– ક્રૂડતેલમાં જોવાયેલી બેતરફી ચાલ
– અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૧૨૯ લાખ બેરલ્સ તથા ગેસોલીનનો સ્ટોક ૩૬ લાખ બેરલ્સ વધ્યાના નિર્દેશો
Updated: Oct 13th, 2023
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં આગેકૂચ ચાલુ રહી હતી. વિશ્વ બજારમાં ભાવ વધુ ઉંચકાયાના નિર્દેશો હતા. ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર પણ વધ્યો હતો. આની અસર ઝવેરી બજાર પર પોઝીટીવ જોવા મળી હતી. વિશ્વ બજારમાં ફંડ બાઈંગ વચ્ચે સોનાના ભાવ ઔંશના ૧૮૭૧થી ૧૮૭૨ વાળા વધી ૧૮૮૩થી ૧૮૮૪ ડોલર રહ્યા હતા.
ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૩૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૬૦૧૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૦૩૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૭૧ હજાર બોલાતા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૨.૦૭ વાળા ૨૨.૨૪ થઈ ૨૨.૧૩થી ૨૨.૧૩થી ૨૨.૧૪ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના નીચામાં ૮૮૦ તથા ઉંચામાં ૮૯૮ થઈ ભાવ ૮૮૨થી ૮૮૩ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૧૧૬૪થી ૧૧૬૫ વાળા ૧૧૮૨ થઈ નીચામાં ભાવ ૧૧૬૨ થઈ ૧૧૬૭થી ૧૧૬૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે એકંદરે શાંત હતા. ચીનની સરકાર દ્વારા બહાર પડનારા સ્ટીમ્યુલ્સ પેકેજ પર કોપર બજારની નજર રહી હતી.
દરમિયાન, ક્રૂડતેલના વૈશ્વિક ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. ક્રૂડના ભાવ બેરલદીઠ યુએસના ૮૫.૨૭ વાળા નીચામા ૮૨.૭૮ તથા ઉંચામાં ૮૪.૭૭ થઈ ૮૪.૫૯ ડોલર રહ્યા હતા. જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૮૭.૦૪ વાળા નીચામાં ૮૫.૧૮ તથા ઉંચામાં ૮૭.૨૬ થઈ ૮૭.૧૧ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક વધ્યાના સમાચાર હતા.
અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક પાંચ લાખ બેરલ્સ વધવાની અપેક્ષા હતી પરંતુ તેના બદલે હકીકતમાં આવો સ્ટોક ત્યાં ૧૨૯ લાખ બેરલ્સ વધ્યાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું ત્યાં ગેસોલીનનો સ્ટોક ૮ લાખ બેરલ્સ ઘટવાની શક્યતા હતી તેના બદલે આવો સ્ટોક ૩૬ લાખ બેરલ્સ વધ્યાના સમાચાર મળ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૭૬૨૮ વાળા રૂ.૫૭૯૧૧ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૫૭૮૬૦ વાળા રૂ.૫૮૧૪૪ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૬૯૪૯૪ વાળા રૂ.૬૯૬૯૯ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.