- સિવિલમાં સિક્યુરિટીની કામગીરી સામે સવાલો ઉભા થયા
- શ્વાન કોઈના પર હુમલો કરે તો જવાબદાર કોણ?
- ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દૈનિક હજારો લોકોની અવર-જવર
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દૈનિક હજારો લોકોની અવર-જવર રહે છે. ત્યારે હોસ્પિટલની અંદર ઘણા સ્થળોએ શ્વાનના આંટાફેરા નજરે પડે છે. ખાસ કરીને ગાયનેક વોર્ડ, ગાયનેક ઓપરેશન થિયેટર સહિતની આસપાસ રખતાં શ્વાન વધારે જોવા મળે છે. જેને પગલે આવતા-જતા લોકોને શ્વાન બચકા ન ભરી લે તેનો ભય સતત સતાવતો રહે છે. બીજી તરફ શ્વાન કોઈ નવજાતને કઈ નુકસાન ન પહોંચાડે તેનો પણ ભય દર્દીઓ તથા તેમના સગા રહે છે. મળેલી માહિતી મુજબ કેટલાક દર્દીઓના સગાઓ દ્વારા અહીં જ શ્વાનને ખાવાનું નખાતું હોવાથી શ્વાનના આંટાફેરા નજરે પડે છે. જોકે હાજર સ્ટાફ કે સિક્યુરિટી જવાનોની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ત્યારે શ્વાનને પગલે સિવિલમાં કોઈ દર્દી કે દર્દીના સગાને બચકું ભરે કે હુમલો કરે તે પહેલાં રખડતાં શ્વાન અંગે પગલાં લેવાય તે જરૂરી છે. સિવિલમાં ઓપીડી માટે જવાનો રસ્તો અને ઈમરજન્સી વોર્ડ પાસે રિક્યુરિટી હોય છે. જોકે નવી બિલ્ડિંગ, વચ્ચે આવેલા ગેટ સહિતના સ્થળે સિક્યુરિટી જવાનો જોવા મળતા નથી. જેને પગલે આ બધા રસ્તાઓથી જ શ્વાન ઉપરાંત દર્દીના સગાઓ પાન-મસાલા, બીડી-સિગારેટ લઈને આવે છે. ઉલ્લેખનિય છે કે મેડિકલ કોલેજની કેન્ટિન પાસે પણ શ્વાનના આંટાફેરા રહેતાં જ હોય છે.


