંત વિશ્વભરના કેટલાક ફૂટબોલ સ્ટાર્સને પણ ગલ્ફની ક્લબો કરારબદ્ધ કરી રહી છે.


