અમરેલીમાં શ્વાનનો આતંક, એક જ દિવસમાં 3૦થી વધારે લોકોને કરડયા
રખડતા કુતરાના હુમલા વધતા લોકોમાં ભયનો માહોલ : હોસ્પિટલમાં ડોગ બાઇટના દર્દીઓની કતાર લાગી
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં રખડતા શ્વાનોએ આંતક મચાવ્યો છે. સોમવારે એક જ દિવસમાં 33 લોકોને શ્વાને બચકા ભર્યા હતા. શાક લેવા ગયેલા વ્યક્તિથી લઈ દુકાને બેઠેલા શખસ સુધી બધાને ફાડી ખાધા હતા. શ્વાનના કરડવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. જેના કારણે સ્થાનિકોમાં ભય અને દહેશતનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી શહેરમાં શાકમાર્કેટ, ચાંદની ચોક અને માણેકપરા સહિતના વ્યસ્ત વિસ્તારોમાં આશરે 30 જેટલા લોકોને શ્વાન કરડ્યા હતા. આ ઉપરાંત, અમરેલી જિલ્લાના વાંકિયા ગામમાં એક વ્યક્તિ, બરવાળા બાવીસી વિસ્તારમાં એક વ્યક્તિ અને ધારી તાલુકામાં એક વ્યક્તિને પણ શ્વાન કરડવાની ઘટના બની હતી.
આ તમામ વિસ્તારમાં શ્વાને આંતક મચાવ્યો હતો. લોકોને હાથ-પગ સહિતના શરીરના અંગોમાં શ્વાને બચકાં ભરી લીધા હતા. લોકો હાલ ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. શ્વાનના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યા હોસ્પિટલમાં પણ દોડધામ મચી ગઈ હતી.
હોસ્પિટલના રેબીસ વોર્ડમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જ્યાં વિવિધ વિસ્તારોમાંથી લોકો રેબીસના ઇન્જેક્શન અને અન્ય સારવાર માટે આવ્યા હતા. આદમભાઈ સોલંકી, જેઓ અમરેલીના બહારપરા વિસ્તારના રહેવાસી છે, તેમણે જણાવ્યું કે, તેમના વિસ્તારમાં 25 થી 30 લોકોને શ્વાન કરડ્યા છે, મારા પિતાને પણ શ્વાને બચકુ ભરી લીધું છે. મારા પિતા દુકાને બેઠા હતા ત્યારે જ અચાનક શ્વાન આવીને બચકું ભરીને જતું રહ્યું હતું. ત્યારે અમારી નગરપાલિકાને રજૂઆત છે કે, જેમ બને તેમ આ શ્વાનોને પકડીને અન્યત્ર ખસેડવા. જેથી વધુ લોકોને કરડતા અટકી શકે.
ગજેરાપરા વિસ્તારના દિલીપભાઈએ જણાવ્યું કે, હું ઘરે આવી રહ્યો હતો. તે દરમિયાન રસ્તામાં શાકમાર્કેટમાં શાકભાજી લેવા ગયો હતો. ત્યારે અચાનક કૂતરૂ કરડી ગયું હતું. તેમણે ઉમેર્યું કે, હાલમાં ઘણા લોકો શ્વાન કરડવાના કારણે સારવાર માટે આવી રહ્યા છે હું પણ સારવાર માટે આવ્યો છું.


