સંત તિલોપમા વિશે એવું કહેવામાં આવે છે કે તેમની પાસે દરેક પ્રશ્નનો ઉત્તર હતો. આ સાંભળીને મૌલુક પુત્ત નામના એક દાર્શનિક તેમની પાસે પોતાના પ્રશ્નોના જવાબ મેળવવા માટે ગયા. તિલોપમાએ તેમના બધા જ પ્રશ્નોને ધીરજતાથી સાંભળ્યા અને બોલ્યા, `શું તમે સાચે જ તમારા પ્રશ્નોના ઉત્તર મેળવવા માગો છો? તેના માટે તમારે તેની કિંમત ચૂકવવી પડશે.’
આ સાંભળી મૌલુક પુત્ત વિચારવા લાગ્યા કે હું ઘરડો થઈ ગયો છું. આજ સુધી ઘણા ઉત્તર મળ્યા, પરંતુ કોઈ ઉત્તર સાચો કે સંતોષકારક મળી શક્યો નથી. શક્ય છે તિલોપમા પાસેથી મને સંતોષકારક ઉત્તર મળે. આમ વિચારીને તેમણે પ્રશ્નોની કિંમત ચૂકવવા માટે હા કહ્યું. તિલોપમાએ કહ્યું, `ઠીક છે. લોકો પ્રશ્નો પૂછે છે, પરંતુ તેની કિંમત ચૂકવવા નથી માંગતા. બહુ દિવસ પછી તમે એક એવી વ્યક્તિને મળ્યા છો જે કિંમત ચૂકવવા માટે રાજી થયા છે. હવે હું તમને મારી કિંમત જણાવું. તે એ છે કે તમારે બે વર્ષ સુધી મારી પાસે મૌન ધારણ કરીને ચૂપચાપ બેસી રહેવું પડશે. તે દરમિયાન તમારે એક શબ્દ પણ નથી બોલવાનો. ભલે પછી કોઈ કષ્ટ થાય કે મુશ્કેલી આવે અથવા અન્ય કોઈ કારણ હોય. તમારે ચૂપ જ રહેવાનું છે. જ્યારે બે વર્ષ પૂર્ણ થશે, પછી હું સામેથી જ તમને કહીશ કે હવે તમારે જે પૂછવું હોય તે પૂછી લો. હું તમને વચન આપું છું કે તમને તમારા પ્રશ્નોના સંતોષકારક જવાબ મળશે.’
કિંમત કંઈક વિચિત્ર હતી, પરંતુ બીજો કોઈ રસ્તો પણ ન હતો. મૌલુક પુત્ત તૈયાર થઈ ગયા. તેઓ બે વર્ષ સુધી મૌન ધારણ કરીને તિલોપમા પાસે બેસી રહ્યા. બે વર્ષ પૂર્ણ થયાં. સંત તિલોપમા કશું જ નહોતા ભૂલ્યા. તેમને તિથિ, દિવસ બધું જ યાદ હતું. જોકે, મૌલુક પુત્ત તો બધું જ ભૂલી ગયા હતા, કારણ કે ધીરે-ધીરે તેમના વિચાર શાંત થઈ ગયા. તેમને તો સમયનું ભાન પણ નહોતું રહ્યું. જ્યારે તિલોપમાએ મૌલુક પુત્તને સવાલ પૂછવા માટે કહ્યું ત્યારે તેમણે કહ્યું કે, `તમારી કૃપાથી હું હવે જાગી ગયો છું કે મનના મૌનમાં બધા જ પ્રશ્નોના ઉત્તર છે. આ રીતે મને મારા બધા જ પ્રશ્નોના ઉત્તર મળી ગયા છે.’