અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એકબાદ એક એવા નિર્ણયો લઇ રહ્યા છે કે જેની અસરથી અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે. આ નિર્ણયોને પગલે અમેરિકામાં પણ માહોલ ગરમાયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ એજન્સિઓને સરકારી કર્મચારીઓની છટણી કરવા માટે રોડમેપ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. એક અહેવાલના અનુસાર છટણી કર્યા બાદ પણ સમિતિ પ્રમાણમાં ભરતી કરવાની યોજના પણ બનાવાશે.
મોટા પાયે થશે છટણી?
એક રિપોર્ટ અનુસાર એવુ પણ કહેવામાં આવ્યુ છે કે જે કર્મચારીઓને કાઢી મૂકવામાં આવશે તેમાંથી ફક્ત એક ચતુર્થાંશ કર્મચારીઓને જ નવી ભરતી તરીકે રાખવામાં આવશે. એટલે કે જો 4 લોકો નોકરી ગુમાવે છે, તો ફક્ત એકની જ નવી ભરતી કરાશે. ટ્રમ્પના આ નિર્ણય પહેલા જ અમેરિકામાં અનિશ્ચિતતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર થોડા જ અઠવાડિયામાં 50 હજારથી વધુ લોકોએ પોતાની નોકરી છોડી દીધી છે. લાખો લોકોની નોકરી ગુમાવવાનો ભય વધુ ઘેરો બન્યો છે.
પ્રાઇવેટ સેક્ટરને વધારે અસર?
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ ટ્રમ્પ વહીવટીતંત્રની આ યોજનાથી અમેરિકા અને વિશ્વમાં ખાનગી ક્ષેત્રમાં મોટા પાયે નોકરીઓ ગુમાવવાનો ભય ઉભો થઈ શકે છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ના મુખ્ય અર્થશાસ્ત્રી આઉટલુક અનુસાર યુરોપ સહિત ઘણા પ્રદેશો આ વર્ષે પડકારોનો સામનો કરે તેવી શક્યતા છે.
નોકરી જોખમમાં ?
અમેરિકન વેબસાઇટ્સમાં શોધતા જાણવા મળ્યું છે કે સંઘીય ભંડોળમાં કાપ મૂક્યા બાદ બે અઠવાડિયામાં હજારો લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. હકીકતમાં 7.5 મિલિયનથી વધુ અમેરિકન નાગરિકોની નોકરીઓ સીધી રીતે ફેડરલ સરકાર સાથે જોડાયેલી છે.
USAIDમાં મોટો કાપ
અમેરિકા આંતરરાષ્ટ્રીય વિકાસ એજન્સી (USAID) મોટા પાયે છટણી કરવા મજબૂર છે. તેણે હાલના 10 હજાર વૈશ્વિક કર્મચારીઓમાંથી માત્રને માત્ર 294 કર્મચારીઓને જ રાખશે. USAID ને તેનું વોશિંગ્ટન મુખ્યાલય બંધ કરવાનું પણ કહેવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે.
આ રાજ્યોમાં ખરાબ અસર
ફેયેટવિલે, ઉત્તર કેરોલિના અને ઓસ્ટિનમાં ઘણા લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. કરાર પર કામ કરતા લોકોની નોકરીઓ રદ કરવામાં આવી છે. પશ્ચિમ વર્જિનિયામાં પણ છટણી કરવામાં આવી છે.
ટ્રમ્પ નોકરીઓ કેમ છીનવી રહ્યા છે?
ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ઉદ્યોગપતિ એલોન મસ્કનો મોટો પ્રભાવ જોવા મળી રહ્યો છે. મસ્કે મંગળવારે વચન આપ્યું હતું કે તેઓ સરકારમાં છેતરપિંડી અને નકામા ખર્ચને ઓળખીને 1 ટ્રિલિયન ડોલર બચાવશે. જે કુલ સંઘીય ખર્ચના આશરે 15% હશે. આ ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે મસ્ક નોકરીઓ પણ ઘટાડી રહ્યા છે.


