ન્યૂરો સર્જન પર હુમલા બાદ ફાટી નીકળેલી નારાજગી શાંત : આરોપીની ધરપકડ થતા જુનિયર ડોક્ટરો ફરજ પર પરત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યૂરો સર્જન પર થયેલા હુમલાના વિરોધમાં ઉતરેલા જુનિયર ડોક્ટરોની હડતાલ આખરે સમેટાઈ છે. ગઈકાલે સાંજે આરોપીની ધરપકડ થતા તબીબી જગતમાં ફેલાયેલી નારાજગી થાળે પડી હતી અને જુનિયર ડોક્ટરો ફરીથી પોતાની ફરજ પર પરત ફર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, રવિવારે મોડી રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં આવેલા આઈસીયુ વિભાગમાં ન્યૂરો સર્જન ડો. પાર્થ પંડ્યા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ પોલીસ દ્વારા તાત્કાલિક ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ ત્રણ દિવસ વીતી જવા છતાં આરોપીની ધરપકડ ન થતા તબીબોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ડોક્ટરોની સુરક્ષાને લઈ ઉદભવેલી ચિંતાને પગલે બુધવારે સાંજે લગભગ 4 વાગ્યાથી 400થી 500 જેટલા જુનિયર ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા હતા. ડોક્ટરોએ સ્પષ્ટ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી આરોપી ઝડપાય નહીં ત્યાં સુધી હડતાલ યથાવત રાખવામાં આવશે. હડતાલના કારણે ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓથી જુનિયર ડોક્ટરો અલગ રહ્યા હતા.
આ હડતાલની સીધી અસર દર્દીઓ પર પડી હતી. ઓપીડી વિભાગમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી. સિનિયર ડોક્ટરો દ્વારા ઓપીડી સંભાળવામાં આવી રહી હતી, પરંતુ કામના ભારને કારણે અનેક માઇનર ઓપરેશનોને આગામી તારીખે મોકૂફ રાખવા પડ્યા હતા. પરિણામે દર્દીઓ અને તેમના સગાસંબંધીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
પરિસ્થિતિમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે ગઈકાલે સાંજે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા હુમલાના આરોપી જયદીપ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ધરપકડની જાણ થતા જ જુનિયર ડોક્ટરોમાં સંતોષની લાગણી ફેલાઈ હતી.
આ અંગે જુનિયર ડોક્ટર એસોસિએશનના સેક્રેટરી ડો. પિન્ટુ ભુતએ જણાવ્યું હતું કે, “આરોપીની ધરપકડ થતાં હવે અમારી હડતાલ પાછી ખેંચવામાં આવી છે અને તમામ જુનિયર ડોક્ટરો પોતાની ફરજ પર પરત ફર્યા છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડોક્ટરોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત થાય તે માટે તંત્ર દ્વારા વધુ અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.
ડોક્ટરોની હડતાલ સમાપ્ત થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરીથી સારવાર સેવાઓ ધીમે ધીમે પૂર્વવત બનતી જોવા મળી છે.


