શનૈ: શનૈરુપર મેદબદ્ધયા ધ્રુતિગ્રહિતયા II
આત્મસંસ્થમ મન: કૃત્વા ન કિંચદપિ ચંતયેત II25II
અર્થ : સાધકે ધીરે ધીરે પૂર્ણ વિશ્વાસથી બુદ્ધિપૂર્વક સમાધિમાં સ્થિર થવું જોઈએ અને મનને આત્મસ્વરૂપમાં સ્થિર કરી તે સિવાય બીજું કોઈ ચિંતન ન કરવું જોઇએ.
ભગવાન કહે છે કે સાધકે અથવા ઉપાસકે પોતાની અંદર એક વિશ્વાસ પ્રગટાવવાનો છે. એવો વિશ્વાસ કે જે મેં ધાર્યું છે તે હું મેળવીશ જ. અહીં મોક્ષ પ્રાપ્ત કરવા માટે સમાધિમાં લીન થવા માટેનું કહેવામાં આવેલું છે. પૂર્ણ વિશ્વાસ પામ્યા પછી વ્યક્તિ સમાધિસ્થ થઈ જાય તો તે તેના આત્માનું કલ્યાણ પામી શકશે. પોતાના મનને આત્મતત્ત્વ પર સ્થિર કરવા પર ભાર મુકાયો છે. મન મર્કટસમાન છે તેને કોઈ એક મુદ્દા પર સ્થિર રાખવું કપરું છે. જો વ્યક્તિ તેના મનને આત્મતત્ત્વ સાથે સ્થિર કરી શકે તો પછી તેણે બીજું કોઈ પણ ચિંતન કરવાની જરૂર રહેતી નથી.
સંસારની મોહ-માયામાં કે આપણા નોકરી-ધંધા-વ્યવસાયમાં આપણે સતત રચ્યાપચ્યા રહીએ છીએ. જોકે, સંસારી મનુષ્યે એ કામ પણ નિભાવવાનું છે, દરેક વ્યક્તિ પોતાની સામાજિક જવાબદારીમાંથી છટકી શકે નહીં અને જો એવું થવા લાગે તો સમાજમાં અંધાધૂંધી છવાઈ જાય એટલે એવી સ્થિતિની કલ્પના કરવી પણ દુષ્કર છે. આમ છતાં મનુષ્યે સમય કાઢી મનને આત્મતત્ત્વ સાથે જોડી થોડા થોડા સમય માટે સમાધિ અવસ્થા મેળવવાની કોશિશ કરવી જોઈએ. જો તે આમ કરી શકશે તો તેને સમયાંતરે તેનો મહાવરો થતો જશે અને પછી એ એવી અવસ્થા પર આવી જશે કે જેમાં એને સમાધિસ્થ થવાનું સહેલું લાગશે.
યતો યતો નિશ્ચલતિ મનઇચ્ચલ્મસ્થિરમ્ II
તતસ્તો નિયમ્યૈતવાત્મ્નેવ વશં નયેત II6/26II
અર્થ : અસ્થિર અને ચંચળ મન જ્યાંથી જ્યાંથી ચળી જાય ત્યાંથી ત્યાંથી એને રોકીને યોગીએ તેને આત્માને વશ મૂકવું જોઈએ.
આ આગળના શ્લોકના અવલોકનમાં આપણે નોંધ્યું છે કે મન મર્કટ જેવું છે. જેમ માંકડું આમતેમ સતત કૂદકા મારે છે અને શાંતિથી બેસતું નથી તેવી રીતે માણસનું મન પણ ચંચળ છે તે સતત અસ્થિર રહે છે. તે વારેઘડીએ સંસારી સુખોની કલ્પનામાં સરી પડે છે, ઈન્દ્રિયોનાં સુખ પામવાની તેની કોશિશ હોય છે એટલે મન જ્યારે મોક્ષના પાયેથી નીકળવાની કે ચલિત થવાની કોશિશ કરે ત્યારે તેને તેમ કરતું જે તે યોગીએ રોકવાનું છે અને ફરીથી તેને આત્મતત્ત્વ સાથે જોડવાનું કાર્ય કરવાનું છે.
મનની મર્કટતા આપણે સૌએ અનુભવેલી છે. તમે કોઈ વર્ગખંડમાં, કથાવાર્તાના પ્રવચનમાં અથવા કોઈ એવી જગા કે જ્યાં જ્યાં તમારે એકદમ મૌન રહેવાનું છે. કોઈએ કશું જ બોલવાનું નથી તેવી સૂચના હશે તો પણ જો તમારું મન મુખ્ય વક્તા તરફથી જે વાત પ્રવચન કે બોધ અપાય છે તેમાં લાગશે નહીં, પણ તમારા જીવન આસપાસની કે નજીકના ભૂતકાળની તાજી કે જૂની ઘટનાઓની આસપાસ જ દોડી જાય છે. આમાં એવું બનતું હોય છે કે શરીર કથામંડપમાં બેઠું હોય છે, પણ મન અથવા તો આત્મા બીજે જ ક્યાંક ભટકતો હોય છે. તો આપણે સહુએ મનની આ ભટકવાની વૃત્તિને પકડી લેવાની છે, તેને રાહ બદલતાં રોકવાનું છે અને ફરીથી આત્મતત્ત્વ સાથે જે તે યોગપુરુષે જોડી દેવું જોઈએ.