યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એરફોર્સ વનમાં ઉડતી વખતે $5 મિલિયનનું ‘ગોલ્ડ કાર્ડ’ બતાવે છે. ગયા મહિને તેણે આ કાર્ડની જાહેરાત કરી હતી. આ કાર્ડ શ્રીમંત એટલે કે કરોડપતિ ઇમિગ્રન્ટ્સ માટે છે. મતલબ કે જે લોકો અમેરિકન નાગરિકતા મેળવવા માગે છે તેમણે આ કાર્ડ ખરીદવું પડશે. આ કાર્ડની કીંમત 43 કરોડ છે.
ટ્રમ્પનું ‘ગોલ્ડ કાર્ડ’ ગ્રીન કાર્ડનું પ્રીમિયમ વર્ઝન છે. તે ઇમિગ્રન્ટ્સને 5 મિલિયન ડોલરમાં વેચવામાં આવશે. હકીકતમાં, ગયા મહિને એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે અમે ગોલ્ડ કાર્ડ વેચવા જઈ રહ્યા છીએ. અમે તે કાર્ડની કિંમત લગભગ $5 મિલિયન રાખવા જઈ રહ્યા છીએ. જેનાથી તમને ગ્રીન કાર્ડના તમામ હક મળશે. તેમણે કહ્યું હતું કે આ કાર્ડ નાગરિકતા મેળવવાનો સરળ માર્ગ હશે અને આ કાર્ડ ખરીદીને સમૃદ્ધ લોકો આપણા દેશમાં રહી શકશે. તેઓ સમૃદ્ધ અને સફળ થશે. ટ્રમ્પે કહ્યું કે તેઓ અહીં ઘણો ટેક્સ ચૂકવશે અને ઘણા લોકોને રોજગાર આપશે.
ટ્રમ્પનું ‘ગોલ્ડ કાર્ડ’ અમેરિકન નાગરિકતા મેળવવાની એક નવી રીત છે, જે ખાસ કરીને અમીર લોકો માટે બનાવવામાં આવી છે. આ અંતર્ગત કોઈપણ વ્યક્તિ 5 મિલિયન ડોલર (લગભગ 43 કરોડ રૂપિયા) ચૂકવીને તેને મેળવી શકે છે. આ કાર્ડ માત્ર યુ.એસ.માં કાયમી નિવાસની મંજૂરી આપતું નથી, તેના બદલે, તે નાગરિકતા મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. આ યોજના જૂના EB-5 વિઝા પ્રોગ્રામને બદલશે, જેમાં $1 મિલિયન (અથવા કેટલાક કિસ્સાઓમાં $800,000)નું રોકાણ અને 10 નોકરીઓનું સર્જન જરૂરી છે.


