અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે એક દુર્લભ ખનિજ ડીલની જાહેરાત કરી છે. ટ્રમ્પે તેને બંને દેશો વચ્ચેના ઉત્તમ સંબંધોનું પ્રતીક ગણાવ્યું છે.
આ ડીલ હેઠળ, ચીન અમેરિકાને રેયર અર્થ મિનરલ્સ અને મેગ્નેટ્સ પૂરા પાડશે. બદલામાં અમેરિકા ચીની વિદ્યાર્થીઓને તેની કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવાની મંજૂરી આપશે.
ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા સાઈટ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે અમને ચીન તરફથી 55% ટેરિફ મળી રહ્યો છે, જ્યારે ચીનને ફક્ત 10% ટેરિફ મળી રહ્યો છે. તેમને લખ્યું કે અમારા સંબંધો ઉત્તમ છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ચીન જરૂરી મેગ્નેટ્સ અને રેયર મિનરલ્સનો પુરવઠો પૂરો પાડશે અને અમેરિકા ચીની વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન એક્સેસ જેવી શરતો પણ પૂર્ણ કરશે.
અમેરિકા 55 ટકા ટેક્સ કેવી રીતે લેશે?
મીડિયા રિપોર્ટ મુજબ વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ડીલ પછી અમેરિકા ચીનથી આવતા માલ પર કુલ 55 ટકા ટેક્સ લગાવશે. આમાં 10% બેઝલાઈન ટેરિફ- સમાનતા જાળવવા માટે, 20% ટેરિફ ફેન્ટાનાઈલ તસ્કરી સામે અને 25% પહેલાથી લાગુ કરાયેલ ટેરિફનો ભાગ હશે. જ્યારે ચીન અમેરિકાથી આવતા ઉત્પાદનો પર ફક્ત 10% ટેક્સ લાદશે.
કેમ છે આ ડીલ મહત્ત્વપૂર્ણ?
રેયર અર્થ મિનરલ્સ જેવા ખનિજો સ્માર્ટફોન, બેટરી, સંરક્ષણ સાધનો અને હાઈટેક ઉદ્યોગો માટે જરૂરી છે. અમેરિકા લાંબા સમયથી આ ખનિજો માટે ચીન પર નિર્ભર છે. બીજી તરફ ચીની વિદ્યાર્થીઓને અમેરિકન શિક્ષણ પ્રણાલીમાં પ્રવેશ આપવાથી બંને દેશો વચ્ચેના શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત કરશે. આ ડીલ વેપાર, શિક્ષા અને જિયો પોલિટિકલ મોરચે યુએસ-ચીન સંબંધોમાં એક નવો અધ્યાય ખોલી શકે છે.