અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી સ્ટીલ આયાત પર ટેરિફ 25% થી વધારીને 50% કરવાની જાહેરાત કરી છે. તેમણે આ પગલું એવા સમયે લીધું છે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે મહત્વપૂર્ણ ખનિજો અને ટેકનોલોજીના વેપારને લઈને તણાવ ચરમસીમાએ છે. શુક્રવારે (30 મે) પિટ્સબર્ગમાં યુએસ સ્ટીલના મોન વેલી વર્ક્સ-ઇર્વિન પ્લાન્ટમાં આ જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનું ભવિષ્ય પિટ્સબર્ગની તાકાત અને ગૌરવ પર આધારિત હોવું જોઈએ, શાંઘાઈના નબળા સ્ટીલ પર નહીં.
ટ્રમ્પે સ્ટીલ પર ટેરિફ વધારવાનો નિર્ણય લીધો છે કારણ કે તેઓ સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માંગે છે. આ ઉપરાંત અમેરિકન બાંધકામ ઉદ્યોગને મજબૂત બનાવવા માટે પહેલ કરવા ઈચ્છે છે. અમેરિકા ચીન પર વેપાર દબાણ બનાવીને તેને આર્થિક નુકસાન પહોંચાડવા માંગે છે. ટેરિફ વધારવા પાછળનો તર્ક યુએસ સ્ટીલ-નિપ્પોન સોદાને મજબૂત બનાવવાનો છે.
તમને જણાવી દઈએ કે અમેરિકાના હાઉસિંગ, ઓટોમોટિવ અને બાંધકામ જેવા ઉદ્યોગો સ્ટીલ પર ખૂબ નિર્ભર છે. ટેરિફમાં વધારો કરવાથી આ ક્ષેત્રોમાં ખર્ચ વધી શકે છે, જેના કારણે ઉત્પાદનોના ભાવ પણ વધી શકે છે.આનાથી ગ્રાહકો પર વધારાનો બોજ પડી શકે છે. જોકે, ટેરિફ વધારવાના નિર્ણયથી ચીન, કેનેડા અને યુરોપથી થતી આયાતમાં વિશ્વાસ ઘટશે.
યુએસ સ્ટીલ અને નિપ્પોન ડીલ
ડોનાલ્ડ ટ્રમ્પે એક નવા બ્લોકબસ્ટર સોદાની જાહેરાત કરી જેમાં જાપાનની નિપ્પોન સ્ટીલ અમેરિકન કંપની યુએસ સ્ટીલને હસ્તગત કરશે, પરંતુ કંપની અમેરિકાના નિયંત્રણ હેઠળ રહેશે. આ વ્યવસ્થામાં અમેરિકન નેતૃત્વ ટીમ અને ખાસ વીટો પાવર (ગોલ્ડન શેર) ની જોગવાઈનો સમાવેશ થાય છે.જોકે આ સોદાની ચોક્કસ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેને અમેરિકન કંપનીને વિદેશી ટેકઓવરથી બચાવવા માટેની વ્યૂહરચના તરીકે રજૂ કરવામાં આવી છે.
યુનાઇટેડ સ્ટીલવર્કર્સ યુનિયને આ બ્લોકબસ્ટર ડીલ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. તેમનું માનવું છે કે નિપ્પોન સંપૂર્ણ માલિકી વિના રોકાણ કરશે નહીં, જેમ કે તેણે અગાઉ કહ્યું હતું. આ કારણે યુનિયન આ સોદાની પારદર્શિતા પર પ્રશ્નો ઉભા કરી રહ્યું છે.