- શ્રીનગરમાં વરસાદની સાથે સાથે જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે
- ખીણમાં ઘણા મકાનોને નુકસાન થયું
- બારામુલ્લા જિલ્લામાં સ્કીઇંગ રિસોર્ટ ગુલમર્ગમાં છેલ્લા 48 કલાકમાં લગભગ 2.5 ફૂટ હિમવર્ષા થઈ
જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષની શરૂઆતમાં શિયાળો સૂકો રહ્યો હતો. ખીણમાં, ખાસ કરીને ગુલમર્ગની આસપાસના પર્યટન સ્થળોમાં બરફના અભાવને કારણે પ્રવાસીઓમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ શિયાળાના અંતમાં હિમવર્ષાથી સ્થાનિક લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. કાશ્મીરના શ્રીનગરમાં આજે શિયાળાની મોસમની બીજી હિમવર્ષા થઈ હતી જ્યારે ખીણના ઊંચા વિસ્તારોમાં છેલ્લા 48 કલાકમાં ભારે હિમવર્ષા નોંધાઈ હતી.
હવામાન આગાહી
હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, શ્રીનગરમાં રવિવારથી ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યાર બાદ આજે દિવસની શરૂઆતમાં મધ્યમ હિમવર્ષા થઈ હતી. હિમાચલ પ્રદેશના આદિવાસી વિસ્તારો અને ઊંચા પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ઓછામાં ઓછા 228 રસ્તાઓ બંધ થઈ ગયા છે. શ્રીનગરમાં એક અધિકારીએ જણાવ્યું કે ગુલમર્ગ, સોનમર્ગ, શોપિયાં, ગુરેઝ, માછિલ અને ખીણના અન્ય પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે.શ્રીનગરમાં વરસાદની સાથે સાથે જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે.બારામુલ્લા જિલ્લામાં સ્કીઇંગ રિસોર્ટ ગુલમર્ગમાં છેલ્લા 48 કલાકમાં લગભગ 2.5 ફૂટ હિમવર્ષા થઈ છે, આવતીકાલથી ચોથી ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવનાર છે.
કયા કેટલો બરફ જામ્યો
સાધના ટોપમાં પાંચ ફૂટ, જ્યારે રાઝદાન ટોપમાં પાંચ ફૂટ, તુલૈલ-ગુરેઝમાં ચાર અને સોનમર્ગમાં 4.5 ફૂટ સુધી બરફ જમા થયો છે. છેલ્લા 24 કલાકમાં શ્રીનગરમાં 29 મીમી જ્યારે કાઝીગુંડમાં 76.8 મીમી વરસાદ નોંધાયો હતો. હિમાચલ પ્રદેશના કિલર (પાંગી)માં 90 સેમી હિમવર્ષા થઈ છે, જ્યારે ચિત્કુલ અને જલોરી જોટમાં 45 સેમી, કુકુમસેરીમાં 44 સેમી અને ગોંડલામાં 39 સેમી હિમવર્ષા થઈ છે.પહાડી વિસ્તારોમાં હજુ પણ હિમવર્ષા થઈ રહી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં કુલ 165 અને ચંબામાં 52 રસ્તાઓ અવરોધિત છે.


