અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરાર અંગે ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ લખી છે. તેમણે કહ્યું કે મને ખુશી છે કે આ કરાર બંને દેશોની પરસ્પર સંમતિથી થયો છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે અમેરિકા આ ઐતિહાસિક અને હિંમતવાન નિર્ણય સુધી પહોંચવામાં બંને દેશોને મદદ કરી શકે છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, “મને ભારત અને પાકિસ્તાન બંનેના મજબૂત અને દૃઢ નેતૃત્વ પર ખૂબ ગર્વ છે, જેમણે પોતાની શક્તિ, શાણપણ અને હિંમતથી સ્વીકાર્યું કે હવે એવી વકરી રહેલી પરિસ્થિતિને રોકવાનો સમય આવી ગયો છે જેના પરિણામે લાખો લોકો મૃત્યુ પામી શકે છે.લાખો નિર્દોષ લોકો મરી શક્યા હોત! તમારા આ હિંમતવાન પગલાએ તમારા વારસાને વધુ મજબૂત બનાવ્યો છે. મને ગર્વ છે કે અમેરિકા તમને આ ઐતિહાસિક અને હિંમતવાન નિર્ણય સુધી પહોંચવામાં મદદ કરી શકે છે. જોકે આ અંગે વધુ ચર્ચા થઈ નથી, પરંતુ હું બંને દેશો સાથે વેપાર વધારવા જઈ રહ્યો છું.તે સિવાય, હું તમારા બંને સાથે મળીને કામ કરવાનો પ્રયાસ કરીશ કે શું “એક હજાર વર્ષ” પછી કાશ્મીર મુદ્દાનો ઉકેલ મળી શકે છે. ભગવાન આ અદ્ભુત કાર્ય માટે ભારત અને પાકિસ્તાનના નેતૃત્વને આશીર્વાદ આપે!”


