- રાજસ્થાનની જનતાને નવા વર્ષે મળશે પહેલી ભેટ
- 100 દિવસમાં વચનો પૂર્ણ કરવાનો ભાજપ માટે પડકાર
- સરકાર બને 25 દિવસ થયા છતાં કેબિનેટ નથી બની
રાજસ્થાનમાં પહેલી જાન્યુઆરીથી 450 રૂપિયામાં ઘરેલુ ગેસ સિલિન્ડર મળશે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ બુધવારે ટોંક જિલ્લાથી આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સરકાર સંકલ્પ પત્રમાં કરેલ વચનો પૂરા કરશે. જણાવી દઈએ કે, રાજસ્થાન વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપ એક સંકલ્પ પત્ર લઈને આવી હતી તેમણે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું. આ વચનને પૂર્ણ કરતાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સંમેલનમાં આવ્યા સીએમ
વાસ્તવમાં, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા બુધવારે ટોંક જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. અહી તેઓ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સંમેલનમાં સામેલ થયા હતા. આ દરમિયાન સીએમ શર્માએ હાજર લોકો સાથે સંવાદ કર્યો હતો. શિબિરને સંબોધિત કરતાં સીએમ શર્માએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી જે કહે છે તે કરીને બતાવે છે. તેમનું સપનું છે કે દરેક વ્યક્તિને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મળવો જોઈએ, કોઈ પણ વ્યક્તિ તેનાથી વંચિત ન રહે. આ માટે આ વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાઢવામાં આવી રહી છે.
નવી સરકારની કેબિનેટની રચના અટકી
3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર થયા પછી, ભજનલાલ શર્માએ 15 ડિસેમ્બરે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે બે ડેપ્યુટી સીએમ દિયા કુમારી અને ડો. પ્રેમચંદ બૈરવાએ પણ શપથ લીધા હતા. ત્યારથી મંત્રીમંડળની રચનાની કવાયત ચાલી રહી છે. પરંતુ, ભાજપ હાઈકમાન્ડ મંત્રીઓના નામ ફાઈનલ કરી શક્યું નથી. મંત્રીમંડળની રચના અંગે કોઈ સંકેતો નથી. આવી સ્થિતિમાં હવે નવા વર્ષમાં જ મંત્રીમંડળની રચના થઈ જશે તેવી ચર્ચા છે.
ઓછા સમયમાં કેવી રીતે પૂરા થશે વાયદા?
ચૂંટણી સમયે ભાજપે વચન આપ્યું હતું કે સરકાર બન્યાના માત્ર 100 દિવસમાં તમામ વચનો પૂરા કરવામાં આવશે. પરંતુ, 25 દિવસ થવા છતાં મંત્રીમંડળની રચના ન થઈ શકતા અનેક કામો અટકેલાં પડ્યા છે. લોકસભા ચૂંટણીને લઈને માર્ચ મહિનાથી આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ શકે છે. આ સંદર્ભે ભજનલાલ શર્મા પાસે કામ કરવા માટે માત્ર 75 થી 77 દિવસ જેટલો જ સામે છે. મંત્રીમંડળમાં થઈ રહેલ વિલંબને લઈને કોંગ્રેસ પણ ભાજપ પર નિશાન સાધી રહ્યું છે.


